આ સવાલ સાથે ગઈ કાલે જીવદયાપ્રેમીઓનો આક્રોશ ફાટી નીકળ્યો, તેમણે દાદરના કબૂતરખાના પર બાંધવામાં આવેલી તાડપત્રીને ફાડીને કબૂતરોને ચણ નાખવાની શરૂઆત કરી દીધી એને પગલે વાતાવરણ તંગ થઈ ગયું
ગઈ કાલે ઉશ્કેરાયેલા જીવદયાપ્રેમીઓએ દાદરના કબૂતરખાના પર બાંધવામાં આવેલી તાડપત્રી ફાડી-કાઢી નાખી હતી. તસવીર : સૈયદ સમીર અબેદી
BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ચોખ્ખું કહી દીધું કે કોર્ટના આદેશ મુજબ કબૂતરોને ચણ નાખવા પરનો પ્રતિબંધ ચાલુ રહેશે, તાડપત્રી ફરી લગાવી દેવામાં આવશે
બુધવારની ઘટનાને પગલે આજે અદાલતમાં BMC જૈનોને નિશાન બનાવે એવી આશંકા
ADVERTISEMENT
મંગલ પ્રભાત લોઢાએ કાયદો હાથમાં ન લેવાની વિનંતી કરી જીવદયાપ્રેમીઓને
કબૂતરોને ચણવા માટે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જીવદયાપ્રેમીઓને મહાનગરપાલિકાએ કબૂતરોને ચણ નાખવા દેવું જોઈએ એવો નિર્દેશ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જીવદયાપ્રેમીઓ સાથેની મીટિંગમાં મહાનગરપાલિકાને આપ્યો હતો. આમ છતાં ગઈ કાલે સવાર સુધી દાદર કબૂતરખાનાને બંધ કરવા માટે બાંધવામાં આવેલી પ્લાસ્ટિકની તાડપત્રીને મહાનગરપાલિકાએ હટાવી નહોતી. એને કારણે ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે જીવદયાપ્રેમીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે કબૂતરખાના પર લગાડવામાં આવેલી તાડપત્રીને ફાડી નાખીને એ જ જગ્યા પર કબૂતરોને ચણ નાખવાની શરૂઆત કરતાં વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. જોકે પોલીસે કબૂતરખાનાને તરત જ કૉર્ડન કરીને મામલાને શાંત કર્યો હતો.


