મુખ્ય પ્રધાને BMCને કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નક્કી કરેલા સમયે ચણ નાખો અને સફાઈ માટે લેટેસ્ટ ટેક્નૉલૉજી વાપરો : જરૂર જણાશે તો સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી દેખાડી
ગઈ કાલે પણ દાદરના ઢંકાયેલા કબૂતરખાના પર જમા થયેલાં કબૂતરો. તસવીર : કીર્તિ સુર્વે પરાડે
છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં કબૂતરખાનાનો મુદ્દો બહુ જ ચર્ચાઈ રહ્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટે કબૂતરોને ચણ અને પાણી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સંદર્ભે બહુ જ ઊહાપોહ અને રજૂઆતો કરવામાં આવતાં ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક બેઠક લીધી હતી અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કબૂતરખાનાં અચાનક બંધ કરવાં યોગ્ય નથી એટલે કબૂતરોને ચણ આપવા એક સમય નક્કી કરી શકાય અને એની સાફસફાઈ માટે પણ અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી શકાય. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે BMCને ચોક્કસ સમયે ચણ નાખવાનું શરૂ કરવા કહ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં લેવાયેલી એ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, વિધાનસભ્ય ગણેશ નાઈક અને વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા જેવા મહત્ત્વના નેતાઓ હાજર રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે કબૂતરખાનાં વિશે અને કબૂતરોના સંરક્ષણ વિશે રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘કબૂતરખાનાં અચાનક બંધ કરવાં યોગ્ય નથી. કબૂતરોને કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ ઊભી થાય છે એવા આરોપ થાય છે. એમ છતાં એ બાબતે શાસ્ત્રીય અભ્યાસ કરવો જરૂરી છે. કબૂતરોને ચણ નાખવા બાબતે એક ચોક્કસ સમય નક્કી કરી એ માટે નિયમ તૈયાર કરી શકાય. એ સિવાય કબૂતરની ચરકને લઈને જે અસ્વચ્છતા થાય છે એ દૂર કરવા લેટેસ્ટ ટેક્નૉલૉજીનો પણ ઉપયોગ કરી શકાય.’
ADVERTISEMENT
કબૂતરખાના સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાબતે રાજ્ય સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પોતાની બાજુ મજબૂતીથી રજૂ કરવી જોઈએ એવું સૂચન પણ દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. એ સિવાય જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નિયંત્રિત ચણ નાખવાનું શરૂ કરવામાં આવે એવો નિર્દેશ તેમણે આપ્યો હતો. જો જરૂર પડશે તો આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું એમ તેમણે જણાવ્યું હતું.
મુંબઈ સિટીના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ આ બેઠક બાદ કહ્યું હતું કે ‘કબૂતરખાનાં અચાનક બંધ ન કરાય એ માટે સરકાર હવે હાઈ કોર્ટમાં રજૂઆત કરશે. એ માટે જલદી જ એક કમિટી તૈયાર કરવામાં આવશે. જે કબૂતરખાનાં તાડપત્રી નાખીને બંધ કરવામાં આવ્યાં છે એમની તાડપત્રી કાઢી લેવામાં આવશે. કબૂતરોની વિષ્ટાની સફાઈ માટે તાતાએ તૈયાર કરેલાં નવાં મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. કબૂતરખાનાં શરૂ કર્યા બાદ નિયંત્રિત સ્વરૂપમાં ચણ નાખવા દેવાશે જેથી નાગરિકોને ત્રાસ થાય નહીં. મુખ્ય પ્રધાને આ બાબતે સકારાત્મક ભૂમિકા લીધી હોવાથી કબૂતરપ્રેમીઓને મોટો દિલાસો મળ્યો છે. જલદી જ હવે આ બાબતે સમાધાનકારી ઉકેલ કાઢવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે.’


