Mumbai Local Attack: સીએસએમટી પરથી અંબરનાથ તરફ જઇ રહેલ એક લોકલમાં જગ્યાને લીધે થયેલા ઝગડાને કારણે ત્રણ શખ્સોએ મળીને એક વ્યક્તિ પર હુમલો કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
તાજતેરમાં જ મુંબઈ વેસ્ટર્ન લોકલમાં ચાકુથી હુમલાની લોહિયાળ ઘટના (Mumbai Local Attack) બની હતી. દરવાજો બંધ કરવાની નજીવી બાબતે એક તરુણને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી આખું મુંબઈ હચમચી ગયું હતું. હવે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. સીએસએમટી પરથી અંબરનાથ તરફ જઇ રહેલ એક લોકલમાં જગ્યાને લીધે થયેલા ઝગડાને કારણે ત્રણ શખ્સોએ મળીને એક વ્યક્તિ પર હુમલો કર્યો છે.
જગ્યાને લઈને વિવાદ જન્મ્યો
ADVERTISEMENT
આ ઘટના ૧૬મી જુલાઈના રોજ મોડીરાત્રે સુમારે ૧૨.૨૦ વાગ્યે બની હતી. સેન્ટ્રલ રેલવેની અંબરનાથ જઇ રહેલી (Mumbai Local Attack) લોકલમાં બની હતી. ઠાકુર્લી રેલવે સ્ટેશન નજીક લોકલ ટ્રેનના જનરલ ડબ્બામાં બે પેસેન્જર્સ વચ્ચે નજીવી બાબતને લઈને બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ બોલાચાલી ઝપાઝપીમાં પરિણમી હતી. આ ઝગડો એ હદ સુધી વકરી ગયો હતો કે ત્રણ માથાફરેલ શખ્સોએ એક વ્યક્તિ પર કોયતા વડે હુમલો કર્યો હતો. આખો ડબ્બો હચમચી ગયો હતો. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઠાકુર્લી સ્ટેશન આવતાં જ ડબ્બામાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે
આ હુમલામાં એક પેસેન્જર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવની જાણ થતાં જ કલ્યાણ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને મુસાફરને કલ્યાણની રુક્મિણીબાઈ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે ઇજાગ્રસ્ત પેસેન્જરની હાલત ગંભીર છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. હજી હુમલાખોરો ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી મુંબઈની લોકલમાં (Mumbai Local Attack) હુમલાઓની ઘટનાઓમાં વધારો થયો છે. લોકલ મુંબઈની લાઈફ લાઇન હોવા છતાં હવે તે મુસાફરો માટે જીવલેણ બની રહી હોય તેવા કિસ્સાઓનું પ્રમાણ વધી ગયું છે. ગયા જ મહિને વરસાદનું પાણી અંદર આવતું હોવાથી માત્ર દરવાજો બંધ કરવાની સામાન્ય બાબતને લીધે પશ્ચિમ રેલવેના ચર્ચગેટ રેલવે સ્ટેશન પર ૨૨ વર્ષીય મયંક લોહાર નામના યુવાન પર માથાફરેલ રોશન સુવર્ણાએ છરીના ઘા મારીને પતાવી દીધો હતો. મયંકનું ઘટનાસ્થળે ડબ્બામાં જ મોત થયું હતું.
મયંકના માતા-પિતા અને બહેન મંત્રાલયમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. પરિવારે માંગ કરી છે કે આરોપીઓને કડક સજા (મૃત્યુદંડ) આપવામાં આવે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. મુખ્યમંત્રીને મળ્યા બાદ મયાંકનો પરિવાર ભાવુક થઈ ગયો હતો. મયંકની માતા મેઘા હાથ જોડીને દીકરાના હત્યારાને ફાંસી આપવાનું કહેતા કહેતા ધ્રુસકે ને ધ્રૂસકે રડી પડી હતી.
હવે ફરીથી આવી જ એક ઘટના બનતા મુંબઈગરાઓમાં રોષ અને ડર પેદા થયા છે. મુંબઈની લોકલમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. મોડી રાત્રે મહિલાઓના ડબ્બામાં રેલવે પોલીસ તૈનાત કરવામાં આવે છે. પરંતુ સામાન્ય ડબ્બામાં સુરક્ષા (Mumbai Local Attack)માટે કોઈ નથી. આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. મુંબઈની લોકલમાં આ રીતે પેસેન્જર તીક્ષ્ણ હથિયાર સાથે ફરતા થઈ ગયા છે ત્યારે રેલવે વહીવટીતંત્રે તાબડતોબ સખત પગલાં લેવા જોઇએ.
