પુણે, નાશિક, નાગપુર અને નવી મુંબઈમાં ગર્લ્સ હૉસ્ટેલનો પ્રસ્તાવ
જૈન માઇનૉરિટી ડેવલપમેન્ટ ઇકૉનૉમિક કૉર્પોરેશન અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી
મહારાષ્ટ્રમાં પદવિહાર કરતા જૈન મુનિઓ માટે રાજ્ય સરકાર દ્વારા ૩૨૫ વિહારધામ બાંધવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન અને માઇનૉરિટી અફેર્સ મિનિસ્ટર સુનેત્રા પવારની અધ્યક્ષતા હેઠળ મળેલી જૈન માઇનૉરિટી ડેવલપમેન્ટ ઇકૉનૉમિક કૉર્પોરેશન (JMDEC)ની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં જૈન સમાજના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સશક્તીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. JMDECના અધ્યક્ષ લલિત ગાંધીએ રજૂ કરેલા વિવિધ પ્રસ્તાવ મુજબ રાજ્યની આશરે ૪૦૦૦ જેટલી પાઠશાળાઓમાં મરાઠી અને પ્રાકૃત જેવી ક્લાસિકલ ભાષાઓનું શિક્ષણ શરૂ કરવામાં આવશે. એ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મેળવતી યુવતીઓ માટે પુણે, નાશિક, નાગપુર અને નવી મુંબઈમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી સુરક્ષિત હૉસ્ટેલ બનાવવાનું પણ આયોજન છે.
ADVERTISEMENT
સુનેત્રા પવારે અધિકારીઓને આ દરખાસ્તોનું તાત્કાલિક પરીક્ષણ કરીને અમલીકરણ કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર જૈન સમુદાયના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને યોજનાઓનો લાભ દરેક વર્ગ સુધી પહોંચે એ માટે સમયમર્યાદામાં પગલાં લેવામાં આવશે. નિગમની કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને લાંબા ગાળાની નાણાકીય સહાય પૂરી પાડવાની ખાતરી પણ સરકારે આપી છે.
