ભાંડુપના એક મહારાષ્ટ્રિયને પોતાની રિક્ષા પાછળ ઘૃણાસ્પદ કરતૂતવાળું બૅનર લગાવીને મનમુટાવ વધારવાનું કામ કર્યું

ભાંડુપમાં એક રિક્ષાની પાછળ લગાવવામાં આવેલું અશોભનીય બૅનર
ગયા અઠવાડિયે મુલુંડની સોસાયટીમાં એક મહિલાને બિઝનેસ માટે કથિત રીતે મરાઠી હોવાનું કારણ આપીને ભાડા પર જગ્યા આપવામાં નહોતી આવી એ કિસ્સો હજી તાજો જ હતો ત્યાં ભાંડુપના એક મહારાષ્ટ્રિયને પોતાની રિક્ષા પાછળ ઘૃણાસ્પદ કરતૂતવાળું બૅનર લગાવીને મનમુટાવ વધારવાનું કામ કર્યું
ગયા અઠવાડિયે મુલુંડની એક સોસાયટીમાં એના સિનિયર સિટિઝન સેક્રેટરીએ કથિત રીતે એક મરાઠી મહિલાને આ સોસાયટીમાં આવેલી કમર્શિયલ પ્રૉપર્ટી ભાડા પર આપવાનો ઇનકાર કર્યા બાદ આ મુદ્દે જોરદાર વિવાદ થયો હતો અને પોલીસે સેક્રેટરી અને તેમના પુત્રની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ પણ કરી હતી. જોકે આ વિવાદ હજી શમ્યો નહોતો ત્યારે ભાંડુપના એક રિક્ષાવાળાએ ગુજરાતીઓ-મરાઠીઓ વચ્ચે મતભેદ ઊભા કરવાના આશય સાથે નિંદનીય કરતૂત કર્યું હતું.
ADVERTISEMENT
આ રિક્ષાવાળાએ પોતાની રિક્ષાની પાછળ મરાઠીમાં એક બૅનર લગાવીને એમાં લખ્યું હતું કે ‘જય મહારાષ્ટ્ર. મુંબઈચા રિક્ષાવાલા. ગુજરાતી આણિ કુત્ર્યાંના પરવાનગી નાહી.’
એનો અર્થ એ થાય છે કે જય મહારાષ્ટ્ર. મુંબઈનો રિક્ષાવાળો. ગુજરાતી અને કૂતરાઓને રિક્ષામાં બેસવાની પરવાનગી નથી. હાલમાં આ રિક્ષાવાળાએ બૅનર તો કાઢી લીધું છે, પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાનિક પદાધિકારીઓએ પોતાના ફેસબુક પેજ પર આ રિક્ષાનો ફોટો વાઇરલ કર્યો છે જેના પર લોકોએ અશોભનીય કમેન્ટ પણ કરી છે. નીતિન પાટીલ નામની વ્યક્તિએ લખ્યું છે કે એક વખત કૂતરાને પરવાનગી આપો, કારણ કે એ જ્યાંની ભાખરી ખાય છે ત્યાં ઈમાનદારીથી રહે છે.
લખન ચવાણ નામની વ્યક્તિએ લખ્યું છે કે ગુજરાતીઓ અને ભૈયા પાસેથી મરાઠી માણસોએ સામાન ખરીદવાનું બંધ કરી દેવું જોઈએ. જોકે આવા મેસેજોની વચ્ચે મુકુંદ પુરાણિક નામની વ્યક્તિએ લખ્યું હતું કે ‘આ શોભા દેનારું નથી... આનાથી મરાઠીત્વ સિદ્ધ નથી થતું... બીજાને નીચા દેખાડવાને બદલે મરાઠીઓનું ઉત્થાન કરવું જોઈએ અને એ ચિરસ્થાયી રહેશે.’
આ સંદર્ભમાં રિક્ષાના માલિક અભિષેક દીઘેનો સંપર્ક કરતાં તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડમાં મરાઠી મહિલા પર થયેલા અન્યાય બાદ મેં આ બૅનર તૈયાર કરાવ્યું હતું, જેને મેં મારી રિક્ષા પર બે દિવસ રાખ્યું હતું. આ બૅનર મારફત મેં મારી ભાવનાઓ વ્યક્ત કરવાની કોશિશ કરી હતી. જોકે હવે મેં એને કાઢી નાખ્યું છે.’
ભાંડુપ વિધાનસભા ક્ષેત્રના એમએનએસના પ્રમુખ સંદીપ જલગાંવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કોણે કર્યું છે અને શું કામ કર્યું છે એની મારી પાસે કોઈ માહિતી નથી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ ફોટો સાથેની પોસ્ટ ભાંડુપ એમએનએસના ફેસબુક પેજ પર સ્ક્રોલ થઈ હતી અને ત્યાર બાદ એને વાઇરલ પણ કરવામાં આવી હતી એ વિશે તમારે શું કહેવું છે? ‘મિડ-ડે’ના આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે ‘આ કામ કોઈ વ્યક્તિએ પોતાના લેવલ પર કર્યું હોઈ શકે. જો અમારી પાર્ટીના કોઈ કાર્યકરે કર્યું હોત તો એની અમને ખબર હોત.’

