Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કચ્છના મોમાઈમોરા ગામની ૧૨૫ દીકરીઓનું યોજાયું પહેલું સ્નેહમિલન

કચ્છના મોમાઈમોરા ગામની ૧૨૫ દીકરીઓનું યોજાયું પહેલું સ્નેહમિલન

Published : 18 November, 2026 10:06 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ચાલ સહિયર મહિયર કાર્યક્રમમાં દીકરીઓએ લગ્નોત્સવ થીમ પર ગેમ્સ રમીને આનંદ માણ્યો, રિટર્ન ગિફ્ટમાં મળી મોમાઈ માતાજીની પ્રતિમા

કચ્છના મોમાઈમોરા ગામની ૧૨૫ દીકરીઓનું યોજાયું પહેલું સ્નેહમિલન

કચ્છના મોમાઈમોરા ગામની ૧૨૫ દીકરીઓનું યોજાયું પહેલું સ્નેહમિલન


મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં સ્થાયી થયેલી મોમાઈમોરા ગામની કચ્છી કડવા પટેલ સમાજની દીકરીઓને શોધીને એક છત નીચે લાવવામાં લગભગ ૪ મહિનાનો સમય લાગ્યો હતો.

સામાન્ય રીતે દિવાળીમાં જ્ઞાતિ-સમાજનાં ગેટ-ટુગેધર દર વર્ષે થતાં જ હોય છે, પણ કચ્છના મોમાઈમોરા ગામની મુંબઈમાં વસતી કચ્છી કડવા પટેલ સમાજની પરિણીત દીકરીઓએ એક અનોખું સ્નેહમિલન યોજીને નવો ચીલો ચાતર્યો છે. દીકરીઓ દ્વારા અને દીકરીઓ માટે જ યોજાયેલા આ પ્રથમ કાર્યક્રમને ‘ચાલ સહિયર મહિયર’ નામ આપવામાં આવ્યું હતું જે ખરેખર સાર્થક થયું, કારણ કે બાળપણની ઘણી સખીઓ લગ્ન પછી વર્ષો બાદ એક જ મંચ પર ભેગી થઈ હતી.




કાર્યક્રમની રૂપરેખા વિશે પુષ્પા પોકાર ‘મિડ-ડે’ને કહે છે, ‘કચ્છના કડવા પટેલ સમાજનાં બધાં જ ગામોનાં સ્નેહસંમેલનો વર્ષમાં એક વાર યોજાતાં જ હોય છે જેમાં આખો પરિવાર ભાગ લે છે, પરંતુ આજ સુધી માત્ર દીકરીઓ માટે કોઈ કાર્યક્રમ થયો નહોતો. મૂળ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા મોમાઈમોરા ગામની દીકરીઓ લગ્ન પછી મુંબઈના વિરાર, વસઈ, ડોમ્બિવલી, બોરીવલી, મુલુંડ, ઘાટકોપર, બદલાપુર જેવા જુદા-જુદા વિસ્તારોમાં સ્થાયી છે. ઘણી વાર લગ્નપ્રસંગોમાં કે સામાજિક મેળાવડામાં બહેનો એકમેકને મળે ત્યારે પૂછતી હોય છે, તમે કયા ગામનાં? ઓહો, તું પણ મોમાઈમોરાની છે? એક જ ગામની છે જાણીને તેમનો ચહેરો ખીલી ઊઠે. મને, પીનલ જબુઆની અને મોનલ છાભૈયાને વિચાર આવ્યો કે એક જ ગામની હોવા છતાં ઘણી દીકરીઓને ખબર જ નથી કે તેમનાં મૂળિયાં એકમેક સાથે જોડાયેલાં છે; ચાલો, આ બધી દીકરીઓને એક તાંતણે બાંધવા કંઈક કરીએ. લગભગ ચાર મહિના પહેલાં અમે વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું અને લિંક વાઇરલ કરીને મુંબઈમાં વસતી ગામની અન્ય દીકરીઓની શોધખોળ શરૂ કરી. ઘણી જહેમત બાદ ૧૫૦થી વધુ દીકરીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. એ પછી ગેટ-ટુગેધર રાખવાનું નક્કી થયું. ૩૧ ઑક્ટોબરે ઘાટકોપરના શુભમ બૅન્ક્વેટ હોલમાં ૧૨૫થી વધુ દીકરીઓએ ‘ચાલ સહિયર મહિયર’ કાર્યક્રમમાં ભેગા થઈને જબરદસ્ત આનંદ કર્યો હતો. ઘણી દીકરીઓને કાર્યક્રમના દિવસે ખબર પડી કે આ તો મારા ગામની. કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક દીકરીના ચહેરા પર આ સ્લોગન સાર્થક થતું દેખાતું હતું. કચ્છના કડવા પટેલ સમાજમાં માત્ર દીકરીઓ માટેનો આવો અનોખો કાર્યક્રમ પહેલી વાર યોજાયો હતો.’


ગેમ્સ રમી રહેલી મોમાઈમોરા ગામની દીકરીઓ.

જોરદાર જલસો

આ ધમાકેદાર કાર્યક્રમની હાઇલાઇટ હતી લગ્નોત્સવ થીમની ગેમ્સ અને ડિબેટ. મનોરંજન અને ગેમ્સના રાઉન્ડ્સ માટે ૧૫-૧૫ દીકરીઓનાં અલગ-અલગ ગ્રુપ બનાવવામાં આવ્યાં હતાં. પુષ્પાબહેન કહે છે, ‘લગ્નોત્સવની થીમ-ગેમ્સમાં દરેક ગ્રુપને કાર્ડ પેપર, કુમકુમ અને ડેકોરેશન મટીરિયલ આપીને સ્થળ પર જ લગ્નની કંકોતરી બનાવવાની રસપ્રદ સ્પર્ધા રાખવામાં આવી હતી. જે ગ્રુપે સૌથી સુંદર લખાણ સાથે કંકોતરી તૈયાર કરી એને ઇનામ આપવામાં આવ્યું હતું. મેંદી મૂકવાનો રાઉન્ડ હતો અને ગ્રુપ્સ વચ્ચે સામૈયામાં ગવાતાં પરંપરાગત ગીતો ગાવાની સ્પર્ધા પણ હતી. દીકરીઓની યાદશક્તિ અને સ્માર્ટનેસ ચકાસવા માટે પેપર પર પાંચ ફરસાણ અને પાંચ મિષ્ટાનના નામ ઝડપથી લખવાનું જણાવાયું હતું. એટલું જ નહીં, જો તમારા ઘરે લગ્ન લેવાયાં હોય તો સૌથી પહેલું બુકિંગ શેનું કરશો? જેવા રસપ્રદ સવાલોથી વાતાવરણ હળવુંફૂલ થઈ ગયું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દીકરીઓ વચ્ચે યોજાયેલી મજેદાર ડિબેટ હતી. ‘લવ-મૅરેજ સારાં કે અરેન્જ્ડ મૅરેજ?’, ‘લગ્ન વખતે ગોલ્ડમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરશો કે હનીમૂન પર જવા માટે ખર્ચ કરશો?’ જેવા આજના જમાનાના પ્રશ્નો પર દીકરીઓએ પોતાના વિચારો રમૂજી અને તાર્કિક શૈલીમાં રજૂ કર્યા હતા. ૭૫ વર્ષની દીકરીથી લઈને નવી પરણેલી દીકરીઓ સુધી દરેકે ઉત્સાહભેર ભાગ લીધો હતો. જનરેશન વચ્ચેના સંવાદથી આખા હૉલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.’

રિટર્ન ગિફ્ટ પણ યુનિક

આ સ્નેહમિલનનો હેતુ મોજ-મસ્તી ઉપરાંત દીકરીઓને આત્મનિર્ભરતાનો સંદેશ આપવાનો હતો. તેમણે નક્કી કર્યું હતું કે આ કાર્યક્રમ માટે સમાજના અગ્રણીઓ કે કોઈ સ્પૉન્સર્સની મદદ લેવી નથી, સૌએ ભેગા મળીને સ્વખર્ચે આનંદ ઉઠાવવો. રિટર્ન ગિફ્ટ પણ મહિયરથી મળી હોય એવી યાદગાર હોવી જોઈએ. આયોજક દીકરીઓએ જણાવ્યું હતું, ‘અમારા ગામ પર મોમાઈ માતાજીની અપાર કૃપા રહી છે. વર્ષ ૨૦૦૧ના ભયાનક ધરતીકંપમાં પણ ગામના એકેય ઘરનું નળિયું સુધ્ધાં નહોતું ખસ્યું. આવી પાવન ભૂમિની દીકરીઓને પિયરનાં સંભારણાં તરીકે રિટર્ન ગિફ્ટમાં હૃદયસ્પર્શી લખાણ સાથે મોમાઈ માતાજીની સુંદર પ્રતિમા આપવામાં આવી હતી. આ સ્નેહમિલન એટલું સુપરહિટ રહ્યું કે દિવસ ઓછો પડ્યો હતો. વર્ષો પછી મહિયરની સહિયરોને મળવાનો આનંદ એટલો અદકેરો હતો કે હજી દીકરીઓ ધરાઈ નથી. પહેલા જ કાર્યક્રમની સફળતાથી પ્રેરાઈને હવે આગામી સમયમાં ગામની યાદોને વધુ વાગોળવા માટે એક રાત ફાર્મહાઉસમાં સાથે વિતાવવાનું આયોજન કરી રહ્યાં છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 10:06 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK