Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ભારતીય મેન્સ ટીમ છેક ૧૭ વર્ષ પહેલાં ટેસ્ટ-સિરીઝ અને મૅચ જીતી હતી

ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ભારતીય મેન્સ ટીમ છેક ૧૭ વર્ષ પહેલાં ટેસ્ટ-સિરીઝ અને મૅચ જીતી હતી

Published : 18 November, 2026 08:09 AM | Modified : 18 November, 2026 08:23 AM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ભારત માત્ર ૧૯૬૮ અને ૨૦૦૯માં ટેસ્ટ-સિરીઝ જીતી શક્યું છે, છેલ્લી ૬ મૅચમાંથી ૪ સિરીઝમાં કિવી ટીમ વિજેતા રહી છે.

ગપસપ કરતા જોવા મળ્યા મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ, ફીલ્ડિંગ પ્રૅક્ટિસ કરતો વિકેટકીપર-બૅટર રિષભ પંત

ગપસપ કરતા જોવા મળ્યા મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ, ફીલ્ડિંગ પ્રૅક્ટિસ કરતો વિકેટકીપર-બૅટર રિષભ પંત


ન્યુ ઝીલૅન્ડમાં T20 અને વન-ડે સિરીઝ જીત્યા પછી આવતી કાલથી ભારતીય ટીમ ટેસ્ટ-મૅચ જીતવાના ઇરાદા સાથે ઊતરશે. ૧૯ નવેમ્બરથી વેલિંગ્ટન અને ૨૭ નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય સમય અનુસાર સવારે ૩.૩૦ વાગ્યાથી રમત શરૂ થશે. બન્ને વચ્ચે છેલ્લે નવેમ્બર ૨૦૨૪માં સિરીઝ રમાઈ હતી જેમાં ન્યુ ઝીલૅન્ડે ૩-૦થી ક્લીન સ્વીપ
નોંધાવી હતી.

બન્ને ટીમો વચ્ચે બાવીસ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે. એમાંથી ભારત ૧૨ સિરીઝમાં અને ન્યુ ઝીલૅન્ડ ૭ સિરીઝમાં વિજેતા રહ્યું છે. ૧૯૬૯, ૧૯૭૫ અને ૨૦૦૩માં એક-એક એટલે ટોટલ ૩ સિરીઝ ડ્રૉ રહી છે. છેલ્લી ૬ સિરીઝમાંથી કિવી ટીમ ૪ અને ભારતીય ટીમ બે સિરીઝમાં જીત્યું છે.



ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ભારતીય ટીમ ૯ ટેસ્ટ-સિરીઝ રમી છે. એમાંથી ન્યુ ઝીલૅન્ડે ૬ સિરીઝ જીતી છે. ભારતને ૧૯૬૮ અને ૨૦૦૯ની સિરીઝમાં જ જીત મળી હતી. ૧૯૭૫ની સિરીઝ ડ્રૉ રહી હતી. ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ભારતને ૨૦૧૩ અને ૨૦૧૯ની બન્ને સિરીઝમાં એક પણ જીત વગર કારમી હાર મળી હતી. એટલે કે ન્યુ ઝીલૅન્ડમાં ભારત છેલ્લે ૧૭ વર્ષ પહેલાં ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું.


૧૯૫૫થી ૨૦૨૪ વચ્ચે બન્ને ટીમો વચ્ચે ૬૫ ટેસ્ટ-મૅચ રમાઈ છે. એમાંથી ૨૭ મૅચ ડ્રૉ રહી છે. બાવીસ મૅચમાં ભારત અને ૧૬ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ વિજેતા રહ્યું છે. આ હરીફ સામે ભારત વાનખેડે સ્ટેડિયમમાં ૨૦૨૧ના ડિસેમ્બર મહિનામાં છેલ્લી વખત ટેસ્ટ-મૅચ જીતી હતી. ન્યુ ઝીલૅન્ડની ધરતી પર હૅમિલ્ટનમાં છેલ્લે ભારતીય ટીમને માર્ચ ૨૦૦૯માં ટેસ્ટ-જીત મળી હતી. અહીં છેલ્લે ૬
ટેસ્ટ-મૅચમાંથી ન્યુ ઝીલૅન્ડ ૩ મૅચ જીત્યું છે અને ૩ મૅચ ડ્રૉ રહી છે.

WTC ફાઇનલમાં પહોંચવા અમારા માટે ન્યુ ઝીલૅન્ડ સામેની બે ટેસ્ટ-મૅચ નિર્ણાયક સાબિત થશે : શુભમન ગિલ


ન્યુ ઝીલૅન્ડ સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝ માટે ભારતીય ટેસ્ટ-ટીમના કૅપ્ટન શુભમન ગિલે કહ્યું કે `મને લાગે છે કે જો અમે આ બે ટેસ્ટ-મૅચ જીતી જઈએ તો અમારી પાસે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની ખૂબ મજબૂત તક હશે. ફાઇનલમાં ક્વૉલિફાય થવા માટે આ બે મૅચ નિર્ણાયક સાબિત થશે. તેથી જ અમે અમારા મોટા ભાગના પ્લેયર્સને વન-ડે ટીમમાંથી બહાર રાખ્યા હતા. એનાથી તેમને ટેસ્ટ-સિરીઝ માટે શ્રેષ્ઠ તૈયારી કરવાની તક મળે.`

ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ પછી ભારતીય ટીમ આવતા વર્ષે ઑસ્ટ્રેલિયા સામે ૨૧ જાન્યુઆરીથી ૩ માર્ચ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમશે.

ન્યુ ઝીલૅન્ડનો મિચલ સૅન્ટનર હાથના ફ્રૅક્ચરને કારણે ટેસ્ટ-સિરીઝમાંથી આઉટ

ભારત સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝમાંથી યજમાન ટીમનો અનુભવી સ્પિન ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર બહાર થઈ ગયો છે. ભારત સામેની પાંચમી વન-ડે મૅચ દરમ્યાન ૩૪ વર્ષના મિચલ સૅન્ટનરના જમણા હાથમાં ફ્રૅક્ચર થયું હતું. તેના સ્થાને ટૉમ લૅધમની આગેવાની હેઠળની ટેસ્ટ-ટીમમાં બૅટિંગ ઑલરાઉન્ડર ડીન ફૉક્સક્રૉફ્ટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

મિચલ સૅન્ટનર ભારત સામે ૨૦૧૬થી ૨૦૨૪ વચ્ચે ૪ ટેસ્ટ-મૅચ રમ્યો છે અને ૮ ઇનિંગ્સમાં ૨૩ વિકેટ લઈ ચૂક્યો છે. ડીન ફૉક્સક્રૉફ્ટે આ વર્ષે મે મહિનામાં આયરલૅન્ડ સામે ટેસ્ટ-ડેબ્યુ કરીને ૯૮ રન કર્યા હતા. ત્યાર પછી તે કોઈ ટેસ્ટ-મૅચ નથી રમ્યો.

વેલિંગ્ટનમાં માત્ર ૧ ટેસ્ટ-મૅચ જીતી શકી છે ભારતીય ટીમ

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડ ૭૦ ટેસ્ટ-મૅચમાંથી ૨૪ મૅચ જીત્યું છે અને બાવીસ મૅચ હાર્યું છે. ૨૪ મૅચ ડ્રૉ રહી છે. ભારતનો રેકૉર્ડ અહીં શરમજનક રહ્યો છે. ભારતીય ટીમ અહીં ૮ ટેસ્ટ-મૅચમાંથી પાંચ મૅચ હારી છે અને માત્ર ૧ મૅચ જીતી છે. બે ટેસ્ટ-મૅચ ડ્રૉ પણ રહી હતી.

ભારતને આ મેદાન પર એકમાત્ર ટેસ્ટ-જીત માર્ચ ૧૯૬૮માં મળી હતી. આ મૅચ ભારત અને ન્યુ ઝીલૅન્ડની વેલિંગ્ટનમાં પહેલી જ ટેસ્ટ-મૅચ હતી. એટલે કે છેલ્લી ૭ ટેસ્ટ-મૅચ અને ૫૮ વર્ષોથી ભારત અહીં ટેસ્ટ-મૅચ નથી જીત્યું.

આવતી કાલથી બે ટેસ્ટ મૅચની સિરીઝની દરેક દિવસની રમત વહેલી સવારે ૩.૩૦ વાગ્યે શરૂ થશે.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 08:23 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK