નવી મુંબઈની ચોંકાવનારી ઘટના, ૪ ગઠિયાઓને શોધી રહી છે પોલીસ
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના APMC માર્કેટ નજીક પાનટપરી ચલાવતા ૩૫ વર્ષના અભિલાષ પાંડેને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારીઓ તરીકેની ઓળખ આપીને ચાર લોકોએ અપહરણ કરીને ૨.૬૬ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે APMC પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ શુક્રવારે સાંજે ફરિયાદીની પાનટપરી પર જઈને પોતે FDAના અધિકારી છે એવી ઓળખ આપી હતી. તેમણે દુકાનની તપાસ કરી હતી અને ત્યાર બાદ કંઈ ન મળતાં ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડ્યો હતો. ગુટકાના વેચાણના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની મારઝૂડ કરી હતી અને કારમાં ફેરવીને અલગ-અલગ જગ્યાએ લઈ ગયા હતા. આ દરમ્યાન આરોપીઓએ વેપારીના ફોનપે દ્વારા ઑનલાઇન અલગ-અલગ UPI ID અને સ્કૅનર પરથી કુલ ૧,૮૬,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આટલું જ નહીં, ધાકધમકી આપીને વેપારીના ઘરેથી વધુ ૮૦ હજાર રૂપિયા રોકડા પણ મગાવી લીધા હતા. ત્યાર બાદ ફરિયાદીને રસ્તા પર છોડી મૂકીને આરોપી નાસી ગયા હતા આ મામલે ફરિયાદીએ તપાસ કરતાં આવેલા લોકો FDAના અધિકારીઓ ન હોવાની ખાતરી થતાં અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં જ્યારે રાજ્યભરમાં FDA દ્વારા ગેરકાયદેસર માલ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બીજી તરફ આવા બોગસ ગઠિયાઓ પણ સક્રિય થઈ ગયા હોવાની આ ગંભીર ઘટના સામે આવી રહી છે. આ બનાવને પગલે અમે દાણામાર્કેટ અને મસાલામાર્કેટના તમામ વેપારીઓને આવા નકલી અધિકારીઓ અને ગઠિયાઓથી સાવધાન રહેવાની ખાસ અપીલ કરી છે. સાથે CCTV ફુટેજ અને ઑનલાઇન ટ્રાન્ઝૅક્શનની વિગતોના આધારે ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓની શોધખોળ સઘન બનાવી છે.’
