ડ્રાઇવરની આસપાસ અને સામાન મૂકવાની ડિકીમાં પણ વિદ્યાર્થીઓને ભર્યા, ડ્રાઇવર દંડાયો
રિક્ષામાં ગૂંગળાઈ જવાય એવી સ્થિતિમાં બેઠેલા વિદ્યાર્થીઓ.
ભિવંડીમાં માત્ર ૩ મુસાફરોની ક્ષમતા ધરાવતી એક રિક્ષામાં સ્કૂલનાં ૧૭ જેટલાં બાળકોને અત્યંત જોખમી રીતે ઠાંસી-ઠાંસીને બેસાડવામાં આવ્યાં હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયો વાઇરલ થતાં જ સ્કૂલમાં બાળકોને લેવા-મૂકવા જતાં વાહનો બાબતે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભિવંડી ટ્રાફિક-પોલીસે તાત્કાલિક બેદરકાર રિક્ષા-ડ્રાઇવર વિરુદ્ધ મોટર વ્હીકલ ઍક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
રોશનબાગ વિસ્તારમાં રિક્ષાની અંદર બાળકોને ઠાંસી-ઠાંસીને બેસાડવામાં આવ્યાં હતાં. પૅસેન્જર સીટ ઉપરાંત ડ્રાઇવરની બન્ને બાજુ તેમ જ આગળના ભાગમાં છથી ૭ બાળકો બેઠાં હતાં એટલું જ નહીં, પાછળની સામાન મૂકવાની જગ્યાએ પણ બેથી ૩ બાળકોને દબાવી-દબાવીને ગોઠવવામાં આવ્યાં હતાં.
