Lalbaugcha Raja 2026: લાલબાગચા રાજાના મંડપ નજીક ૬૮ વર્ષીય વૃદ્ધનું ઢળી પડવાથી મોત, આ વર્ષે ગણેશઉત્સવ દરમિયાન વિસ્તારમાં બીજી કરૂણ ઘટના; મુંબઈના પ્રખ્યાત ગણેશમંડળની તબીબી સુવિધાઓ અને સજ્જતા પર ફરી એકવાર ઉઠ્યા પ્રશ્નો
`લાલબાગચા રાજા`ની ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)ના વિશ્વપ્રસિદ્ધ `લાલબાગચા રાજા` (Lalbaugcha Raja 2026) મંડપ નજીક ગુરુવારે રાત્રે એક વૃદ્ધ સ્થાનિક નિવાસી બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ તેમનું મોત થતાં ગણેશોત્સવની (Ganeshotsav 2026) ઉજવણી પર શોકની કાળી છાયા ફરી વળી છે. આ કરૂણ બનાવને પગલે ભારે ભીડ ધરાવતા લાલબાગ વિસ્તારમાં તબીબી સજ્જતા અને ઇમરજન્સી સુવિધાઓ પર ફરી એકવાર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
ગણેશોત્સવની ઉજવણી વચ્ચે મુંબઈના પ્રખ્યાત `લાલબાગચા રાજા` મંડપ નજીક ગુરુવારે રાત્રે ૬૮ વર્ષીય વૃદ્ધ બેભાન થઈને ઢળી પડતાં તેમનું કરૂણ મોત નીપજ્યું છે. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ વર્ષના ૧૦ દિવસીય ગણેશોત્સવ દરમિયાન લાલબાગ વિસ્તારમાં નોંધાયેલી આ બીજી મૃત્યુની ઘટના છે.
ADVERTISEMENT
મંડપ પરિસર નજીક સ્થાનિક નિવાસી ઢળી પડ્યા
કાલાચોકી પોલીસ સ્ટેશન (Kalachowki police station) દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકીને પાલિકાના અધિકારીઓએ મૃતકની ઓળખ વિસ્તારના જ સ્થાનિક નિવાસી વિજય આનેકર તરીકે કરી છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી જ્યારે આનેકર લાલબાગચા રાજા મંડપની નજીકમાં આવેલા હનુમાન મંદિર પાસે બેઠા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા.
તેમને ઢળી પડતાં જોઈને આસપાસના લોકો અને સ્થાનિક મદદગારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. આનેકરને ત્વરિત તબીબી સારવાર માટે પરેલ સ્થિત નજીકની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
તબીબી તપાસ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે કાલાચોકી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો (Accidental Death Report) નોંધવામાં આવ્યો છે. તબીબી સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.
પ્રારંભિક તપાસમાં કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી, અને સત્તાવાળાઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે આ અચાનક મૃત્યુ પાછળ કોઈ અગાઉની બીમારી અથવા હાર્ટ એટેક જવાબદાર છે કે કેમ.
ગણેશોત્સવ દરમિયાન લાલબાગમાં બીજું મોત
વિજય આનેકરનું આ કરૂણ મોત વર્તમાન ગણેશોત્સવ દરમિયાન ભારે ભીડ ધરાવતા લાલબાગ વિસ્તારમાં બીજી જાનહાનિ છે. આ અગાઉ તહેવારની શરૂઆતમાં પુણેના ૨૫ વર્ષીય એન્જિનિયર જયદીપ નેમાડેનું પણ આ જ મંડપ પરિસરમાં દર્શન માટે લાઈનમાં ઊભા રહેવા દરમિયાન હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લાલબાગચા રાજા મુંબઈના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ગણેશ મંડપોમાંથી એક છે, જ્યાં ૧૦ દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. સ્થાનિક પોલીસ અને પાલિકા સત્તાવાળાઓએ દર્શનાર્થીઓને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોને સાવચેતી રાખવા અને મંડપ સંકુલ આસપાસ ઉભા કરાયેલા મેડિકલ હેલ્પ ડેસ્કનો ઉપયોગ કરવા સલાહ આપી છે.
