પેટ્રોલ પરની ખાસ એક્સાઇઝ ડ્યુટી પ્રતિલીટર હવે ૧૩ને બદલે ૩ રૂપિયા અને ડીઝલ પર ૧૦ રૂપિયાને બદલે ઝીરો, પણ...
ફાઇલ તસવીર
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે જેનો સીધો લાભ ગ્રાહકોને મળવાનો નથી, પણ તેલકંપનીઓને હાલમાં જે ખોટ થઈ રહી છે એ સરભર કરવામાં રાહત થશે. વૈશ્વિક ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થવાથી ઑઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) હાલમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિ લીટર ૪૮.૮ રૂપિયાની ખોટ કરી રહી છે. ક્રૂડનો ભાવ ૬૫ ડૉલરથી વધીને ૧૨૨ ડૉલર પ્રતિ બૅરલ થયો હતો અને હાલમાં પણ એ ૧૦૦ ડૉલરની આસપાસ રહે છે.
પેટ્રોલ પરની સ્પેશ્યલ ઍડિશનલ એક્સાઇઝ ડ્યુટી ૧૩ રૂપિયા હતી જેમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટર ઘટાડીને ૩ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની ડ્યુટી ૧૦ રૂપિયા પ્રતિ લીટર ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. આમ છતાં પેટ્રોલ-પમ્પ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત્ રહેશે.
ADVERTISEMENT
એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફારની સાથે સરકારે મુખ્ય પેટ્રોલિયમ ઉત્પાદનો પરના નિકાસ-ટૅક્સમાં પણ સુધારો કર્યો છે. ડીઝલ નિકાસકર વધારીને ૨૧.૫ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલ નિકાસ-ટૅક્સ શૂન્ય રહે છે. જાહેર ક્ષેત્રના એકમો દ્વારા નેપાલ, ભુતાન, બંગલાદેશ અને શ્રીલંકા સહિતના પાડોશી દેશોમાં થતી નિકાસ પર આ ટૅક્સ લાગશે નહીં.
એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના વિન્ડફૉલ ટૅક્સને એક્સપોર્ટ લિન્ક્ડ ડ્યુટી સાથે ૨૯.૫ રૂપિયા પ્રતિ લીટર સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.
નાયરાએ ભાવ વધાર્યા
પ્રાઇવેટ સેક્ટરની કંપની નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૫.૩૦ રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩ રૂપિયાનો વધારો કર્યો છે. ઈંધણના ભાવમાં વધારો જાહેર થયા બાદ તરત જ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રશિયન કંપની રોઝનેફ્ટ અને કેસાની એન્ટરપ્રાઇઝ દ્વારા સમર્થિત નાયરા એનર્જી ભારતના ફ્યુઅલ રીટેલ ક્ષેત્રમાં લગભગ ૮.૪ ટકા બજારહિસ્સો ધરાવે છે.
હિંગોલી અને પરભણીમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી પર મુકાયેલી મર્યાદા પાછી ખેંચી લેવામાં આવી
પેટ્રોલ, ડીઝલ અને ગૅસના સ્ટૉકની અછતની અટકળો અને અફવાઓને કારણે પેટ્રોલ-પમ્પ પર લાંબી કતારોને પહોંચી વળવા માટે હિંગોલી અને પરભણી જિલ્લાના અધિકારીઓએ શુક્રવારે ગુરુવારે જ ઇશ્યુ કરાયેલી ખરીદી-મર્યાદાના આદેશો પાછા ખેંચી લીધા હતા. ગુરુવારે બન્ને સ્થળે જાહેર કરાયેલા આદેશો મુજબ ટૂ-વ્હીલર માટે ખરીદી-મર્યાદા ૨૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જ્યારે થ્રી અને ફોર-વ્હીલર માટે એ ૨૦૦૦ રૂપિયા હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ફ્યુઅલ પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ છે એટલે અગાઉનો આદેશ રદ કરવામાં આવ્યો છે અને એની ખરીદી પરની મર્યાદા દૂર પણ કરવામાં આવી છે.
