નવજાત બાળકના મૃત્યુ બાદ આઘાતમાં સરી પડેલાં મા-દીકરીએ અંતિમ પગલું ભર્યું હોવાની શંકા
નવજાત બાળકના મૃત્યુના આઘાતમાં આ બન્ને મહિલાઓએ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે
નાગપુર શહેરના વ્યંકટેશનગરમાં શુક્રવારે સવારે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાવન વર્ષનાં એક મહિલા અને તેમની ૨૯ વર્ષની પરિણીત પુત્રીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે બે મહિના પહેલાં જન્મેલા નવજાત બાળકના મૃત્યુના આઘાતમાં આ બન્ને મહિલાઓએ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર ૨૯ વર્ષની આકાંક્ષા બ્રમ્હેએ બે મહિના પહેલાં જ પોતાનું બાળક ગુમાવ્યું હતું અને ત્યારથી તે તેની મમ્મી સાથે રહેતી હતી. શુક્રવારે સવારે ૭ વાગ્યે આકાંક્ષાનો પતિ લોકેશ ઘરે આવ્યો અને વારંવાર દરવાજો ખખડાવવા છતાં કોઈ પ્રતિસાદ ન મળ્યો ત્યારે તેણે બારીમાંથી અંદર જોતાં માતા-પુત્રીને લટકતી હાલતમાં જોઈ ચોંકી ઊઠ્યો હતો. પાડોશીઓએ તાત્કાલિક દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે બાળકના મૃત્યુ બાદ બન્ને મહિલાઓ ભારે માનસિક તનાવમાં હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
