મુલુંડમાં માઘી ગણેશોત્સવનું અનોખું આકર્ષણ : શ્રી સ્વામી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬ વર્ષથી ભારતના વિખ્યાત મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે
મુલુંડમાં ઊભી કરવામાં આવેલી કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ
મુલુંડ-વેસ્ટમાં જે. એન. રોડ અને સાંઈધામ મંદિરની વચ્ચે આવેલા મુલુંડ વિદ્યામંદિર ખાતે શ્રી સ્વામી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ માઘી ગણેશોત્સવમાં ગણપતિની મૂર્તિની ૧૧ દિવસ માટે સ્થાપના કરવામાં આવી છે. ટ્રસ્ટનું આ ૧૬મું વર્ષ છે. આ વખતે અહીં કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે જે ગણેશભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
ADVERTISEMENT
સ્થાપના કરવામાં આવેલી ગણપતિદાદાની મૂર્તિ.
શ્રી સ્વામી ચૅરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ જગદીશ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ભાદરવા મહિનામાં નહીં પણ માઘી ગણેશોત્સવની ઉજવણી કરીને બાપ્પાની મૂર્તિની સ્થાપના કરીએ છીએ. ભારતના લગભગ દરેક મોટા મંદિરની પ્રતિકૃતિ અમે અત્યાર સુધી અહીં ઊભી કરી છે. આ પરંપરાને કાયમ રાખીને આ વર્ષે કેદારનાથ મંદિર બનાવ્યું છે. ફિલ્મસિટીમાં આ મંદિરની પ્રતિકૃતિ ૨૦૦ કારીગરોએ બે મહિનામાં તૈયાર કરી હતી. બાદમાં મંદિરના જુદા-જુદા ભાગ મુલુંડ લાવીને ક્રેનની મદદથી જોડવામાં આવ્યા હતા. પહેલા જ દિવસથી મોટી સંખ્યામાં ગણેશભક્તો અહીં આવીને કેદારનાથનાં દર્શન કરી રહ્યા છે. માઘી ગણેશોત્સવ દરમ્યાન દરરોજ અહીં જુદા-જુદા પ્રકારના મેડિકલ કૅમ્પનું આયોજન કરવામાં આવે છે.’\
બાપ્પાને ડ્રૅગન ફ્રૂટનો શણગાર
પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં ગઈ કાલે માઘી ગણેશોત્સવના બીજા દિવસે બાપ્પાને ડ્રૅગન ફ્રૂટથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.

