Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અદ્ભુત આંકડા – ૧થી ૧૦

અદ્ભુત આંકડા – ૧થી ૧૦

Published : 15 November, 2026 07:27 AM | IST | Mumbai
Dr. Dinkar Joshi

મોંઘવારીની વાત કરતા હોઈએ ત્યારે ગઈ કાલે ચીજોના જે ભાવ હતા એના પ્રમાણમાં એ વખતની આવક અને આજે તમારી પાસે જે આવક-જાવક છે એનોય આંકડો માંડવા જેવો છે

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


અંકગણિત હવે આજકાલ શાળાના પાઠ્યક્રમમાં એક વિષય તરીકે સ્વીકાર્ય રહ્યું નથી. થોડાં વર્ષો અગાઉ અમે જ્યારે વિદ્યાર્થી હતા (જોકે આજેય વિદ્યાર્થી જ છીએ) ત્યારે અમારી સામે ૩ અને માત્ર ૩ જ ગણિત હતાં. આ ત્રણ એટલે બીજગણિત, ભૂમિતિ અને અંકગણિત હતાં. ત્યારે અમારા શિક્ષક અમને ત્રિકોણમિતિ નામક ભૂમિતિનો એક પ્રકાર જુદા વિષય તરીકે શીખવતા. આ બધામાં જે આંકડાનો અભ્યાસ થતો એ એકથી દસની વચ્ચે જ હતો. એને વાંચવા કે બોલવા હોય તો એકથી ૧૦૦ અને પછી સોથી હજાર, કે પછી લાખ અને કરોડ સુધી પહોંચે અને અબજનો આંકડો આવે ત્યાં બધું પૂરું થઈ જાય. હવે અમારે આંકડા માટે કંઈ કહેવું હોય તો દરેક આંકડા ઉપર એક ઘાત રાખવો. આંકડો એ ઘાત સાથે જોડાઈને આપોઆપ બમણો, ત્રણ ગણો કે ત્રીસ ગણો થઈ જતો. 
પણ આજે આવું નથી. હમણાં થોડા 
દિવસ પહેલાં જ એક શિક્ષક સાથે વાત કરી રહ્યો હતો ત્યારે આ શિક્ષકે પોતાના એક અનુભવની વાત કહી. 
રિલાયન્સનો શૅર અમુક-તમુક કરોડો કે હજારોમાં વેચાયો, મુંબઈના ઝવેરીબજારમાં દિવાળી નિમિત્તે અમુક-તમુક લાખ કરોડ રૂપિયાનાં સોના અને ચાંદી વેચાયાં. ધારો કે આ આંકડો ૨૬,૫૯૩ કરોડ છે. એ જ રીતે મુંબઈમાં કેટલી મોટરો વેચાઈ એનો આંકડો પણ આવા કોઈક કરોડો અને લાખોમાં હતો. આ શી રીતે વાંચી શકાય એ આપણને પહેલી નજરે સમજાય નહીં. વર્ગખંડમાં એક વિદ્યાર્થીએ આ શિક્ષકને પૂછ્યું, કે ‘સર, આ આંકડો જે તમે બોલો છો એ આંકડો લખી શી રીતે શકાય? આ ૨૬,૫૯૩ કરોડ એ રકમ કેવી રીતે લખી શકાય એ અમને બતાવો.’ શિક્ષક થોડીક મૂંઝવણમાં મુકાયા. આજકાલ અખબારોમાં આવા જે આંકડાઓ આવે છે એ માત્ર આપણે વાંચીએ છીએ, આપણે સમજીએ છીએ, પણ એને કાગળ ઉપર એકથી ૧૦ વચ્ચેના આંકડાઓથી લખીને જોવા હોય તો એ કામ સહજતાથી થઈ શકશે? જરાક કરી જોજો. 
આપણા સંસ્કૃત સાહિત્યમાં જ્ઞાનભંડારમાં એકડા ઉપર ચાલીસ મીંડાં સુધીની ઘાત ચઢાવી શકાય એવો આંકડો ક્યાંક લખાયો છે. કોઈક પ્રાચીન ગ્રંથમાં એકડા ઉપર આ ચાલીસ મીંડાંની ઘાતવાળો આંકડો એના નામ સાથે કોઈક જમાનામાં પ્રચલિત રહ્યો હશે એમ લાગે છે. ગણિતના કોઈક પ્રકાંડ પંડિત જ આના વિશે આપણને કંઈક કહી શકે. 
સોંઘવારી અને મોંઘવારી 
આજકાલ મોંઘવારી બહુ છે એવી વાત ઝવેરીબજારમાં પણ થાય છે અને શૅરબજારમાં પણ થાય છે. આ મોંઘવારી એટલે શું એ વાત કદાચ કોઈના મનમાં સ્પષ્ટ નથી. મારા માતામહ આજથી એકસો વર્ષ કરતાં વધારે સમય પહેલાં રંગૂનમાં નોકરી કરતા હતા. આ નોકરી દરમ્યાન પરિવારને ઘરખર્ચ માટે સૌરાષ્ટ્રમાં મહિને ૧૫ રૂપિયા મોકલતા. આ ૧૫ રૂપિયા લખાવેલું પોસ્ટકાર્ડ હજુ આજેય મારી પાસે છે. આ ૧૫ રૂપિયાની પહોંચ તરીકે માતામહીએ એમના પતિને એટલે કે મારા પિતામહને લખ્યું છે. ‘કાળઝાળ મોંઘવારી છે. ઘઉંનો ભાવ એક રૂપિયે મણનો છે.’ (મણ એ વજનનું એક પ્રમાણ છે)
આનો અર્થ એ થયો કે આપણને ક્યારેય પણ આપણા હાથમાં રહેલાં છૂટછાટનાં નાણાં કરતાં જે નાણાં હોય એને આપણે મોંઘવારી કે સોંઘવારી કહીએ છીએ. મને યાદ છે કે ૧૯૬૦ની આસપાસ મોરજીભાઈ દેસાઈની કાંદિવલીમાં એક સભા હતી. આ સભામાં કોઈકે મોરારજીભાઈને મોંઘવારી વિશે સવાલ કર્યો હતો. ત્યારે મોરારજીભાઈએ વળતો પ્રશ્ન કર્યો હતો. ‘આજે તમારી પાસે ખમીસ કેટલાં છે?’ 
પેલા પ્રશ્નકર્તાએ કહેલું કે મારી પાસે ૪ ખમીસ છે. એના જવાબમાં મોરજીભાઈએ પૂછ્યું, ‘૨૫ કે ૫૦ વર્ષ પહેલાં તમારી પાસે ચાર ખમીસ હતાં ખરાં?’ 
આપણી પાસે વપરાશની ચીજવસ્તુઓ વધી છે. ચીજવસ્તુઓની ગુણવત્તા પણ સુધરી છે. આ બધામાં જો ભાવવધારો થાય તો એને મોંઘવારી કહેવાય ખરી? મોરરજીભાઈની વાત સાવ ખોટી તો નહોતી. એમાં સચ્ચાઈ હતી એમ છતાં આ સચ્ચાઈનો આપણે સહજતાથી સ્વીકાર કરી શકતા નથી. 
આજે આપણે જે મોંઘવારી વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ એને ધ્યાનમાં લેતાં આ કંઈ બચાવ કરવાની વાત નથી. ભાવવધારો છે જ, પણ ગઈ કાલે જે ભાવ હતા એના પ્રમાણમાં આજે તમારી પાસે જે આવક-જાવક છે એનોય આંકડો માંડવા જેવો છે. આ બે વચ્ચે ક્યારેય સંતોષકારક મુલવણી થઈ શકશે નહીં. પ્રયત્ન કરી જોજો. સોના-રૂપાના ભાવ, જમીનની કિંમત, આપણે જે-જે વસ્તુઓ વાપરીએ છીએ એના પ્રમાણમાં ગઈ કાલે આપણી પાસે શું હતું એ પણ ધ્યાનમાં લેવા જેવું છે. અગાઉ એક જોડી ચંપલ પૂરતાં ગણાતાં. આજે એક ફ્લૅટમાં રહેતા ૪ જણ પાસે ૪-૪ કે ૬-૬ જોડી પગરખાં હોય છે. જોકે આવું બધા માટે નથી. કેટલાક હજુ ઉઘાડા પગે જ છે. એ લોકો ઉઘાડપણું ઢાંકે ત્યાં સુધી પહોંચે એ પેલા ૪-૬ જોડી પગરખાં ધરાવનારાઓએ ધ્યાનમાં લેવું જોઈએ. રશિયન વિદ્વાન કાઉન્ટ લિયો ટૉલ્સ્ટૉય બે હાથે પોતાની સમૃદ્ધિને ગરીબોમાં વહેંચતા અને છતાંય લખે છે – આવું ક્યાં સુધી ચાલે? હવે પછી કરીશું શું? અહીં વાત અટકે છે અને સવાલ અહીં જ ઊભો થાય છે સમૃદ્ધિ ક્યાં સુધી આપણને લઈ જશે? સૌ વચ્ચે આ ખિસ્સામાં રહેલું નાણું વહેંચી શકાશે? ઇતિહાસમાં ક્યારેય આવું બન્યું છે? 
તો પછી કરીશું શું? 
આંકડાઓની આ અદ્ભુત સૃષ્ટિ આપણને ક્યારેક ક્યાંથી ક્યાં લઈ જાય છે. આપણે જ્યારે ૧૦૦૦-૨૦૦૦ રૂપિયાની માસિક આવક વધી ગઈ છે એવું લાગે ત્યારે રાજી થઈએ છીએ, પણ આ ઇલૉન મસ્ક કે મુકેશ અંબાણીના આંકડાઓ અખબારોમાં વાંચીએ છીએ ત્યારે એમ થાય કે આ બે સરખામણી શી રીતે કરી શકાશે? સોંઘવારી કે મોંઘવારી શું છે? આ મુકેશભાઈના આંકડાને પેલા ૧૦૦૦-૨૦૦૦ ના માસિક વધારાના આંકડા સાથે જોઈએ છીએ ત્યારે એમ લાગે કે આ સમાજમાં આપણી હયાતી દરમ્યાન તો ક્યારેય આ સોંઘવારી કે મોંઘવારી સમજાશે નહીં. એક જ કામ કરવા જેવું છે. પેલા ઉઘાડા પગને કે ભૂખ્યા પેટને પૂરતું મળી રહે એ જોવાનું ભુલાઈ ન જાય. એ શી રીતે થશે એ હું કે તમે જાણતા નથી. કેવળ  ઉપરવાળો જાણે. 


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 07:27 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK