આ રામાયણ પાછળની રામાયણ એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલિંગ છે. વાંચો, બનતાં-બનતાં અટકી જતી અને પછી ફરીથી આગળ વધતી રામાયણના મેકિંગની મહાગાથા
રામાયણ
૪૦૦૦ કરોડનું તોતિંગ બજેટ અને ધરખમ સ્ક્રીન પ્રેઝન્સ સાથે બૉક્સ-ઑફિસના રેકૉર્ડ તોડતી રામાયણ અત્યારે લોકોની વાહવાહી લૂંટે છે, પણ આ રામાયણ પાછળની રામાયણ એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલિંગ છે. વાંચો, બનતાં-બનતાં અટકી જતી અને પછી ફરીથી આગળ વધતી રામાયણના મેકિંગની મહાગાથા
ભારતીય સંસ્કૃતિના આરાધ્યદેવ સમાન મહાકાવ્ય ‘રામાયણ’ને જો કોઈ બિગ સ્ક્રીન પર લાવવા માગે, અને એ પણ એવા સમયે જ્યારે ટીવી-સિરિયલ ‘રામાયણ’ આજે પણ જનમાનસ પર અકબંધ હોય અને એ જ કારણે ‘આદિપુરુષ’ જેવી મલ્ટિસ્ટારર ફિલ્મ પણ પિટાઈ જતી હોય, ત્યારે જો એ વ્યક્તિ આત્મીય હોય તો તેને પાછા વાળવાનો પ્રયાસ થાય અને જો જાની દુશ્મન હોય તો પણ ‘ચડ જા બેટે શૂલી પર...’ કહેવાને બદલે અટકાવવાની ઇચ્છા તો થઈ જ જાય.
ADVERTISEMENT
આવું જ બન્યું હતું ફિલ્મ ‘રામાયણ’ના ડિરેક્ટર નિતેશ તિવારી સાથે. ‘દંગલ’, ‘ભૂતનાથ’ અને ‘છિછોરે’ જેવી સેન્સિટિવ ફિલ્મ આપી ચૂકેલા નિતેશ તિવારીએ જ્યારે અંગત વર્તુળમાં કહેવાનું શરૂ કર્યું કે તે હવે ‘રામાયણ’ પરથી ફિલ્મ બનાવવા માગે છે ત્યારે ભલભલા તેમને રોકવા, અટકાવવા અને સમજાવવામાં લાગી ગયા હતા; પણ નિતેશ તિવારી જેનું નામ, માને તે બીજા.
જેટલી ના આવી એટલું જ નિતેશ તિવારીનું ઝનૂન વધતું ગયું, જેટલી સમજાવટ કરવામાં આવી એટલી જ નિતેશ તિવારીમાં જીદ વધતી ગઈ અને બસ, તે મચી પડ્યા. જિયોહૉટસ્ટારના એક સ્પેશ્યલ પ્રોગ્રામમાં નિતેશ તિવારીએ કહ્યું છે, ‘મારાં બાળકોને થાનૉસ અને આયર્નમૅન પાછળ પાગલ થતાં જોઈને મને થતું કે આ બધાં કાલ્પનિક કૅરૅક્ટરની સામે આપણી પાસે તો રિયલનાં કૅરૅક્ટર્સ છે અને એ પછી પણ આપણે એ કૅરૅક્ટર્સને ન્યાય નથી આપી રહ્યા. આવું શું કામ? કોઈએ તો આગળ આવવું જોઈશે. સક્સેસ અને ફેલ્યર લાઇફનો એક પાર્ટ છે, એના વિશે વિચાર્યા વિના કોઈએ તો મહેનત કરવી પડશે અને એક દિવસ મને જવાબ મળ્યો, કોઈ પાસે એવી અપેક્ષા રાખવા કરતાં તો બહેતર છે કે એ કામ હું જ કરું અને બસ, મેં કામ શરૂ કરી દીધું.’
હા, આ વાસ્તવિકતા છે. નિતેશ તિવારી એ સમયે એકસાથે બે સ્ક્રિપ્ટ પર કામ કરતા હતા. એક સબ્જેક્ટ તેમણે આમિર ખાનને સંભળાવ્યો હતો અને આમિર ખાન એ કરવા રેડી હતો તો એક સબ્જેક્ટ શાહરુખ ખાનની રેડ ચિલીઝમાંથી તેમને આપવામાં આવ્યો હતો. શાહરુખ ખાન નિતેશ તિવારી સાથે કામ કરવા ઑલમોસ્ટ તલપાપડ હતો. આ બે સબ્જેક્ટ ઉપરાંત નિતેશ ફ્રી ટાઇમમાં રામાયણ પર રિસર્ચ કર્યા કરતા, પણ જેવું મનમાં આવ્યું કે કોઈ શું કામ, હું શું કામ નહીં એ જ વખતે તેમણે બાકીના બન્ને સબ્જેક્ટની ફાઇલ લૅપટૉપમાંથી ડિલીટ કરી નાખી અને ‘રામાયણ’નું કામ આરંભી દીધું.
વાત છે વર્ષ ૨૦૧૭ના ઉત્તરાર્ધની. એ સમયે ‘છિછોરે’ના પ્રી-પ્રોડક્શનનું કામ ચાલતું હતું. નિતેશ તિવારીએ સ્ક્રીનપ્લે-રાઇટર શ્રીધર રાઘવનને મળવા બોલાવ્યા અને તેમને રિસર્ચમાં સાથે જોડી દીધા. શ્રીધર રાઘવનની સાથે ટીમ બનાવીને નિતેશ તિવારી કામે લાગી ગયા અને ૨૦૧૯નો જૂન મહિનો આવે ત્યાં સુધીમાં નિતેશ તિવારી સંપૂર્ણપણે રામાયણમય થઈ ગયા અને જૂનમાં તેમણે ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ કર્યું કે તેમનો નેક્સ્ટ પ્રોજેક્ટ ‘રામાયણ’ છે. ભલભલાને એ ગાંડપણ લાગતું હતું. જોકે નિતેશ તિવારીએ અગાઉ જે કોઈ સેન્સિબલ કામ કર્યાં હતાં એ જોતાં સૌ કોઈ એટલું તો માનતા જ હતા કે નિતેશની ‘રામાયણ’ કંઈ સાવ નાખી દેવા જેવી નહીં હોય.
રિસર્ચ અપરંપાર
રામાયણ હોય કે પછી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ. આ બધા વિષયો એવા છે જેમાં કોઈને પણ એવું લાગે કે રિસર્ચની ખાસ જરૂર નથી અને આ માન્યતા સાવ હાંકી કાઢવા જેવી પણ નથી. આરંભથી અંતની વાતો સેંકડો વખત સાંભળી કે જોઈ ચૂક્યા હો એટલે સહજ રીતે રાતે ઊંઘમાંથી કોઈ ઉઠાડીને પણ પૂછે તો તરત કહી શકાય કે મહાત્મા ગાંધીએ સાઉથ આફ્રિકામાં કયો સત્યાગ્રહ કર્યો હતો કે રામે કોનાં એઠાં બોર ખાધાં હતાં. પણ નિતેશ તિવારીની વાત જુદી હતી. તે આ આખા પ્રોજેક્ટને માત્ર ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જ નહીં, ભારતીય અસ્મિતાની નજરે જોતા હતા અને એટલે જ તેમણે નાનામાં નાની વાતનું રિસર્ચ શરૂ કર્યું અને એની શરૂઆત કરી અલગ-અલગ રામાયણનું અધ્યયન કરવાનું. નિતેશ તિવારી કહે છે, ‘ઍડ્ર્વટાઇઝિંગ ફીલ્ડના અનુભવને કારણે એક વાત મારા મનમાં હંમેશાં રહે કે અગાઉ આ સબ્જેક્ટ પર શું-શું કામ થયું છે. એનું રિસર્ચ કર્યા પછી નક્કી થાય કે કઈ જગ્યાએ તમારે કેટલા ઊંડા ઊતરવાની જરૂર છે અને કઈ જગ્યાને ટચ કરીને નીકળી જશો તો ચાલશે.’

રાવણના પાત્રમાં યશ.
જો તમે નિતેશની ‘રામાયણ’ જોઈ હોય તો તમને સમજાશે કે તેમણે કેટલાક પ્રસંગો રીતસર ભગાવ્યા છે તો કેટલાક પ્રસંગોમાં તેમણે ‘બાલ કી ખાલ’પણ ઉતારી લીધી છે અને એ જ ૪૦૦૦ કરોડની ‘રામાયણ’ની બ્યુટી છે. તમે જેવા બોર થવાના શરૂ થાઓ કે તરત નવો પ્રસંગ આવી જાય અને એ પ્રસંગ એવો ભવ્યાતિભવ્ય હોય કે તમારો બધો કંટાળી ભાંગીને ભુક્કો થઈ જાય. નિતેશ કહે છે, ‘મારે મન ‘રામાયણ’એ માત્ર એક સિનેમા પ્રોજેક્ટ નથી; ભારતીય વાર્તાકથન, આધ્યાત્મિક ગરિમા છે જેને હૉલીવુડ કક્ષાની ટેક્નૉલૉજી સાથે જોડીને એક અદ્ભુત ત્રિવેણી સંગમ રચી શકાય છે.’
વાલ્મીકિ રામાયણ ઉપરાંત દેશભરના વિવિધ અધિકૃત ગ્રંથો, લોકવાયકાઓ અને શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક સ્ટડી કરવામાં નિતેશ અને શ્રીધર મચી પડ્યા અને એ પછી કામ શરૂ થયું સ્ક્રિપ્ટનું. જોકે સ્ક્રિપ્ટ લખતી વખતે એક જ વાત કેન્દ્રસ્થાને હતી, કથાની મૂળ પવિત્રતા અને મર્યાદા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી.
સ્ક્રિપ્ટ પર કામ ચાલુ હતું ત્યાં જ એક બૉમ્બ ફૂટ્યો અને ૨૦૨૦માં ‘તાનાજી’ બનાવનારા ઓમ રાઉતે અને ટી-સિરીઝે રામાયણ આધારિત ‘આદિપુરુષ’ અનાઉન્સ કરી. ‘બાહુબલી’ ફેમ પ્રભાસ રામની ભૂમિકામાં અને સૈફ અલી ખાન રાવણ. ભાઈ, ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય. ખાસ તો એવા સમયે જ્યારે નિતેશ તિવારી પોતે જઈને ટી-સિરીઝ સામે આ પ્રોજેક્ટ રજૂ કરી ચૂક્યા હોય અને પછી ટી-સિરીઝ બીજા ડિરેક્ટર સાથે એ જ વિષયની ફિલ્મ અનાઉન્સ કરે. આ આખી ઘટના જરા ધ્યાનથી સમજવાની જરૂર છે.

મધુ આઉટ, નમિત ઇન
૨૦૧૭માં પ્રોડ્યુસર મધુ મન્ટેના અને ‘પુષ્પા’ ફેમ ઍક્ટર અલ્લુ અર્જુન નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ માટે તૈયાર થયા. એ સમયે ફિલ્મનું બજેટ પ૦૦ કરોડનું આંકવામાં આવ્યું હતું. અલ્લુ રાવણના રોલ માટે તૈયાર હતો અને સાથે ફિલ્મ કો-પ્રોડ્યુસ કરવા પણ રાજી હતો, પણ ૨૦૧૯ના અંત ભાગ સુધીમાં કોવિડની અસર દેખાવી શરૂ થઈ અને એ પછી લૉકડાઉન આવ્યું. લૉકડાઉનના પિરિયડમાં જ પ્રભાસ સાથેની
‘આદિપુરુષ’ અનાઉન્સ થઈ. ત્યાં સુધીમાં મધુ મન્ટેનાએ ફિલ્મના પ્રોડ્યુસર એવા નમિત મલ્હોત્રાને પણ કો-પ્રોડ્યુસર તરીકે સાથે લઈ લીધા હતા. નમિતની કંપની ફિલ્મનું વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એટલે કે VFXનું કામ કરશે એ નક્કી હતું તો વધુ એક પ્રોડ્યુસર લાવવા માટે ટી-સિરીઝ સાથે મીટિંગ થઈ, ટી-સિરીઝે જૉઇન થવાની ના પાડી અને એ પછી તેમણે ઓમ રાઉત સાથે ‘આદિપુરુષ’ની જાહેરાત કરી. આ અનાઉન્સમેન્ટ પછી અને એ પછી એનું ધબાય નમઃ થયું એ જોઈને મધુ મન્ટેના અને અલ્લુ અર્જુનની હિંમત તૂટી ગઈ.
જોકે ત્યાં સુધીમાં નમિત મલ્હોત્રા ટોટલી રામમય બની ગયા હતા. નિતેશ તિવારીના વિઝનથી પણ તે પૂરેપૂરા સંતુષ્ટ હતા અને એટલે જ તેમણે પાછા પગ કરવાને બદલે નિતેશને ગ્રીન લાઇટ આપી અને એકલા હાથે ફિલ્મ પ્રોડ્યુસ કરવાની તૈયારી દર્શાવી.
મહાન વિચાર સાકાર ત્યારે જ થાય જ્યારે એને એટલું જ વિશાળ પીઠબળ મળે. પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ અને ઑસ્કર-વિજેતા ગ્લોબલ VFX કંપની DNEGના સર્વેસર્વા નમિત મલ્હોત્રાએ અગાઉ ‘ડ્યુન’, ‘ઓપનહાઇમર’, ‘ઇન્ટરસ્ટેલર’ અને ‘ઇન્સેપ્શન’ જેવી હૉલીવુડની તોતિંગ ફિલ્મો માટે VFX તૈયાર કરી હતી. નિતેશ અને નમિત બન્નેની એક ઇચ્છા ક્લિયર હતી. આપણે પશ્ચિમની કાલ્પનિક દુનિયા સામે આપણી પોતાની સંસ્કૃતિની સૌથી મહાન ગાથા એ જ વૈશ્વિક સ્કેલ પર શું કામ ન લાવી શકીએ?

રામ-રાવણનું યુદ્ધ સ્ટુડિયોમાં શૂટ થયું એ વખતનું દૃશ્ય.
કોઈની ભૂલ, કોઈનો બોધપાઠ
ઓમ રાઉતે ડિરેક્ટ કરેલી ‘આદિપુરુષ’ બૉક્સઑફિસ પર ખરાબ રીતે પછડાઈ. એના ડાયલૉગ્સ, પાત્રોના દેખાવ વિરોધને પાત્ર બન્યા તો નબળી VFX હાંસીને પાત્ર. ‘આદિપુરુષ’ને કારણે દેશભરમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો. નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાના મનના વિચારની ચોરીની અસર કહો કે પછી જોગાનુજોગ, ‘આદિપુરુષ’ની નિષ્ફળતા આ જોડી માટે મોટી કેસ-સ્ટડી બની ગઈ. નિતેશ તિવારીએ પોતાના પ્રોજેક્ટને ફરીથી માઇક્રોસ્કોપ નીચે મૂક્યો અને ૪ વાતના તોતિંગ સુધારા કર્યા.
સૌથી પહેલો સુધારો કર્યો ભાષા અને સંવાદોમાં ગરિમા લાવવાનો. ‘આદિપુરુષ’માં વપરાયેલી ટપોરી અને બોલચાલની ભાષા સામે લોકોનો મોટો વિરોધ હતો. નિતેશ તિવારીએ સ્ક્રિપ્ટ એડિટ કરી અને કોઈ પણ પ્રકારની આધુનિક છૂટછાટ કે સસ્તી તાળીઓ પડાવતા સંવાદોને સંપૂર્ણપણે તિલાંજલિ આપી, સંવાદની ભાષાને વાલ્મીકિ રામાયણની મર્યાદાને અનુરૂપ, શુદ્ધ, સંસ્કૃતનિષ્ઠ અને એ પછી પણ સામાન્ય દર્શકને સમજાય એવી સરળ અને ભાવવાહી રાખવાનો નિર્ણય લીધો.
બીજો સુધારો કર્યો એ પાત્રોના શાસ્ત્રોક્ત દેખાવનો. રાવણ કે લંકાના યોદ્ધાઓને કોઈ આધુનિક હૉલીવુડ વિલન, વાઇકિંગ કે ડાર્ક ગોથિક લુક આપવાને બદલે પ્રાચીન ભારતીય અને લંકાની સુવર્ણ સંસ્કૃતિ મુજબ જ રજૂ કરવાનો નિર્ણય લેવાયો.
ત્રીજો નિર્ણય લેવામાં આવ્યો વિદ્વાનો અને સંતો દ્વારા ક્રૉસ-વેરિફિકેશન કરાવવાનો. ફિલ્મના તમામ નાના-મોટા પ્રસંગો અને કૅરૅક્ટરાઇઝેશનનું ભારતના જાણકાર ઇતિહાસકારો અને ધાર્મિક અભ્યાસુઓ પાસે વેરિફિકેશન કરાવ્યું, જેથી કોઈની ધાર્મિક લાગણી ન દુભાય.
ચોથો નિર્ણય, આખી ફિલ્મને VFXમાં એટલે કે બ્લુ કે ગ્રીન સ્ક્રીન પર શૂટ કરવાને બદલે અયોધ્યાના મહેલો અને દંડકારણ્યનાં જંગલોના વિશાળ રિયલ ફિઝિકલ સેટ્સ ઊભા કરવા અને લાઇટિંગને ડાર્ક રાખવાને બદલે નૅચરલ અને બ્રાઇટ રાખવી જેથી VFX માત્ર સપોર્ટિવ બને, આર્ટિફિશ્યલ નહીં.
આ ચાર નિર્ણય સાથે ફરી વખત નિતેશ-નમિતની મીટિંગ થઈ અને નિણર્ય લેવાયો કે ‘રામાયણ’ પ્રોજેક્ટ ઑન રાખવો. જોકે સાચો ટાસ્ક અને માથાનો દુખાવો તો હવે શરૂ થવાનો હતો. હવે કાસ્ટિંગ પર ધ્યાન આપવાનું હતું, જેના માટે નિતેશ તિવારી અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ એકેક કૅરૅક્ટર માટે મહિનાઓ સુધી લમણાઝીંક કરી.
પ્રભુ શ્રીરામ : રણબીરની પસંદગી
આ એક નામ એવું હતું જેના માટે નિતેશ અને નમિત બન્ને રણબીર કપૂરના નામ માટે એકઝાટકે સહમત હતા. નિતેશ તિવારીએ રણબીર સામે ઑફર મૂકી ત્યારે રણબીરે પણ ક્ષણનો વિલંબ કર્યા વિના હા પાડી દીધી. રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે, ‘આ રોલ ઑફર થયો એ જ સમયે મને ન્યુઝ મળ્યા હતા કે હું પપ્પા બનવાનો છું. મને થયું કે એ જવાબદારી જ મારી પાસે આ જવાબદારી લાવી છે. મર્યાદા પુરુષોત્તમનું પાત્ર ભજવવું એ કોઈ પણ ઍક્ટર માટે જીવનનો સૌથી મોટો લહાવો છે, એના માટે હું કંઈ પણ કરવા અને છોડવા તૈયાર પણ હતો.’
આ રોલ માટે રણબીર કપૂરે ૭૫ કરોડની ફી લીધી. એક ફિલ્મની એટલે કે ‘રામાયણ’ના બન્ને ભાગ માટે તેને ૧પ૦ કરોડની ફી આપવામાં આવી, પણ સામા પક્ષે રણબીરે પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી. ‘ઍનિમલ’માં રણબીરે જે ભારેખમ અને આક્રમક બલ્કી બૉડી બનાવ્યું હતું એને ઓગાળીને શ્રીરામ જેવી લીન, ચપળ અને ઋજુ યોદ્ધાની કાયા મેળવવી અઘરું હતું. ફિટનેસ ટ્રેનર શિવોહમ સાથે રણબીરે જિમમાં કૅલિસ્થેનિક્સ, રનિંગ, સ્વિમિંગ અને સાઇકલિંગ પર ફોકસ કર્યું તો તીરંદાજીના નિષ્ણાતો પાસે મહિનાઓ સુધી ધનુર્વિદ્યાની તાલીમ લીધી જેથી ધનુષ પર પણછ ચડાવતી વખતે ખભા અને છાતીની મુદ્રામાં સ્ટેબિલિટી દેખાય.
મુંબઈ અને લંડનમાં રણબીરની પંદરથી વધુ લુક-ટેસ્ટ થઈ. અયોધ્યાના રાજકુમાર અને ૧૪ વર્ષના વનવાસી તપસ્વી, બન્ને તબક્કા માટે ખાસ વિગ અને કુદરતી વનસ્પતિના કલરથી રંગાયેલા ખાદી-શણના કૉસ્ચ્યુમ તૈયાર કરાયા. સૌથી મહત્ત્વનું કામ તેના અવાજ પર કરવામાં આવ્યું. રણબીરની ઝડપી અર્બન બોલવાની શૈલી બદલીને શાંત, ગંભીર અને બૅરિટોન પિચ લાવવા માટે વૉઇસ-કોચ અને સંસ્કૃત ભાષાશાસ્ત્રીઓ સાથે કલાકો સુધી ડિક્શન ટ્રેઇનિંગ ચાલી. એટલું જ નહીં, પાત્રની પવિત્રતા જાળવવા રણબીરે શૂટિંગ દરમ્યાન માંસાહાર, શરાબ અને અન્ય કોઈ પણ પ્રકારના ધૂમ્રપાનનો સંપૂર્ણ ત્યાગ કરીને સાત્ત્વિક જીવનશૈલી અપનાવી. અરે, રોજ સેટ પર જતાં પહેલાં મેડિટેશન કરવાનો નિયમ પણ રણબીરે જ બનાવ્યો.
માતા સીતા: આલિયાથી સાઈ
શરૂઆતમાં માતા સીતાના કૅરૅક્ટર માટે આલિયા ભટ્ટનું નામ સૌથી આગળ હતું. બૉક્સ-ઑફિસની દૃષ્ટિએ પણ આ પેર સેલેબલ હતી. મૅરેજ પછી રણબીર-આલિયાની રિયલ-લાઇફ જોડીને સ્ક્રીન પર લાવવાનો વિચાર નિતેશ તિવારીનો હતો, પણ બે મુદ્દાઓ નડી ગયા. એક આલિયાની ડેટ્સની સમસ્યા. આલિયા ‘આલ્ફા’ના શૂટમાં બિઝી હતી તો બીજી સમસ્યાએ કે સીતાના પાત્રમાં એક તદ્દન સાદગીભર્યો, નિર્દોષ અને અનસ્પૉઇલ્ડ ચહેરો આવશ્યક હતો. પછી બીજાં નામોની પસંદગી ચાલી જેમાં દીપિકાના નામની વાત પણ આવી, પણ એ નામ ઓવર-એક્સપોઝરના કારણે રિજેક્ટ થયું. અને ફાઇનલી સાઉથની અૅક્ટ્રેસ સાઈ પલ્લવીની એન્ટ્રી થઈ.
સાઈ પલ્લવીની નૅચરલ સાદગી, આંખોમાં રહેલાં ઊંડાણ અને ગ્રેસ લુક-ટેસ્ટમાં એટલાં જબરદસ્ત બહાર આવ્યાં કે સીતા તરીકે તેને પસંદ કરવામાં આવી. બજેટની વાત કરીએ તો સાઈ પલ્લવી હિન્દી ફિલ્મો માટે નવું નામ છે, પણ સાઉથમાં તેની બોલબાલા છે. સાઈ પલ્લવીને આ ફિલ્મના બન્ને ભાગ માટે અંદાજે ૧૨ કરોડ ફી ચૂકવવામાં આવી, જે તેની કરીઅરની અત્યાર સુધીની સૌથી હાઇએસ્ટ ફી છે અને એ ચૂકવવા પાછળનું મુખ્ય કારણ જોઈએ એ ડેટ્સ આપવાની તેની તૈયારી છે.
લંકાપતિ રાવણ: હૃતિકથી યશ સુધી
શ્રીરામના શાંત અને તેજસ્વી વ્યક્તિત્વ સામે રાવણનું પાત્ર એટલું જ પ્રચંડ, શાહી અને અહંકારી હોવું જરૂરી હતું. શરૂઆતમાં હૃતિક રોશનનું નામ ચર્ચાયું, પણ તેણે નેગેટિવ અને ખાસ તો હિસ્ટોરિકલ કૅરૅક્ટર કરવાની ના પાડી દીધી. એ પછી નામ આવ્યું સની દેઓલનું. સનીએ ફિલ્મ સાથે જોડાવાની તૈયારી દર્શાવી પણ રાવણનું કૅરૅક્ટર કરવાની ના પાડી દીધી, જેનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે તે પપ્પા ધર્મેન્દ્રની જેમ કોઈ નેગેટિવ રોલ કરવા નથી માગતો. એ પછી નમિતે જ ‘KGF’ ફેમ યશનો કૉન્ટૅક્ટ કર્યો.
યશ પ્રોજેક્ટના વિઝનથી એટલો ઇમ્પ્રેસ થયો કે તેણે માત્ર રાવણનો રોલ સ્વીકાર્યો જ નહીં, સાથોસાથ પોતાની કંપની મૉન્સ્ટર માઇન્ડ ક્રીએશન્સ થકી ફિલ્મમાં કો-પ્રોડ્યુસર પણ બન્યો. યશને આ ફિલ્મના બન્ને ભાગ માટે અંદાજે ૧૦૦ કરોડની ફી ચૂકવવામાં આવી.
યશ અને નિતેશ તિવારીએ નક્કી કર્યું કે રાવણને માત્ર બૂમો પાડતા વિકરાળ રાક્ષસ નહીં પણ ચાર વેદ અને ૬ શાસ્ત્રોના મહાપંડિત, શિવભક્ત અને સુવર્ણ લંકાના સમ્રાટ તરીકે જ દેખાડવો. યશનું બૉડી તો હતું જ, પણ લંકેશ બનવા માટે યશે બૉડી-લૅન્ગ્વેજ શીખવાની હતી, જેના માટે યશે ત્રિલોકવિજેતાનો દંભ દેખાય એવા બૉડી-લૅન્ગ્વેજની વર્કશૉપ કરી.
હનુમાનજી : જય શ્રી દેઓલ
રાવણના રોલ માટે નમ્રતા સાથે ના પાડનારા અને સાથોસાથ બીજા કોઈ પણ રોલ માટે સાથ આપવાની તૈયારી દેખાડનારો સની દેઓલ હનુમાનજીના કૅરૅક્ટર માટે એક જ ઝાટકે નિતેશ તિવારીના મનમાં આવ્યો અને સની દેઓલ રેડી પણ થઈ ગયો. હા, તેણે ફી માટે પણ કોઈ આર્ગ્યુમેન્ટ કરી નહીં, પણ કહેવાય છે કે સનીનો રોલ એક જ પાર્ટમાં હોવાથી તેને ૪૧ કરોડની ફી ચૂકવવામાં આવી.
૬૫ વર્ષની ઉંમરે સની દેઓલે હનુમાનજીના કિરદાર માટે પરંપરાગત અખાડા સ્ટાઇલ એક્સરસાઇઝ, ગદાભ્રમણ અને સપાટા શરૂ કર્યા, જેથી ખભા અને છાતી પર કુદરતી પહાડી બળ દેખાય. સની દેઓલે પોતાના જાણીતા ગુસ્સાને બાજુ પર મૂકીને શ્રીરામની સામે પરમ ભક્તિ, વિનમ્રતા અને નિર્દોષતા કેળવવાની સાધના પણ કરી; એના માટે મેડિટેશનના ૮ મહિના ક્લાસ કર્યા. સની દેઓલ જે ચિલ્લમચિલ્લી અને પારાવાર ગુસ્સા માટે પૉપ્યુલર છે એ ગુસ્સો આખી ફિલ્મમાં તમને લંકાદહન સમયે જ જોવા મળશે.
લક્ષ્મણ : સૌથી ડિફિકલ્ટ કાસ્ટિંગ
કાસ્ટિંગનો સૌથી ચોંકાવનારો છતાં માસ્ટરસ્ટ્રોક નિર્ણય હતો લક્ષ્મણ તરીકે રવિ દુબેની પસંદગી કરવાનો. ‘રામાયણ’માં લક્ષ્મણનું પાત્ર માત્ર સહાયક નથી, રામના સંયમ સામે આવેગ અને રક્ષક ભાવનું પૂરક છે. શરૂઆતના તબક્કામાં લક્ષ્મણ માટે સાઉથના વિજય દેવરકોંડા, વિક્રાંત મેસી, ઈશાન ખટ્ટર અને ટીવી-સ્ટાર મોહિત રૈના જેવા ઍક્ટર્સ સાથે મીટિંગો થઈ; પણ કોઈ-કોઈની સાથે લુક-ટેસ્ટ સમયે વાત અટકી ગઈ તો કોઈ સાથે રણબીર સાથેના સ્ક્રીન-ટેસ્ટમાં વાત અટકી ગઈ.
આ એક એવો રોલ હતો કે જેમાં બૉલીવુડના એસ્ટૅબ્લિશ્ડ સ્ટારને લેવામાં આવે તો સ્ક્રીન-સ્પેસને લઈને ઈગો-ક્લૅશની શક્યતા હતી, તો કોઈ મોટો સ્ટાર બે ભાગના લાંબા શૂટિંગ માટે સળંગ તારીખો આપવા તૈયાર નહોતો. થાકી-હારીને નિતેશ તિવારીએ આ રોલનો કલાકાર લાવવાની બધી જવાબદારી મુકેશ છાબરાને સોંપી દીધી અને મુકેશ છાબરા ટીવી-સ્ટાર રવિ દુબેને લાવ્યા. રવિએ ઑડિશનમાં રામ પ્રત્યેનું સમર્પણ અને યુવાન યોદ્ધાનો તેજસ્વી આવેગ એટલી સચોટ રીતે દેખાડ્યો કે નિતેશ તિવારી આફરીન થઈ ગયા. ફીની વાત કરીએ તો રવિ દુબેને આ ફિલ્મના બન્ને ભાગ માટે ૭ કરોડની ફી મળી છે.
રહમાન-ઝિમર, મ્યુઝિકનો મહાસ્ટ્રોક
‘રામાયણ’ના નિર્માણમાં જો કોઈ સૌથી મોટો વૈશ્વિક ધડાકો થયો હોય, તો એ હતો મ્યુઝિક- ડિરેક્ટરની પસંદગી. ઇન્ડિયન લેજન્ડ એ. આર. રહમાન અને સાથે હૉલીવુડના લેજન્ડરી ઑસ્કર-વિનર અને ‘ધ લાયન કિંગ’, ‘ગ્લૅડીએટર’, ‘ઇન્ટરસ્ટેલર’, ‘ડ્યુન’ જેવી અદ્ભુત ફિલ્મોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક-કમ્પોઝર હૅન્સ ઝિમર. યાદ રહે, હૅન્સે પહેલી વાર કોઈ ઇન્ડિયન ફિલ્મ માટે કામ કર્યું છે.
એ. આર. રહમાન આ પ્રોજેક્ટની આધ્યાત્મિક ઊંડાઈ અને વાલ્મીકિ રામાયણના શ્ળોકોને ભારતીય શાસ્ત્રીય રાગો સાથે વૈશ્વિક ફલક પર મૂકવાની તક જોઈને તરત તૈયાર થયા તો બીજી તરફ હૅન્સ ઝિમરને લાવવાનું અસંભવ લાગતું કામ નમિત મલ્હોત્રાએ કરી બતાવ્યું. નમિતની કંપની DNEGએ ઝિમરની ‘ઇન્સેપ્શન’અને ‘ડ્યુન’ જેવી ઑસ્કર-વિનર ફિલ્મોમાં કામ કર્યું હોવાથી બન્ને વચ્ચે ખૂબ સારી દોસ્તી. નમિતે ઝિમરને ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિના મહાકાવ્યને પશ્ચિમી દુનિયા સામે મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો અને ઝિમરે તરત જ હા પાડી દીધી.
આ ઈસ્ટ મીટ્સ વેસ્ટ જોડીમાં રહમાને ભારતીય વાદ્યો અને મંત્રોચ્ચાર દ્વારા ફિલ્મને ઇમોશન્સ આપવાનું કામ કર્યું તો ઝિમરે લંડન અને લૉસ ઍન્જલસના સિમ્ફની ઑર્કેસ્ટ્રા સાથે મળીને યુદ્ધ અને અન્ય દૃશ્યોમાં જાયન્ટ લેવલનું બૅકગ્રાઉન્ડ સંગીત આપ્યું. જો તમને એમ હોય કે પહેલા ભાગમાં તો એક જ ગીત આવ્યું તો તમારી જાણ ખાતર ‘રામાયણ’ના બીજા ભાગમાં ૪ ગીતો છે અને એ ચારેચાર ગીતો તમને ટેસડો પાડી દેવાનાં છે.
ઍક્શન અને અસલી ઑર્નામેન્ટ્સ
ફિલ્મનાં ઍક્શન દૃશ્યોમાં વિડિયો-ગેમ જેવી કૃત્રિમતા ટાળવા માટે ‘ગ્લૅડીએટર’ અને ‘ટ્રૉય’ જેવી ફિલ્મોના સ્ટન્ટ-ડિરેક્ટર્સ સાથે કલરિપયટ્ટુ અને મલ્લયુદ્ધ જેવી ભારતના માર્શલ આર્ટ્સના એક્સપર્ટ્સની ટીમ જોડવામાં આવી. દરેક યુદ્ધનું 3D પ્રી-વિઝ્યુઅલાઇઝેશન અને મોશન કૅપ્ચર તૈયાર કરાયું અને એટલું જ નહીં, એ યુદ્ધ સમયે શ્રીરામ અને લક્ષ્મણના શરીર પર જે કપડાં હશે, જે ઑર્નામેન્ટ્સ હશે એના પર પણ કામ કરવામાં આવ્યું.
અયોધ્યાના રાજપરિવારના મુગટ અને આભૂષણો ૯૨.૫ શુદ્ધતાવાળી ચાંદીનાં બનાવવામાં આવ્યાં, જેને ૨૪ કૅરૅટ ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવ્યું. આ આભૂષણો પર જયપુર અને દક્ષિણ ભારતના કારીગરોએ રિયલ માણેક, પન્ના અને મોતી જડ્યાં તો રાવણનાં આભૂષણો માટે તાંબું, પિત્તળ અને બ્રૉન્ઝ પર ઍન્ટિ-ઑક્સિડાઇઝ્ડ પૉલિશ કરાયું.
વનવાસનાં દૃશ્યો માટે રુદ્રાક્ષ, તુલસીના મણકા અને જંગલી બીજમાંથી પ્રાકૃતિક આભૂષણો તૈયાર થયાં, જ્યારે ઍક્શન સીન્સમાં કલાકારોને ઈજા ન થાય એ માટે આ જ આભૂષણોની હૂબહૂ કૉપી કરીને એને લાઇટવેઇટ સિલિકૉન અને રેઝિનમાંથી બનાવવામાં આવ્યા.
બાપ રે, છેક ૨૦૨૮
‘રામાયણ’નું શૂટિંગ ૨૦૨૪ના એપ્રિલ મહિનાથી શરૂ થયું અને એ પછી શૂટિંગ સતત ચાલુ રહ્યું. શૂટિંગ બૅક-ટુ-બૅક પ્લાન કરાયું હોવાથી પ્રથમ ભાગની રિલીઝ સાથે જ બીજા ભાગનું અંદાજે ૬૦% લાઇવ-ઍક્શન શૂટિંગ પૂરું થઈ ગયું છે. હવે કિષ્કિંધાકાંડ, લંકાદહન, સેતુનિર્માણ અને રામ-રાવણના મહાયુદ્ધનાં બાકીનાં દૃશ્યો શૂટ થશે અને એ પછી ૧૮થી ૨૪ મહિના VFX પર કામ થશે અને ત્યારે ‘રામાયણ : પાર્ટ 2’ ૨૦૨૮ની દિવાળીમાં રિલીઝ થશે. પહેલાં આ પાર્ટ આવતી દિવાળીએ આવવાનો હતો. પહેલો પ્રોમો રિલીઝ થયો ત્યારે એ જ ડેટ અનાઉન્સ કરવામાં આવી હતી, પણ VFXમાં ઝીણામાં ઝીણી વિગત પર ધ્યાન આપવામાં પુષ્કળ સમય જતો હોવાથી ડિરેક્ટર-પ્રોડ્યુસરે જ નક્કી કર્યું કે ફિલ્મને આવતી નહીં પણ એના પછીની દિવાળીએ રિલીઝ કરવી.
ફિલ્મના સેટ ફિલ્મસિટી, મઢ આઇલૅન્ડ, વસઈ-નાયગાંવમાં બનાવવામાં આવ્યા હતા. રામાયણની વાત હોવાથી પહેલેથી નક્કી હતું કે ફૉરેન જઈને શૂટ ન કરવું.
નમિત મલ્હોત્રા વિશે થોડું...
૧૯૯૫માં મુંબઈના ૧૮ વર્ષના યુવાને એવું સાહસ કર્યું જે એ સમયે કોઈને ગળે ઊતરે એમ નહોતું. ફિલ્મનિર્માતા પરિવારમાંથી આવતા નમિત મલ્હોત્રાએ કૅમેરાને બદલે કમ્પ્યુટર પર દાવ લગાવ્યો. ૨૧ વર્ષની વયે તેમણે પોતાના પપ્પાના ગૅરેજમાં એકમાત્ર કમ્પ્યુટરથી એડિટિંગ સ્ટુડિયો શરૂ કરવા માટે પોતે રહેતા હતા એ પરિવારનું એકમાત્ર ઘર ગિરવી મૂક્યું.
૧૯૯૭માં પિતાના ઇક્વિપમેન્ટ બિઝનેસ સાથે મર્જ થઈને પ્રાઇમ ફોકસની સ્થાપના થઈ, જે ૨૦૦૬માં શૅરબજારમાં લિસ્ટ થઈ. ૨૦૦૮ની વૈશ્વિક મંદીના કપરા કાળમાંથી બહાર નીકળીને નમિતે ૨૦૦૯માં ‘અવતાર’માં VFX આપી અને ૨૦૧૪માં લંડનના ‘ડબલ નેગેટિવ’ સ્ટુડિયો સાથે મર્જર કરીને DNEGની રચના કરી.
એ પછી ‘ઇન્ટરસ્ટેલર’, ‘બ્લેડ રનર 2049’, ‘ફર્સ્ટ મૅન’, ‘ટેનેટ’ અને ‘ડ્યુન’ જેવી ફિલ્મો માટે DNEGએ કુલ ૮ ઑસ્કર અવૉર્ડ્સ જીતીને ઇતિહાસ રચ્યો. ત્રણ દાયકા સુધી હૉલીવુડ માટે કાલ્પનિક વિશ્વ રચનારા નમિત મલ્હોત્રાએ પોતાની એ જ વર્લ્ડ ક્લાસ ટેક્નૉલૉજી અને ૮ ઑસ્કરના અનુભવને ‘રામાયણ’માં ઢાળ્યો અને આજની આ અદ્ભુત ‘રામાયણ’નું ઘડતર થયું.
નિતેશ તિવારી વિશે થોડું...
IIT-બૉમ્બેમાંથી મેટલર્જિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવનારો દેશની સૌથી મોટા બજેટની ફિલ્મનો ડિરેક્ટર બને એવું કોઈ વિચારી શકે? હા, જો તેમનું નામ નિતેશ તિવારી હોય તો વિચારી શકાય.
કૉલેજકાળમાં જ નિતેશને સમજાઈ ગયું હતું કે તેમનો સાચો પ્રેમ મેટલ નહીં પણ વાર્તા કહેવાની કલા છે. કૉલેજમાં તેમણે નાટકો લખ્યાં અને મોનો-ઍક્ટિંગ પણ કરી અને ભણવાનું પૂરું કર્યા પછી એન્જિનિયરિંગની સેફ અને સિક્યૉર કરીઅર છોડીને નીતેશે ૧૯૯૬માં FCB Ulka ઍડ્વર્ટાઇઝિંગ કંપનીમાં કૉપીરાઇટર બન્યા. એ પછી Lowe Lintas અને Leo Burnett જેવી જાયન્ટ ઍડ-એજન્સીઓમાં કામ કરીને તે ચીફ ક્રીએટિવ ઑફિસરના પદ સુધી પહોંચ્યા. જાહેરાતની દુનિયાએ તેમને લિમિટેડ સમયમાં અસરકારક અને ઇમોશનલ વાત કહેવાની આર્ટ શીખવી.
૨૦૧૧માં ‘ચિલ્લર પાર્ટી’ના ડિરેકશન સાથે નિતેશ તિવારી બૉલીવુડમાં આવ્યા અને પહેલી જ ફિલ્મમાં તેમણે બે નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ જીત્યા. ત્યાર બાદ ‘ભૂતનાથ રિટર્ન્સ’, ૨૦૦૦ કરોડથી વધુની કમાણી કરનાર બ્લૉકબસ્ટર ‘દંગલ’, ‘છિછોરે’ અને ‘બવાલ’ જેવી ફિલ્મો આપી અને હવે અંદાજે ૨૦૦૦ કરોડના ખર્ચે બનેલી ‘રામાયણ’ની માઇન્ડ-બ્લોઇંગ સક્સેસ તેમના નામે લખાઈ છે.
