ફોર્ટ વિસ્તારમાં આવેલા જય ગણેશ પીત્ઝા કૉર્નરમાં પીત્ઝા પર બટર નાખીને આપવામાં આવે છે
જય ગણેશ પીત્ઝા કૉર્નર, વજુ કોટક માર્ગ, બૅલાર્ડ એસ્ટેટ, ફોર્ટ.
પીત્ઝાનું નામ પડતાંની સાથે નજર સામે ચીઝથી લથબથ પીત્ઝા દેખાશે. અને શું કામ ન દેખાય? ચીઝ વગર પીત્ઝાની કલ્પના કરવી પણ અઘરી છે. ત્યાં સુધી કે ચીઝ નાખ્યા વગર કોઈ પીત્ઝા ખાવાની ઑફર આપે તો પણ પીત્ઝા મોઢામાં જશે નહીં. આમ પીત્ઝા અને ચીઝ એકબીજાનાં પૂરક સમાન છે ત્યારે જો તમે કોઈ સ્ટૉલ પર જાઓ અને પીત્ઝાનો ઑર્ડર કરો ત્યારે સામેથી એમ પૂછવામાં આવે કે તમને પીત્ઝા પર કેટલું બટર જોઈએ છે તો તમે શું જવાબ આપશો?
આજકાલ આપણે જોઈએ છીએ કે ફેમસ અને ટ્રેન્ડિંગ ફૂડ-આઇટમ્સની સાથે ચેડાં કરીને કોઈક નવી જ ડિશ બનાવીને લોકોની સામે મૂકી દેવામાં આવે છે. જોકે આવી બધી ટ્રિક ગ્રાહકોને આકર્ષી શકતી નથી પણ ફેલ જાય છે, પણ બધી જગ્યાએ એવું થતું નથી. ફોર્ટ વિસ્તારમાં આવેલો વર્ષો જૂનો જય ગણેશ પીત્ઝા કૉર્નર એના યુનિક વરાઇટીના પીત્ઝાને લીધે ફેમસ છે. તેઓ પીત્ઝા પર બટર નાખીને આપે છે. જોકે સાંભળવામાં થોડું અજીબ લાગતું હોવા છતાં આ પીત્ઝા લોકોને ભાવી પણ રહ્યા છે. દરેક પીત્ઝાની ઉપર અમૂલની જે મિની ડબ્બી આવે છે એને આખી પીત્ઝા પર ઠાલવી દેવામાં આવે છે. લોકોને એનો ટેસ્ટ એટલો ભાવી રહ્યો છે કે ઘણા લોકો પીત્ઝા પર એક્સ્ટ્રા બટર લગાડવા માટે જણાવે છે. પીત્ઝા ઉપરાંત અહીં સૅન્ડવિચની પણ અનેક વરાઇટી મળે છે. અહીંની ગ્રિલ્ડ સૅન્ડવિચ પણ ઘણી ફેમસ છે. સાથે ચટણીઓ તો ખરી જ. ખાસ કરીને લસણની ચટણી જે પીત્ઝા પર પણ નાખવામાં આવે છે એટલે જો તમારે બટર અને લસણની ચટણી સાથેનો પીત્ઝા ટ્રાય કરવો હોય તો ફોર્ટ પહોંચી જજો. અહીં જૈન પીત્ઝા પણ મળે છે.
ADVERTISEMENT
ક્યાં આવેલું છે? : જય ગણેશ પીત્ઝા કૉર્નર, વજુ કોટક માર્ગ, બૅલાર્ડ એસ્ટેટ, ફોર્ટ.
સમય : સવારે ૮ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી.


