Mumbai Crime: કાંદિવલીમાં પોતાની ૧૭ વર્ષની પ્રેમિકાની કથિત રૂપે હત્યા કરવાના આરોપસર ૨૨ વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી; પોલીસનો આરોપ છે કે તે સગીરાને ગિફ્ટ આપવાના બહાને જંગલમાં લલચાવીને લઈ ગયો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મુંબઈ (Mumbai)ના કાંદિવલી (Kandivali) ઈસ્ટમાં ટેલિવિઝન શો `ક્રાઈમ પેટ્રોલ` (Crime Patrol) જોઈને હત્યાનું કાવતરું ઘડી પોતાની ૧૭ વર્ષની પ્રેમિકાની નિર્મમ હત્યા (Mumbai Crime) કરવાના આરોપસર મુંબઈ પોલીસ (Mumbai Police)એ ૨૨ વર્ષના એક યુવકની ધરપકડ કરી છે.
જંગલમાંથી મળી આવ્યો હતો સગીરાનો મૃતદેહ
ADVERTISEMENT
ટેલિવિઝન શો `ક્રાઈમ પેટ્રોલ` જોઈને ૨૨ વર્ષના યુવાને ૧૭ વર્ષની પ્રેમિકાની હત્યા કરી છે.
સિદ્ધિ વિશ્વકર્મા (૧૭ વર્ષ) તરીકે ઓળખાતી આ સગીરાનો મૃતદેહ ૧૦ જુલાઈના રોજ સમતા નગર પોલીસ સ્ટેશન (Samta Nagar Police Station)ની હદમાં આવેલા દામુ નગરના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. વન વિભાગ (Forest Department)ના કર્મચારીઓ જ્યારે નિયમિત પેટ્રોલિંગ પર હતા ત્યારે તેમને આ મૃતદેહ મળી આવ્યો હતો અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરીને કાંદિવલી ઈસ્ટના રહેવાસી આરોપી સૂરજ વાઘમરે (૨૨ વર્ષ)ની ધરપકડ કરી છે.
આરોપી અને પીડિતા પ્રેમ સંબંધમાં હતા
પ્રાથમિક તપાસ મુજબ, આરોપી સૂરજ અને પીડિતા એક ગણપતિ મંડળના કાર્યક્રમમાં મળ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સૂરજ આ સગીરા પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ સગીરાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ન્યૂઝના અહેવાલ મુજબ, સગીરાએ ના પાડતાં આરોપીએ હત્યા કરવા અને પુરાવાનો નાશ કરવાની પદ્ધતિઓ દર્શાવતા ટીવી ક્રાઈમ શો `ક્રાઈમ પેટ્રોલ` જોઈને યુવતીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.
`અનોખી ગિફ્ટ` આપવાના બહાને સગીરાને જંગલમાં બોલાવી
પોલીસે જણાવ્યું કે, આરોપી સૂરજ વાઘમરેએ સિદ્ધિને કોઈ અનોખી ભેટ આપવાના બહાને જંગલ વિસ્તારમાં બોલાવી હતી. ત્યાં તેણે સગીરાને આંખો બંધ કરવા કહ્યું અને તેની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. ત્યારબાદ તેણે સગીરા પર ચપ્પુ વડે હુમલો કરી તેનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ તે મૃતદેહને જંગલમાં જ છોડીને પુરાવા ભૂંસવાનો પ્રયાસ કરીને ત્યાંથી નાસી ગયો હતો.
મૃતદેહ મળ્યાના થોડા જ સમયમાં પીડિતાની ઓળખ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરીને આરોપી સૂરજ વાઘમરેની ધરપકડ કરી લીધી હતી.
આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો
આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં તે સમતા નગર પોલીસની કસ્ટડીમાં છે. પોલીસનું કહેવું છે કે આખી ઘટનાનો ક્રમ સ્થાપિત કરવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે તપાસ ચાલી રહી છે.
આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાના સંપૂર્ણ ક્રમને સ્થાપિત કરવા, તમામ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાઓની તપાસ કરવા અને આ કથિત હત્યા પાછળના ચોક્કસ હેતુની ચકાસણી કરવા માટે પોતાની તપાસ ચાલુ રાખી રહી છે.
