મથીશા પથિરાના, ટ્રૅવિસ હેડ અને મિચલ સ્ટાર્ક સહિતના કરોડોની કિંમત ધરાવતા પ્લેયર્સને IPL ટીમોએ રિલીઝ કર્યા.
IPL ટ્રૉફી
IPL 2027 પહેલાં ગઈ કાલે ૧૦ ટીમોએ પોતાના રીટેન અને રિલીઝ કરેલા પ્લેયર્સનું લિસ્ટ જાહેર કર્યું હતું. ૧૦ ટીમોએ પોતાના કરોડોની કિંમત ધરાવતા કેટલાક સ્ટાર પ્લેયર્સને રિલીઝ કરી દીધા છે. મુંબઈ ઇન્ડિયન્સે ૧૩ પ્લેયર્સ, કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૨ પ્લેયર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે ૧૧ પ્લેયર્સ રિલીઝ કર્યા છે. દિલ્હીમાંથી ૧૦ પ્લેયર્સ, હૈદરાબાદમાંથી ૯ પ્લેયર્સ, રાજસ્થાનમાંથી ૮ પ્લેયર્સ, લખનઉમાંથી ૭ પ્લેયર્સ, બૅન્ગલોર અને પંજાબમાંથી ૬-૬ પ્લેયર્સ અને ગુજરાતમાંથી પાંચ પ્લેયર્સને રિલીઝ કરવામાં આવ્યા છે.
મુંબઈ ઇન્ડિયન્સે ૧૨.૫ કરોડના ટ્રેન્ટ બોલ્ટ અને ૯.૨૫ કરોડના દીપક ચાહરને રિલીઝ કર્યા છે. કલકત્તાની ટીમે શ્રીલંકાના ૧૮ કરોડ રૂપિયાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના સહિત આકાશ દીપ, ઉસ્માન મલિક, નવદીપ સૈની, મુસ્તફિઝુર રહમાન, રચિન રવીન્દ્રને જતા કર્યા છે. ચેન્નઈમાંથી ૧૪.૨૦ કરોડની કિંમતનો પ્રશાંત વીર સહિત મૅટ હૅન્રી, મૅથ્યુ શૉટ બહાર થયા છે.
ADVERTISEMENT
સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી ૧૪ કરોડનો બૅટર ટ્રેવિસ હેડ અને દિલ્હી કૅપિટલ્સમાંથી ૧૧.૨૫ કરોડનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક બહાર થયો છે. ઑસ્ટ્રેલિયાના કેટલાક પ્લેયર્સ આવતા વર્ષના વ્યસ્ત શેડ્યુલને કારણે ટુર્નામેન્ટની આગામી સીઝનમાંથી પોતે જ બહાર થઈ રહ્યા છે.
રાજસ્થાન રૉયલ્સે ૧૧ કરોડના ઑલરાઉન્ડર શિમરન હેટમાયર અને ૬.૫ કરોડના ઑલરાઉન્ડર તુષાર દેશપાંડેને બહાર કર્યા છે. લખનઉએ ૯.૭૫ કરોડના ફાસ્ટ બોલર આવેશ ખાન સાથે વિદેશી સ્ટાર ઍન્રિક નૉર્ખિયા અને વાનિન્દુ હસરંગાને રિલીઝ કર્યા છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોરે મોટા પ્લેયર્સમાંથી ઇંગ્લૅન્ડના યંગ બૅટર ૨.૬ કરોડના જેકબ બેથલને રિલીઝ કર્યો છે.
ગુજરાતમાંથી ઈશાંત શર્મા, શાહરુખ ખાન અને પંજાબમાંથી નેહલ વઢેરા, લૉકી ફર્ગ્યુસન જેવાં મોટાં નામોને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. દિલ્હીએ અભિષેક પોરેલ, નીતીશ રાણા, કરુણ નાયરને બહાર કર્યા છે.
