Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આશિકીની બેશુમાર સફળતા બાદ સમીર અને નદીમ-શ્રવણની કારકિર્દી ટૉપ ગિઅરમાં આવી ગઈ

આશિકીની બેશુમાર સફળતા બાદ સમીર અને નદીમ-શ્રવણની કારકિર્દી ટૉપ ગિઅરમાં આવી ગઈ

Published : 15 November, 2026 07:23 AM | Modified : 15 November, 2026 07:24 AM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

‘સારા કામમાં સો વિઘ્ન’ આ કહેવત તો સૌએ સાંભળી છે. ઘણી વાર એવું બનતું હોય છે કે હોઠે આવેલો પ્યાલો છેલ્લી ઘડીએ છીનવાઈ જાય, શરૂ કરેલું કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી હાશકારો ન થાય.

નદીમ સમીર શ્રવણ સાથે

વો જબ યાદ આએ

નદીમ સમીર શ્રવણ સાથે


‘સારા કામમાં સો વિઘ્ન’ આ કહેવત તો સૌએ સાંભળી છે. ઘણી વાર એવું બનતું હોય છે કે હોઠે આવેલો પ્યાલો છેલ્લી ઘડીએ છીનવાઈ જાય, શરૂ કરેલું કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી હાશકારો ન થાય. 
ગીતકાર સમીર અને સંગીતકાર નદીમ-શ્રવણના કામથી રાજી થઈને મહેશ ભટ્ટે ફિલ્મ ‘આશિકી’ બનાવી. જે ગીતો કેવળ એક આલબમના સ્વરૂપે આકાર પામવાનાં હતાં એને બદલે ફિલ્મનાં ગીતો બનીને રજૂ થઈ રહ્યાં હતાં એનો દરેકને આનંદ હતો. ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં હતી ત્યાં ગુલશનકુમારે સૌને ચોંકાવી દીધા. 
એ ઘટના યાદ કરતાં ગીતકાર સમીર કહે છે, ‘એક દિવસ તેમણે શ્રવણને ફોન કર્યો કે લોકો મને કહે છે કે આ સંગીત ફિલ્મનું નહીં, કોઈ આલબમનું લાગે છે. હું પણ એ જ વિચાર કરું છું કે વાત તો સાચી છે એટલે આપણે ફિલ્મ રિલીઝ નથી કરવી, કેવળ આલબમ રિલીઝ કરીએ.’
અમે સૌ આ વાત સાંભળીને હચમચી ગયા. ફટાફટ અમે મહેશ ભટ્ટ પાસે ગયા. તેમને વાત કરી કે ગુલશનજી ફિલ્મ રિલીઝ કરવાની ના પાડે છે. તેમણે ધરપત આપતાં કહ્યું કે ખોટું ટેન્શન ન લો, વાત શું છે એ હું જાણી લઉં. 
ગુલશનજી મહેશ ભટ્ટની આમન્યા રાખતા અને તેમનાથી થોડા ડરતા પણ હતા. અચાનક અમારી સાથે મહેશ ભટ્ટને ઑફિસમાં જોઈને તે ખુરસીમાં ઊભા થઈ ગયા. તે કંઈ બોલે એ પહેલાં જ મહેશ ભટ્ટે કહ્યું, ‘ગુલશન, મેં સાંભળ્યું છે કે તું આ ફિલ્મ રિલીઝ નથી કરવા માગતો?’ 
ગુલશનજીએ નરમાશથી કહ્યું, ‘ભટ્ટસાહેબ, લોકો કહે છે કે થોડો પ્રૉબ્લેમ છે. મ્યુઝિક તો સારું છે, પણ એ ફિલ્મનું નહીં કોઈ આલબમનું હોય એવું લાગે છે.’ 
આ સાંભળતાં જ મહેશ ભટ્ટ ટેબલ પર હાથ પછાડતાં બોલ્યા, ‘હું તને સ્ટૅમ્પપેપર પર લખીને આપું છું કે આ ફિલ્મનું સંગીત એક નવો રેકૉર્ડ કાયમ કરશે. જો એમ નહીં થાય તો હું ડિરેક્શન કરવાનું છોડી દઈશ.’ 
ગુલશનજીએ ગંભીર મુખમુદ્રામાં પૂછ્યું, ‘તમે પેપર સાઇન કરશો?’ 
મહેશ ભટ્ટ બોલ્યા, ‘લાવ પેપર, હમણાં જ સાઇન કરી દઉં.’ 
આ સાંભળતાં જ ગુલશનજીએ કહ્યું, ‘મહેશજી, એક ઔર પ્રૉબ્લેમ હૈ. ફિલ્મ કે હીરો-હિરોઇન કી શકલ અચ્છી નહીં, સબ યહી કમ્પ્લેઇન કરતે હૈ.’
મહેશ ભટ્ટ નમતું જોખવાના મૂડમાં નહોતા. તેમણે કહ્યું, ‘યે પ્રૉબ્લેમ ભી સૉલ્વ હો જાએગા. પોસ્ટર મેં દોનો કા ચેહરા હી નહીં દિખાએંગે, દોનો પર જૅકેટ ડાલ દેંગે.’
 મહેશ ભટ્ટનો આટલો આત્મવિશ્વાસ જોઈને ગુલશનકુમાર જોશમાં આવીને બોલ્યા, ‘અચ્છા, આપ ઇતને કૉન્ફિડન્ટ હૈ તો મૈં ભી આપકો લિખ કે દેતા હૂં. સબસે ઝ્યાદા પ્રમોશન કરુંગા.’
આ કિસ્સાનું સમાપન કરતાં સમીર કહે છે, ‘ફિલ્મ રિલીઝ થઈ અને ઘર-ઘરમાં, ગલીઓમાં, રેડિયો અને ટીવી પર, કાર્યક્રમોમાં એમ દરેક જગ્યાએ ‘આશિકી’નાં ગીતો ગુંજવા લાગ્યાં. ફિલ્મનાં પોસ્ટરો પર અમારા ત્રણેનાં નામો મોટા અક્ષરોએ છપાતાં હતાં. આજ સુધી પોસ્ટરમાં હીરો અને હિરોઇનના ચહેરા ઢંકાયેલા હોય એવું બન્યું નથી. ફિલ્મની અઢળક સફળતા મારા માટે Dream come True જેવી અદ્ભુત ઘટના હતી.’
ગુલશનકુમારે મેઇન ડિસ્ટ્રિબ્યુટરની હેસિયતથી ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર ન છોડી. રિલીઝ પહેલાં જ ફિલ્મનાં ગીતો ગલી-ગલીમાં વાગવા લાગ્યાં. દરેક પ્લૅટફૉર્મ પર ફિલ્મના પોસ્ટરની અને સંગીતની ચર્ચા થવા લાગી. રાહુલ રૉય અને અનુ અગ્રવાલના જૅકેટથી ઢંકાયેલા ચહેરાએ પ્રેક્ષકોનું કુતૂહલ વધારી મૂક્યું. ગીતો અત્યંત લોકપ્રિય થઈ ચૂક્યાં હતાં એટલે ફિલ્મ રિલીઝ થતાં જ દર્શકોએ ફિલ્મ જોવા દોટ મૂકી. ‘આશિકી’ની બેશુમાર સફળતા બાદ સમીર અને નદીમ-શ્રવણની કારકિર્દી ટૉપ ગિઅરમાં આવી ગઈ. ગીતકાર તરીકે સમીરનું નામ હવે આનંદ બક્ષી, મજરૂહ સુલતાનપુરી અને બીજા દિગ્ગજ ગીતકારોની સાથે લેવાનું શરૂ થયું.
સફળતાના શિખર પર પહોંચવું એ સિદ્ધિ છે, પરંતુ ત્યાં ટકી રહેવું એ વધારે મુશ્કેલ કામ હોય છે. સતત ટોચ પર રહેવા માટે તમારે કોઈ પણ સંજોગોમાં સાતત્ય જાળવવું પડે. તમે એક શિખર સર કર્યું હોય એટલે તમારી પાસેથી દુનિયાની અપેક્ષા વધી જાય. ‘આશિકી’ની અધધધ સફળતા કેવળ ‘ફ્લુક’ નહોતી એ સ્થાપિત કરવા સમીર અને નદીમ–શ્રવણ કટિબદ્ધ હતા. 
lll
મારી સાથેની વાતોમાં ગીતકાર સમીરના વ્યક્તિત્વનું એક એવું પાસું ખૂલતું જતું હતું જેની બહુ ઓછાને જાણ છે. ફિલ્મલાઇનમાં આટલી સફળતા મેળવ્યા બાદ પણ તેમના સ્વભાવમાં કોઈ જાતનો અહંકાર ન દેખાય. નિખાલસતાથી પોતાની વાતો શૅર કરતાં તેઓ એક મજેદાર કિસ્સો કહે છે... 
‘આશિકી’ની સફળતા પછી પણ જ્યારે-જ્યારે હું આનંદ બક્ષીને મળતો ત્યારે તેમના આશીર્વાદ માગતો. તે કહેતા, ‘બેટા, અભી ઔર મહેનત કર. અભી ભી જો ચમક આની ચાહિએ વો નહીં આતી.’ 
હું મનમાં વિચારતો કે મારે ગફલતમાં નથી રહેવું. લોકો ભલે વાહ-વાહ કરે, પણ મારી કલમમાં હજી ધાર નથી આવી. હું સતત ગીતો લખતો. મારા લખાણમાં વધુ તાજગી, નવાં કલ્પન આવવાં જોઈએ એમ માનીને લખતો. મારી જાતને બહેતર બનાવવાના પ્રયત્નો અવિરત ચાલતા રહેતા.
એક દિવસ મોડી રાતે તેમનો ફોન આવ્યો. કહે, ‘તું હમેશા મેરે સે આશીર્વાદ માગતા હૈ, મૈંને દિયા ભી હૈ; પર આજ તુઝે અસલી આશીર્વાદ દેતા હૂં. આજ બીબી-બચ્ચોં કે સાથ ફિલ્મ દેખકર આયા.’ 
મૈંને બોલા, ‘અબ એક ગીતકાર આયા હૈ જો કિરદાર જીને લગા હૈ. ઇસકા હાથ પકડના અબ મુશ્કિલ હૈ.’
મેં તરત પૂછ્યું, ‘કૌન સા ગાના? ‘પરદેસી પરદેસી જાના નહીં...’ 
તો બોલે, ‘નહીં-નહીં... જો ગાને કો નિચોડા હૈ, કહાની કો જિયા હૈ વો લાઇન હૈ - તેરી તિજોરી કા સોના નહીં, દિલ હૈ હમારા ખિલૌના નહીં (ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ના ગીત ‘કયા રાત આયી હૈ, મહોબ્બત રંગ લાયી હૈ’નો બીજો અંતરો).’ 
તેમની પ્રશંસાએ મને નવી ઊર્જા આપી. મનમાં થયું, ‘હવે કમર કસવી પડશે, મહેનત કરવી પડશે. નહીંતર કોઈ વાર પાછો ફોન આવશે કે ક્યા હુઆ? વાપિસ આ ગએ અપની ઔકાત પે? બસ, આ જ ડર હતો કે આવું ન થાય. તેમના દિલને સુકૂન મળે એવું કામ કરવું છે.’
એવો જ એક બીજો કિસ્સો છે. એક પાર્ટીમાં મળ્યા તો હસતાં-હસતાં કહે, ‘મેરે સે આશીર્વાદ લે કર મેરી હી ગલી મેં ઘૂસતા હૈ?’ 
મેં કહ્યું, ‘સર, અગર મૈં સો જનમ લૂં ફિર ભી આપ કે આસપાસ નહીં આ સકતા.’ 
તે બોલ્યા, ‘મેરી બેટી કી શાદી થી. સારી દુનિયા તેરે ગાનોં પે નાચ રહી થી. ‘દેખા હૈ પહેલી બાર, સાજન કી આંખોં મેં પ્યાર...’ મૈં ભી નાચ રહા થા. ઔર ભી એક ગાને પે લોગ ઝૂમ રહે થે. ‘દુલહે કા સેહરા સુહાના લગતા હૈ, દુલ્હન કા તો દિલ દીવાના લગતા હૈ...’
બક્ષીસાહેબના આશીર્વાદ મળ્યા એ મારા જીવનનું સૌભાગ્ય છે. તેમના પેગડામાં પગ નાખવાનો વિચાર પણ ન થાય. તેમનાં ગીતો સાંભળીને હું મોટો થયો છું. તેમનું ‘જબ જબ ફૂલ ખીલે’નું રફીસાહેબે ગાયેલું ‘પરદેસિયોં સે ના અંખિયાં મિલાના’ મારું ફેવરિટ ગીત છે. (આ ફિલ્મથી પ્રેરિત) ‘રાજા હિન્દુસ્તાની’નાં ગીતો લખવાનાં હતાં ત્યારે મેં આ જ વિચારને મારા અંદાજમાં ઢાળીને લખ્યું, ‘પરદેસી, પરદેસી, જાના નહીં, મુઝે છોડ કે... મુઝે છોડ કે’.
lll
ગીતકાર સમીરની આંખોમાં અને અવાજમાં આનંદ બક્ષી માટેનો અહોભાવ છલકાતો હતો, પરંતુ ઈશ્વર એવી કસોટી કરે કે તમારી અગ્નિપરીક્ષા થાય. જેને આદર્શ માન્યા હોય, જેમના આશીર્વાદ લઈને સફળતાના રાહ પર પ્રયાણ શરૂ કર્યું હોય તે વ્યક્તિને ‘રિપ્લેસ’ કરવાની ઘડી આવશે એનો સમીરને અંદાજ નહોતો. એક ફિલ્મ એવી બની જેમાં આનંદ બક્ષીની જગ્યાએ સમીરને ગીતો લખવાની જવાબદારી મળી. એ ફિલ્મ કઈ હતી? એ વાત આવતા રવિવારે.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 07:24 AM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK