Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાલબાગચા રાજાનાં દર્શનની લાઇનમાં બે જણને જીવલેણ હાર્ટ-અટૅક આવ્યો

લાલબાગચા રાજાનાં દર્શનની લાઇનમાં બે જણને જીવલેણ હાર્ટ-અટૅક આવ્યો

Published : 20 September, 2026 12:05 PM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

લાલબાગચા રાજાનાં દર્શન કરવા આવેલા પચીસ વર્ષના જયદીપ મેઘરાજ નેમાડેનું હાર્ટ-અટૅકને કારણે ગુરુવારે રાતે મોત થયું હતું. 

જયેશ ભાવસાર, જયદીપ નેમાડે

જયેશ ભાવસાર, જયદીપ નેમાડે


ગુજરાતના દહેગામના ૩૮ વર્ષના વેપારી જયેશ ભાવસારે જીવ ગુમાવ્યો

ગણેશોત્સવ દરમ્યાન લાલબાગચા રાજાનાં દર્શન કરવા ગુજરાતના ગાંધીનગર પાસેના દહેગામથી મુંબઈ આવેલા ૩૮ વર્ષના ટેક્સટાઇલના વેપારી જયેશ અશ્વિન ભાવસારનું હાર્ટ-અટૅકને કારણે અચાનક મૃત્યુ થતાં ભાવસાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જયેશ ભાવસાર મિત્રો સાથે બુધવારે સવારે દહેગામથી મુંબઈ આવ્યા હતા. છેલ્લાં બે વર્ષથી તેઓ નિયમિત લાલબાગચા રાજાનાં દર્શન કરવા આવતા હતા.



આ બાબતની વિસ્તૃત માહિતી આપતાં જયેશ ભાવસારના કઝિન રવિ ભાવસારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયેશ અને તેના મિત્રો બુધવારે બપોરે આશરે બે વાગ્યે લાલબાગચા રાજાનાં દર્શન માટેની લાઇનમાં ઊભા હતા. એ સમયે તેમણે પોતાની પત્ની સાથે વિડિયો-કૉલ પર વાત પણ કરી હતી. તેમના મિત્રોના જણાવ્યા મુજબ એ સમયે તેઓ એકદમ સ્વસ્થ અને સામાન્ય જણાતા હતા, પરંતુ સાંજે આશરે સાડાચાર વાગ્યે અચાનક તેમની તબિયત લથડી હતી. ઘટનાની જાણ થતાં સાથે આવેલા મિત્રો તેમ જ લાલબાગચા રાજા મંડળના કાર્યકરોએ તાત્કાલિક તેમને ઍમ્બ્યુલન્સ મારફત નજીકની KEM હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તબીબોએ તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. આશરે સાંજે ૬.૩૦ વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.’


બે નાનાં બાળકોના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ
જયેશ ભાવસારના પરિવારમાં પત્ની તથા ૧૧ વર્ષની પુત્રી અને ૪ વર્ષનો પુત્ર એમ બે નાનાં બાળકો છે. જયેશભાઈનાં મમ્મી-પપ્પા હયાત નથી. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર ભાવસાર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ગણેશ પ્રત્યે પરિવારને અતૂટ શ્રદ્ધા હોવાનું પરિવારજનોનું કહેવું છે. લાલબાગચા રાજાનાં દર્શન માટે મુંબઈ આવેલા જયેશભાઈનું આ રીતે અચાનક અવસાન થતાં પરિવાર અને મિત્રોમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. 
જયેશભાઈના મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહને દહેગામ લઈ જવામાં આવ્યો હતો. દહેગામ ખાતે તેમના કઝિન રવિ ભાવસારે અંતિમ સંસ્કાર કર્યા હતા.

પુણેમાં જૉબ કરતા પચીસ વર્ષના જયદીપ નેમાડેએ જીવ ગુમાવ્યો


લાલબાગચા રાજાનાં દર્શન કરવા આવેલા પચીસ વર્ષના જયદીપ મેઘરાજ નેમાડેનું હાર્ટ-અટૅકને કારણે ગુરુવારે રાતે મોત થયું હતું. 
મૂળ જળગાવ જિલ્લાના શિરસોલીના અને હાલ પુણેમાં જૉબ કરતા જયદીપે મેકૅનિકલ એન્જિનિયરિંગ અને માસ્ટર્સ ઇન બિઝનેસ ઍડ્‌મિનિસ્ટ્રેશન (MBA) કર્યું હતું અને પુણેની એક કંપનીમાં જૉબ કરતો હતો. જયદીપ તેના મિત્રો સાથે લાલબાગચા રાજાનાં દર્શન કરવા આવ્યો હતો. ગુરુવારે રાતે ૧૧.૩૦ વાગ્યે તેઓ લાઇનમાં ઊભા હતા ત્યારે તેને છાતીમાં દુખાવો થવા માંડતાં તેણે તેના મિત્રોને એ વિશે જાણ કરી હતી. એથી બધા જ મિત્રો લાઇન છોડીને તેને બહાર લાવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને પોલીસે તરત જ તેમને મદદ કરી હતી અને તેને ઇમર્જન્સી રૂમમાં લઈ ગયા હતા. ત્યાર બાદ તેને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ તેને દાખલ કરતાં પહેલાં તપાસીને મૃત જાહેર કર્યો હતો. 
આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તેના મૃતદેહનો કબજો લીધો હતો અને એને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો. પોસ્ટમૉર્ટમ બાદ તેનો મૃતદેહ જળગાવ મોકલવામાં આવ્યો હતો. ગઈ કાલે સવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જયદીપના પરિવારમાં તેના પિતા મેઘરાજ નેમાડે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. જયદીપની માતાનું ૧૨ વર્ષ પહેલાં નિધન થયું હતું. જયદીપ પરિવારનો એકમાત્ર દીકરો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 12:05 PM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK