થાણે અને મુંબઈમાં જાણીતા LIC એજન્ટ તરીકે ઓળખ ધરાવતા ધર્મેશભાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર ધર્મેશ પંડ્યા.
થાણેના વર્તકનગરમાં રહેતા ૪૫ વર્ષના ધર્મેશ પંડ્યાનું બુધવારે રાતે કચ્છમાં રોડ-અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું હતું. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે તેઓ ભુજથી માતાના મઢ (આશાપુરા મંદિર) દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બુધવારે રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ દેશલપર ગામ નજીક સામેથી આવતી એક જીપે તેમને જોરદાર અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માત કરીને જીપનો ડ્રાઇવર નાસી છૂટ્યો હતો. તેની સામે નખત્રાણા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ દુખદ ઘટનાની જાણ થતાં જ મુંબઈથી પરિવારના ૩૦ જેટલા સભ્યો ભુજ પહોંચ્યા હતા અને ત્યાં જ ધર્મેશભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ધર્મેશભાઈના સંબંધી પ્રવીણ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષોથી અમે મોટી નવરાત્રિમાં માતાના મઢ ખાતે કૅમ્પ લગાવીને શ્રદ્ધાળુઓની સેવા કરીએ છીએ. એમાં ધર્મેશ ખૂબ જ ઍક્ટિવલી અમારી સાથે જોડાતો હતો. છેલ્લાં ૧૨ વર્ષથી તે ચૈત્રી નવરાત્રિમાં પણ ભુજથી માતાના મઢની પદયાત્રાએ જતો હતો. આ વર્ષે તેણે મને સાથે આવવા કહ્યું હતું, પરંતુ મને કમરનો દુખાવો હોવાથી મેં આ વખતે ના પાડીને આવતા વર્ષે જઈશું એમ કહ્યું હતું. શરૂઆતમાં ધર્મેશે પણ જવાનું ટાળ્યા બાદ સોમવારે અચાનક તત્કાલમાં ટિકિટ કઢાવીને તે કચ્છ પહોંચી ગયો હતો. મંગળવારે ભુજથી અમારા એક કૉમન મિત્ર હિતેન સચદેવ સાથે તેણે પદયાત્રા શરૂ કરી હતી. ગરમીને કારણે તેઓ દિવસે આરામ કરીને રાત્રે ચાલતા હતા. બુધવારે રાત્રે ૧૧ વાગ્યે જમ્યા બાદ તેઓ આગળ વધ્યા હતા. ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ દેશલપર નજીક પૂરપાટ આવતી જીપે ધર્મેશને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ધર્મેશ ઊછળીને દૂર ફેંકાયો હતો અને તેને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્કાલિક હિતેને 108 ઍમ્બ્યુલન્સ મદદ માટે બોલાવી હતી. જોકે એને આવવામાં વાર લાગતાં એક સ્થાનિક કારચાલકની મદદથી તેને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.’
ADVERTISEMENT
ડૉક્ટરની સલાહ બાદ ભુજમાં જ અંતિમ સંસ્કાર
ધર્મેશભાઈના કાકા હસમુખ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધર્મેશભાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયા હતા અને તેના તમામ સંબંધીઓ પણ મુંબઈમાં જ રહેતા હોવાથી પરિવાર તેનો પાર્થિવ દેહ મુંબઈ લાવવા માગતો હતો. જોકે અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાઓને કારણે મૃતદેહને મુંબઈ લાવવો શક્ય ન હોવાની ડૉક્ટરોએ સલાહ આપતાં અમે પરિવારના ૩૦ જેટલા સભ્યો તાત્કાલિક ભુજ પહોંચ્યા હતા અને ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.’ થાણે અને મુંબઈમાં જાણીતા LIC એજન્ટ તરીકે ઓળખ ધરાવતા ધર્મેશભાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.
