Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ચંદ્ર મારક પણ છે, ચંદ્ર તારક પણ છે

ચંદ્ર મારક પણ છે, ચંદ્ર તારક પણ છે

Published : 22 March, 2026 01:48 PM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

ભારતીય જ્યોતિષશાસ્ત્ર ચંદ્રઆધારિત છે જે દર્શાવે છે કે માનવના જીવનમાં ચંદ્રનું મહત્ત્વ કેટલું અદકેરું છે. ચંદ્રને કાયમી ધોરણે મજબૂત બનાવવાના કેટલાક સરળ રસ્તાઓ નીચે મુજબ છે.

પ્રતીકાત્મક તસવીર

શુક્ર-શનિ

પ્રતીકાત્મક તસવીર


મનોસ્થિતિ સાથે સીધો સંબંધ ધરાવતા ચંદ્રને મજબૂત કરવાનો સીધો અર્થ એ છે કે તમે તમારા મગજ પર કાબૂ મેળવો. આજના કટ્ટર હરીફાઈ અને પ્રતિસ્પર્ધીના કાવાદાવાના સમયમાં મગજ પર કાબૂ ન હોવાનો મતલબ એ છે કે તમે ડર્બી જીતવા માટે રેસમાં ઊતરી ગયા, પણ તમારો અશ્વ બેકાબૂ બન્યો છે

આ જ લેખના હેડિંગમાં કહ્યું એમ ચંદ્ર મારક પણ છે અને તારકની ભૂમિકા પણ ચંદ્ર જ ભજવે છે. ચંદ્રને મન સાથે સીધો સંબંધ છે. ચંદ્ર મસ્તક પર રાજ કરે છે અને એટલે જ જો તમે ચંદ્ર પર કાબૂ ન મેળવો તો અશાંતિ, વિમાસણ, મૂંઝવણ અને દુવિધાની અવસ્થા તમારે ભોગવવાની આવી શકે છે. ધારો કે તમે ચંદ્રને કાબૂમાં કર્યો તો તમે કોઈ પણ કટોકટીવાળી અવસ્થામાં પણ મગજને કાબૂમાં રાખીને સ્વસ્થતા સાથે નિર્ણય લેવાને સક્ષમ બનો છો. ચંદ્રનો સ્વભાવ દરિયા જેવો છે. એ સતત ભરતી અને ઓટ આપવાનું કાર્ય કરે છે. આ કાર્યમાં પણ જો મહત્તમ ભરતી જોઈતી હોય એટલે કે વિકાસશીલ વિચારધારા જોઈતી હોય તો તમારે ચંદ્રને વધુ ને વધુ મજબૂત કરવો જોઈએ.



ભારતીય જ્યોતિષશાસ્ત્ર ચંદ્રઆધારિત છે જે દર્શાવે છે કે માનવના જીવનમાં ચંદ્રનું મહત્ત્વ કેટલું અદકેરું છે. ચંદ્રને કાયમી ધોરણે મજબૂત બનાવવાના કેટલાક સરળ રસ્તાઓ નીચે મુજબ છે.


ચંદ્ર અને મહાદેવ

ચંદ્ર અને મહાદેવને સીધો સંબંધો છે. તમે જોયું હોય તો મહાદેવની જટામાં બીજનો ચંદ્ર જોઈ શકાય છે. ચંદ્ર અને મહાદેવનો વાર પણ એક જ છે - સોમવાર અને ચંદ્ર તથા મહાદેવને પ્રસન્ન કરવાની વિધિમાં પણ મહાદેવ નિમિત્ત બને છે. સોમવારે મહાદેવ પર દૂધનો અભિષેક કરવાથી ચંદ્ર મજબૂત બને છે તો સાથોસાથ સોમવારના દિવસે ઘરમાં રાખેલા મંદિરની સફાઈ કરવાથી પણ ચંદ્ર મજબૂત બને છે તો ચંદ્રને મજબૂત કરવા માટે સોમવારે ગાયને બાફેલા ચોખા કે શેરડી ખવડાવવાથી પણ ચંદ્ર પ્રભાવશાળી બને છે.


ચંદ્રને મજબૂત કરવા માગતી વ્યક્તિએ શ્રાવણ મહિનો પણ કરવો જોઈએ.

ચંદ્ર અને પાણી

ચંદ્ર અને પાણીને સીધો સંબંધ છે. પાણીને કારણે ચંદ્રમાં મજબૂતી આવે છે. આ જ કારણ છે કે વધુમાં વધુ પાણી પીવું એ પણ ચંદ્ર માટે હિતદાયી છે. સવારે જાગીને સૌથી પહેલાં પાણી પીવામાં આવે અને એ પાણી પીતાં પહેલાં જો મનોમન તમારા ઇષ્ટદેવનું નામ લેવામાં આવે તો એનાં સકારાત્મક પરિણામો મળતાં હોય છે. સવારે જે રીતે પાણી પીધું એ જ રીતે રાતે પણ ઇષ્ટદેવનું સ્મરણ કરીને પાણી પીવામાં આવે તો મગજ શાંત થાય છે અને શાંત મગજની પહેલી સારી અસર એ છે કે એનાથી સાઉન્ડ સ્લીપ મળશે.

પ્લાન્ટેશન કરવું અને એને નિયમિત પાણી પિવડાવવું એ પણ ચંદ્રને મજબૂત કરવાની પ્રક્રિયા છે. જો ધાર્યાં કામ ન થતાં હોય તો અર્જુનનો છોડ વાવવો અને એને નિયમિત પાણી પિવડાવવું. અર્જુન વૃક્ષ છે એટલે એ કૂંડામાં લાંબો સમય રહેશે નહીં. છોડ મોટો થાય એટલે એને બહાર ખુલ્લામાં રોપી દેવો અને ફરીથી ઘર માટે નવો છોડ લાવવો.

ચંદ્ર અને ત્રાટકવિધિ

ચંદ્રને મજબૂત કરવાનો સૌથી અસરકારક જો કોઈ કીમિયો હોય તો એ ચંદ્ર-ત્રાટક છે. એક પણ પ્રકારનો પ્રકાશ ન હોય એવી જગ્યાએ બેસીને ચંદ્ર સામે ત્રાટક કરવાથી ચંદ્રની પ્રકાશ-ગરિમા આંખો વાટે શરીરમાં ઊતરે છે. આ ઉપરાંત ચંદ્રના પ્રકાશમાં અને અન્ય પ્રકાશ ઓછામાં ઓછો આવતો હોય એવી જગ્યાએ આકાશની નીચે સૂવું પણ ચંદ્રને મજબૂત કરવાનું કામ કરે છે. જોકે મુંબઈ જેવાં શહેરોમાં ટેરેસનો અભાવ હોવાથી આ રીત અપનાવવી અઘરી છે, પણ એવું હોય તો વર્ષમાં બેથી ત્રણ દિવસ માટે ખુલ્લું આકાશ ધરાવતા હિલ-સ્ટેશન પર જઈને ત્યાં કૉટેજની બહાર સૂઈને પણ ચંદ્રને ઉજાગર કરવાની પ્રક્રિયા કરવી જોઈએ.

ચંદ્રને મજબૂત કરવાની અન્ય પણ એક રીત છે. ગાયના ઘીનો દીવો પ્રકટાવીને રોજ રાતે અંધકાર કરી એ દીવા સામે પાંપણ ફરકાવ્યા વિના એકધારું જોવું. શરૂઆતમાં થોડી ક્ષણોથી વધારે જોઈ શકાશે નહીં, પણ પ્રૅક્ટિસ પછી વધારે સમય ત્રાટક કરી શકાશે. આ વિધિ કરતાં પહેલાં જરૂરી હોય તો આંખના ડૉક્ટરની સલાહ લઈ લેવી.

ચંદ્ર અને ચોખા

ચોખા અને ચંદ્રને પણ સીધો સંબંધ છે એટલે ચોખાનું દાન કરવામાં આવે તો એનાથી ચંદ્ર મજબૂત થાય છે અને મનોબળ મક્કમ થાય છે. જો શક્ય હોય તો દર મહિને સુદની એકાદશીના દિવસે જરૂરિયાતમંદને ચોખા દાનમાં આપવા. આ ઉપરાંત પ્રાણીઓને દૂધ પિવડાવવું એ પણ ચંદ્રને મજબૂત કરે છે.

ચંદ્ર માનસિક શાંતિનું કામ કરે છે. જે વધારેમાં વધારે ચાંદી ધારણ કરે છે તે પણ મનથી શાંતિ પ્રાપ્ત કરતો થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 01:48 PM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK