ક્ષમતા કરતાં વધુ મૂર્તિઓના ઑર્ડર લીધા બાદ ગણેશોત્સવના માત્ર એક દિવસ પહેલાં તમામ કામ બાકી હતું એ વખતે ગણેશભક્તો ધિબેડશે એવા ભયથી ચિંતિત થઈને નાસી ગયો હતો
ડોમ્બિવલીનો ભાગી ગયેલો મૂર્તિકાર પોલીસ સમક્ષ હાજર થયો
ગણેશોત્સવના માત્ર એક દિવસ પહેલાં ગણેશમૂર્તિ બનાવતું કારખાનું છોડીને નાસી ગયેલા ડોમ્બિવલી-વેસ્ટના ચિનાર મેદાન નજીક આનંદી કલા કેન્દ્ર ચલાવતા મૂર્તિકાર પ્રફુલ તાંબડેની ગુરુવારે સાંજે વિષ્ણુનગર પોલીસે ધરપકડ કરી હતી. ક્ષમતા કરતાં વધુ મૂર્તિઓના ઑર્ડર લીધા બાદ ગણેશોત્સવના માત્ર એક દિવસ પહેલાં તમામ કામ બાકી હતું એ વખતે ગણેશભક્તો ધિબેડશે એવા ભયથી ચિંતિત થઈને નાસી ગયો હતો એવી કબૂલાત પોલીસ સમક્ષ તેણે કરી હતી. આ મામલે પોલીસે તેણે કેટલા લોકો પાસેથી પૈસા લીધા હતા એની માહિતી ભેગી કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામચંદ્ર ચોપડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રફુલે એક મોટા મંડળની મૂર્તિનું બુકિંગ કર્યું હતું અને એ મૂર્તિનું કામ સમયસર પૂરું ન થતાં મંડળના પ્રતિનિધિઓએ તેને ગણેશોત્સવના ૪ દિવસ પહેલાં માર માર્યો હતો જેનાથી તે ડરી ગયો હતો. એ ઉપરાંત તેણે ઘણીબધી મૂર્તિના ઑર્ડર લીધા હતા, પણ એનું ૬૦ ટકા કામ બાકી રહી ગયું હતું એટલે ગણેશભક્તો તેની મારઝૂડ કરશે એવા ડરથી તે મંડપ છોડીને નાસી ગયો હતો એવી કબૂલાત તેણે અમારી સમક્ષ કરી છે. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ અમે વધુ તપાસ હાથ ધરી હતી. એ દરમ્યાન પરિવારે તેનો સંપર્ક કરીને તેને પોલીસ-સ્ટેશને હાજર થવાનું કહેતાં પ્રફુલ સામેથી હાજર થયો હતો. પ્રફુલના પરિવારે અમને ખાતરી આપી છે કે ગણેશમૂર્તિઓ માટે ચુકવણી કરનારા ગ્રાહકોની રિસીટ જોયા પછી બધા પૈસા પાછા આપી દેવામાં આવશે.’


