ગૂગલ પર ઝેપ્ટોનો કસ્ટમર કૅર નંબર શોધવાના ચક્કરમાં સાઇબર-ફ્રૉડનો શિકાર બની ગયાં
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુલુંડ-ઈસ્ટના હરિઓમ નગર વિસ્તારમાં રહેતાં ૬૮ વર્ષનાં મહિલાના ઘરે ઝેપ્ટો દ્વારા ડિલિવરી થયેલી વસ્તુઓમાં લીંબુ ન મળતાં તેઓ ગૂગલ પર ઝેપ્ટોનો કસ્ટમર કૅર નંબર શોધવા ગયાં અને એમાં ૯૦ હજાર રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ એવી ફરિયાદ નવઘર પોલીસ-સ્ટેશનમાં શનિવારે નોંધાઈ હતી. ફરિયાદી મહિલાએ શુક્રવારે બપોરે ઝેપ્ટો પરથી શાકભાજી, જૂસ સહિત લીંબુનો ઑર્ડર આપ્યો હતો. જે વસ્તુઓ આવી એમાં લીંબુ નહોતાં એટલે તેમણે ગૂગલ પર ઝેપ્ટોનો કસ્ટમર કૅર નંબર સર્ચ કર્યો હતો. આવું કરવામાં તેમને બનાવટી લિન્ક મોકલીને તેમનો ફોન હૅક કરી લેવાયો અને પછી છેતરપિંડી થઈ એવો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મહિલાને એક લિન્ક મોકલીને તેમનો ફોન હૅક કરી પૈસા તફડાવી લેવામાં આવ્યા હતા એમ જણાવતાં નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ મદને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ શુક્રવારે સવારે ઝેપ્ટો પરથી શાકભાજી, જૂસ સહિત લીંબુનો ઑર્ડર આપ્યો હતો. એમાંની મોટા ભાગની વસ્તુઓ બપોરે એક વાગ્યાની આસપાસ તેમને મળી ગઈ હતી, પરંતુ લીંબુ ન મળતાં તેમણે ગૂગલ પર ઝેપ્ટોનો કસ્ટમર કૅર નંબર સર્ચ કર્યો હતો. એમાં મળેલા નંબર પર ફોન કરીને પોતાની તમામ માહિતી મહિલાએ આપી હતી. એ દરમ્યાન સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ ઝેપ્ટોના કર્મચારી તરીકેની આપીને મહિલાને વૉટ્સઍપ પર એક લિન્ક મોકલી હતી. ત્યાર બાદ તેમને એ લિન્ક ઓપન કરવાનું કહીને તેમની બૅન્કના ડેબિટ કાર્ડના ફોટો પોતાના મોબાઇલમાં પાડવાનું કહેવામાં આવ્યું હતું. એ અનુસાર મહિલાએ પોતાના ડેબિટ કાર્ડના ફોટો પોતાના જ ફોનમાં પાડ્યા હતા. એ ફોટો પાડવાની થોડી જ મિનિટોમાં મહિલાના ખાતામાંથી ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં ૯૦ હજાર રૂપિયા ઊપડી ગયા હતા. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. આ કેસમાં મહિલાનો ફોન હૅક કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છે.’

