Mumbai News: બાઇકની ટાંકી ફુલ કરાવી અને તરત જ સળગી ઊઠી; અંધેરીના નંદ ભવન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની આગ પાંચ કલાકે ઠરી અને વધુ સમાચાર
તસવીરો : આશિષ રાજે
ભારતીય રેલવેની શાન ગણાતી અને મુંબઈ-પુણે વચ્ચે દોડતી પ્રતિષ્ઠિત ડેક્કન ક્વીન એક્સપ્રેસના ભવ્ય વારસાને બિરદાવવા માટે સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે ‘ટ્રેન મહોત્સવ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ડેક્કન ક્વીનને ફૂલોથી શણગારવામાં આવી હતી. ભારતની આ પ્રથમ સુપરફાસ્ટ અને ઇલેક્ટ્રિક ટ્રેનની સફરને ઑડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. ટ્રેન મહોત્સવના પગલે ડેક્કનની પ્રખ્યાત ડાઇનિંગ કારને હેરિટેજ થીમ સાથે નવું રૂપ આપવામાં આવ્યું છે. ભારતીય રેલવેની આ સૌપ્રથમ ડાઇનિંગ કાર હતી. ૧૯૩૦ની ૧ જૂને શરૂ થયેલી ડેક્કન ક્વીન દેશની પ્રથમ લાંબા અંતરની ઇલેક્ટ્રિક ટ્રેન અને વેસ્ટિબ્યુલ સુવિધા (એક કોચમાંથી બીજા કોચમાં અવરજવર) ધરાવતી પ્રથમ ટ્રેન હોવાનું ગૌરવ પણ ધરાવે છે.
TCની સતર્કતાથી બચી ગયો પૅસેન્જરનો જીવ
ADVERTISEMENT

ગઈ કાલે એક મુસાફરે દિલ્હી-મુંબઈ યુવા એક્સપ્રેસનું બોરીવલી પર સ્ટૉપ નહોતું થતાં ચાલતી ટ્રેનમાંથી ઊતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બૅલૅન્સ ગુમાવતાં તે પડી ગયો હતો. તે ટ્રેનની નીચે લપસવા જતો હતો ત્યારે તરત જ પ્લૅટફૉર્મ પર ઊભેલા TCએ સતર્કતા બતાવીને તેને બચાવ્યો હતો. આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. બાવીસ માર્ચે બનેલી આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં અનેક લોકોએ TCની સતર્કતાનાં વખાણ કર્યાં હતાં.
બાઇકની ટાંકી ફુલ કરાવી અને તરત જ સળગી ઊઠી

અંબરનાથમાં રહેતો સારંગ પોકળે ગઈ કાલે બપોરે કામ પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે પેટ્રોલની આગળ જતાં અછત સર્જાઈ શકે છે એમ ધારીને તેણે બાઇકની ટાંકી ફુલ કરાવીને પેટ્રોલ ભરાવી લીધું હતું. હાઇવેથી અંબરનાથ આવતી વખતે નવરેનગર બસ-સ્ટૉપ પાસે તેના પગ પાસે ગરમ લાગવા માંડતાં તેણે તરત જ બાઇક રોડની સાઇડમાં પાર્ક કરી દીધી હતી. થોડી જ ક્ષણોમાં બાઇક ભડ-ભડ બળવા માંડી હતી. તેણે બાજુમાં રહેતી વ્યક્તિ પાસેથી પાણી લઈને બાઇક પર પાણી છાંટીને આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો, પણ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી.
અંધેરીના નંદ ભવન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની આગ પાંચ કલાકે ઠરી

અંધેરી-ઈસ્ટમાં મહાકાલી કેવ્ઝ રોડ પર નંદ ભવન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બપોરે બે વાગ્યે આગ લાગી હતી. ગ્રાઉન્ડ પ્લસ બે માળના બિલ્ડિંગમાં સૌથી ઉપરના માળે લાગેલી આગ ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ હોવાથી ફાયર-બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સમય લાગ્યો હતો. સાંજે ૭.૩૦ વાગ્યે આગ બુઝાવાઈ હતી. આ બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી.
