નવા નિયમમાંથી જોકે મુંબઈને બાકાત રખાયું છે
રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે સામાન્ય જનતાના હિતમાં નિર્ણય લઈને રાજ્યમાં ૨૦૧૧ની પહેલી જાન્યુઆરી સુધી રેસિડેન્શિયલ વિસ્તારોમાં ૫૦૦ ચોરસ ફુટ સુધી કરાયેલા અતિક્રમણને કાયદેસર કરવાની જાહેરાત કરી છે.
રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેએ આ વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ યોજના મુંબઈ શહેર અને સબર્બ્સ સિવાય સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી લાખો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રહેવા માટે કાયમી સ્થિરતા મળશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ નીતિ હેઠળ મહત્તમ ૧૫૦૦ ચોરસ ફુટ સુધીનાં દબાણોને જ ધ્યાનમાં લેવામાં આવશે જેમાં ૫૦૦ ચોરસ ફુટ સુધીનો વિસ્તાર કોઈ પણ ચાર્જ વગર સંપૂર્ણપણે નિયમિત કરવામાં આવશે જ્યારે ૫૦૦થી ૧૫૦૦ ચોરસ ફુટ સુધીના વધારાના એરિયા માટે બજારકિંમતની ૧૦ ટકા રકમ ‘ઑક્યુપન્સી પ્રાઇસ’ તરીકે ચૂકવવી પડશે. જો કોઈ બાંધકામ ૧૫૦૦ ચોરસ ફુટથી વધુ વિસ્તારમાં હશે તો વધારાનું બાંધકામ તોડી પાડવામાં આવશે. જો મકાનનો અમુક હિસ્સો કમર્શિયલ હેતુ માટે વપરાતો હશે તો બજારકિંમતના પચીસ ટકા રકમ વસૂલવામાં આવશે.
ADVERTISEMENT
અપવાદ શું?
જોકે સરકારે પર્યાવરણ અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમુક કડક પ્રતિબંધો પણ મૂક્યા છે. નદીના પટ, નાળાંઓ, જાહેર રસ્તાઓ, ગૌચરની જમીન, વન વિભાગની જમીન, સ્મશાન, મેદાનો તથા સ્કૂલ કે હૉસ્પિટલ માટે અનામત રખાયેલી જમીન પર થયેલાં દબાણોને કોઈ પણ સંજોગોમાં નિયમિત કરવામાં આવશે નહીં.
