નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કાર્યકરોને કહ્યું...
નાશિકમાં આયોજિત એક કાર્યક્રમમાં અજિત પવારે પક્ષના કાર્યકરોને ગઈ કાલે સંબોધન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે છઠ્ઠી મેએ મહારાષ્ટ્રના ઇલેક્શન કમિશનને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાર મહિનાની અંદર કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. આથી રાજ્યના તમામ પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારે ગઈ કાલે નાશિકમાં આયોજિત એક કાર્યક્રમમાં પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘પહલગામમાં આપણા દેશના ટૂરિસ્ટોને આતંકવાદીઓએ મારી નાખ્યા બાદ તેઓને પાઠ ભણાવવાની બધાની ઇચ્છા હતી. એ મુજબ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને જબરદસ્ત જવાબ આપ્યો છે. આપણી સેનાએ પણ પાકિસ્તાનને જવાબ આપીને દુનિયાને આપણી તાકાત બતાવી દીધી. તેમને હું સૅલ્યુટ કરું છું. તમારે પણ સરકાર સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની શક્યતા છે. આથી દિવાળી પહેલાં જ રાજ્યમાં ચૂંટણીના ફટાકડા ફૂટશે એટલે અત્યારથી જ તૈયારીમાં લાગી જાઓ.’


