જો વ્યક્તિ પોતાના વ્યવહારમાં અમુક ફેરફારો કરી લે તો કુંડળીનો દરેક ગ્રહ સાથી અને મિત્ર બની જાય, પણ એના માટે જરૂરી છે થોડી સજાગતા
પ્રતીકાત્મક તસવીર
જ્યોતિષશાસ્ત્ર મુજબ માણસના જીવનની દરેક ઘટના, સફળતા કે નિષ્ફળતા પાછળ આકાશમાં રહેલા નવગ્રહોની ગતિ અને દૃષ્ટિ કામ કરતી હોય છે, પરંતુ માણસ ઘણી વાર એ વાત ભૂલી જાય છે કે જેમ દરેક વ્યક્તિનો એક ચોક્કસ સ્વભાવ, પસંદગી અને નબળાઈ હોય છે, એમ નવગ્રહોની પણ પોતાની આગવી પ્રકૃતિ અને અણગમો હોય છે. દાખલા તરીકે, ગુરુ. ગુરુ જ્ઞાન અને શાણપણનો કારક છે, પરંતુ કોઈ વ્યક્તિ જ્યારે સામેથી માગ્યા વિના સલાહ આપે કે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરે ત્યારે ગુરુ ગ્રહ સૌથી વધુ નારાજ થાય છે. આ જ રીતે બાકીના ગ્રહોની પણ અમુક એવી સંવેદનશીલ બાબતો છે જેનું ધ્યાન રાખવામાં આવે તો કુંડળીના નબળા ગ્રહો પણ શુભ ફળ આપવા લાગે છે.
નવગ્રહનો સ્વભાવ અને દરેક વ્યક્તિએ પાળવા જેવા એના નિયમો નીચે મુજબ છે :
સૂર્ય – આત્મસન્માન અને શિસ્તનો કારક
સૂર્ય રાજા છે. એને તેજ, પ્રામાણિકતા, સમયપાલન અને સ્પષ્ટતા પસંદ છે. સૂર્યને ખોટી ખુશામત, આળસ અને પિતા કે વડીલોનું અપમાન પસંદ નથી. સૂર્યોદય પછી મોડે સુધી સૂઈ રહેનારા અથવા તો કોઈ પર ખોટો રોફ જમાવનારાઓ પણ સૂર્યને પસંદ નથી, એવી વ્યક્તિનો સૂર્ય નબળો પડે છે. દરરોજ સૂર્યોદય પહેલાં જાગવું અને વચનના પાક્કા રહેવું એ સૂર્યને બળવાન રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
ચંદ્ર – શીતળતા અને સંવેદનાનો કારક
ચંદ્ર મનનો કારક છે. એનો સ્વભાવ અત્યંત કોમળ, શાંત અને પ્રવાહી એટલે કે ચંચળ છે. ચંદ્રને પાણીનો બગાડ, નકારાત્મક વિચારો અને માતાનું દિલ દુભાવવું પસંદ નથી. જે ઘરમાં નળ ટપકતા હોય કે જેને નાની-નાની વાતે રડવાની કે ડિપ્રેશનમાં જવાની ટેવ હોય, ત્યાં ચંદ્ર દૂષિત થાય છે. પાણીનો આદર કરવો અને મનને શાંત રાખવું એ ચંદ્રને સબળો રાખવા માટે અનિવાર્ય છે.
મંગળ – સાહસ અને ઊર્જાનો કારક
મંગળ સેનાપતિ છે. એને નિર્ભયતા, અનુશાસન અને શારીરિક શ્રમ પસંદ છે. મંગળની સૌથી મોટી નબળાઈ વગર વિચાર્યે આવતો ક્રોધ અને ભાઈઓ સાથેનો વિવાદ છે. જ્યારે વ્યક્તિ પોતાની શક્તિનો દુરુપયોગ કરીને કોઈ નબળી વ્યક્તિને હેરાન કરે ત્યારે મંગળ અશુભ ફળ આપે છે. ઊર્જાને યોગ્ય દિશામાં વાળવી અને ગુસ્સા પર કાબૂ રાખવો મંગળને બળવાન બનાવવા માટે આવશ્યક છે.
બુધ – બુદ્ધિ અને વાણીનો કારક
બુધ રાજકુમાર છે. તેનો સ્વભાવ વિનોદી, તાર્કિક, ગણતરીબાજ અને વ્યવહારુ છે. કડવી વાણી, જૂઠું બોલવું અને કોઈની પીઠ પાછળ નિંદા કરવી બુધને પસંદ નથી. આ ઉપરાંત બહેન, દીકરી, નણંદ કે ફોઈનું અપમાન કરવાથી બુધ બગડે છે. શબ્દોનું મૂલ્ય જાળવવું અને વ્યવહારમાં પારદર્શિતા રાખવી એ બુધને પ્રસન્ન રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
ગુરુ – જ્ઞાન અને ધર્મનો કારક
ગુરુ દેવતાઓના આચાર્ય છે. તેનો સ્વભાવ ગંભીર, સાત્ત્વિક અને માર્ગદર્શક છે. વણમાગી સલાહ આપવી, જ્ઞાનનું અભિમાન કરવું અને ગુરુજનોની અવગણના ગુરુ ગ્રહને પસંદ નથી. જ્યારે વ્યક્તિ પોતાને સર્વજ્ઞાની સમજીને બીજાને નીચા દેખાડે છે, ત્યારે ગુરુની કૃપા અટકી જાય છે. નમ્રતા રાખવી અને જ્યાં જરૂર હોય ત્યાં જ બોલવું હિતાવહ છે.
શુક્ર – સુખ, સૌંદર્ય અને પ્રેમનો કારક
શુક્ર કળા, વૈભવ, સ્વચ્છતા અને આકર્ષણનો કારક છે. એને સુઘડતા અને સંગીત ગમે છે. શુક્રને ગંદકી, ફાટેલાં-મેલાં કપડાં અને સ્ત્રીઓનું અપમાન બિલકુલ પસંદ નથી. જે વ્યક્તિ અસ્વચ્છ રહે અથવા પોતાના જીવનસાથી પ્રત્યે અપ્રામાણિક રહે એનો શુક્ર નષ્ટ થઈ જાય છે. સ્વચ્છ રહેવું અને દરેક સ્ત્રીને સન્માન આપવું એ શુક્રનો મુખ્ય નિયમ છે.
શનિ – ન્યાય અને કર્મનો કારક
શનિ ન્યાયાધીશ છે. તેનો સ્વભાવ ગંભીર, ધીમો, પણ અત્યંત સચોટ છે. એ મહેનતનો પૂજારી છે. શનિને છેતરપિંડી, આળસ અને ગરીબ કે મજૂરવર્ગનું શોષણ બિલકુલ પસંદ નથી. જો તમે કોઈ નોકર, ડ્રાઇવર કે જરૂરિયાતમંદનો હક છીનવી લો છો, તો શનિની દંડપ્રક્રિયા તરત શરૂ થાય છે. શનિ ગ્રહને ખુશ રાખવા માટે પ્રામાણિક અને મહેનતુ શ્રમિકો પ્રત્યે દયાભાવ રાખવો અનિવાર્ય છે.
રાહુ – રહસ્ય અને મહત્ત્વાકાંક્ષાનો કારક
રાહુ છાયાગ્રહ છે. એનો સ્વભાવ અચાનક પરિવર્તન લાવનારો, ચતુરાઈ આપવી અને મૉડર્ન રાખવાનો છે. રાહુને અંધારિયા ખૂણા, ઘરમાં ભેગો કરેલો ભંગાર અને જુગાર કે નશાની લત પસંદ છે, પરંતુ એ જ વ્યક્તિને બરબાદ કરે છે. બંધ ઘડિયાળો, તૂટેલાં ઇલેક્ટ્રોનિક સાધનો ઘરમાં રાખવાથી રાહુ બગડે છે. ઘરને ઉજાસમય અને ભંગારમુક્ત રાખવું ખૂબ જરૂરી છે.
કેતુ – મોક્ષ, વૈરાગ્યનો કારક
કેતુ ધ્વજાસમાન છે. એનો સ્વભાવ અંતર્મુખી, ત્યાગી અને ઊંડા સંશોધનનો છે. કેતુને અબોલ પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને કૂતરાને મારવું અને સંતાનો પ્રત્યે બેદરકારી બિલકુલ પસંદ નથી. ધાર્મિક સ્થાનોની નિંદા કરવાથી પણ કેતુ અશુભ બને છે. મૂંગા જીવોની સેવા કરવી અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહેવું એ કેતુને શાંત રાખે છે.
નવગ્રહોના સ્વભાવ અને નિયમો સમજવાથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોઈ પણ ગ્રહ દુશ્મન કે ખરાબ નથી. માણસની રોજિંદી આદતો, વ્યવહાર અને જીવનશૈલી જ ગ્રહોને મિત્ર કે શત્રુ બનાવે છે.
