મુલુંડ સ્ટેશન પર ઓવરહેડ વાયર પર પડેલા અન્ય વાયરને કારણે આગ લાગી
મુલુંડ સ્ટેશનના ઓવરહેડ વાયર પર વાયરનો ટુકડો પડતાં લાગેલી આગ અને એમાંથી નીકળી રહેલો ધુમાડો.
સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇનમાં મુલુંડ સ્ટેશન પર સવારે ૧૧.૫૩ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થાણે જતી ટ્રેનની લેન પરના ઓવરહેડ વાયર પર બીજા એક વાયરનો ટુકડો પડ્યો હતો. એને કારણે સ્પાર્ક થયા પછી આગ લાગી હતી અને ધુમાડો નીકળતાં મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. અધિકારીઓને શંકા છે કે મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC) દ્વારા મુલુંડ સ્ટેશન પર પૅસેન્જર ડેકનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વાયર પડ્યો હશે. બાદમાં બપોરે ૧૨.૧૫ વાગ્યે ઓવરહેડ વાયર પરથી વાયરનો એ ટુકડો દૂર કરવામાં આવ્યો હતો. એ પછી થોડી વારમાં ઉપનગરીય સેવાઓ ફરી શરૂ થઈ હતી.
વેસ્ટર્ન રેલવેમાં વસઈ રોડ, ગોરેગામ અને દાદરમાં પૉઇન્ટ ફેલ્યર : લોકલો મોડી પડી
વેસ્ટર્ન રેલવેમાં વિવિધ સ્થળોએ અનેક પૉઇન્ટ ફેલ થવાથી (સિગ્નલમાં ખામી આવવાથી) અને અન્ય ટેક્નિકલ ખામીને કારણે ટ્રેનો મોડી પડી હતી. વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ પ્રથમ પૉઇન્ટ વસઈ રોડ પર સવારે ૪.૪૬ વાગ્યે ફેલ થયો હતો. ત્યાર બાદ દાદર અને ગોરેગામમાં અનુક્રમે સવારે ૧૦.૧૦ અને ૧૦.૨૨ વાગ્યે બે વધુ પૉઇન્ટ ફેલ નોંધાયા હતા.
દાદરમાં પૉઇન્ટ ફેલ્યરને કારણે અપ અને ડાઉન બન્ને ફાસ્ટ લાઇન પરની સર્વિસિસ પ્રભાવિત થઈ હતી, જ્યારે ગોરેગામ સ્ટેશન નજીક પૉઇન્ટ ફેલ થતાં હાર્બર લાઇન પર કામગીરી ખોરવાઈ હતી જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ને નવી મુંબઈમાં પનવેલ અને ગોરેગામ સાથે જોડે છે. વેસ્ટર્ન રેલવેની સર્વિસિસ બપોર સુધી ઓછામાં ઓછી વીસથી ૩૦ મિનિટ મોડી દોડી રહી હતી.
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેએ ભંગાર વેચીને ૨૦૨ કરોડ રૂપિયાની રેકૉર્ડબ્રેક આવક કરી: મુંબઈ ડિવિઝન ૩૬.૭૮ કરોડ રૂપિયા કમાઈને અગ્રેસર
સેન્ટ્રલ રેલવેએ ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ ઑગસ્ટ સુધીમાં ૨૦૨.૫૫ કરોડ રૂપિયાની અત્યાર સુધીની સૌથી વધુ ભંગારવેચાણની આવક મેળવી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ આવકમાં ૭૬.૯૪ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ સાથે જ સેન્ટ્રલ રેલવેના ઇતિહાસમાં ભંગારના વેચાણ દ્વારા સૌથી ઝડપી ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરવાનો રેકૉર્ડ પણ સર્જાયો છે.
બિનઉપયોગી અને જૂની વસ્તુઓના યોગ્ય નિકાલ દ્વારા આવક પ્રાપ્ત થઈ છે. એમાં ૧૭,૭૫૫ ટન જૂના પાટા (રેલ સ્ક્રૅપ), ૧,૨૧,૩૮૧ રેલવે સ્લિપર્સ, ૧૧,૬૫૫ ટન લોખંડનો ભંગાર અને ૧૩૭૦ ટન લોખંડ સિવાયના ભંગારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નકામાં થયેલાં ૧૧ એન્જિન (લોકોમોટિવ્સ), ૩૩ પૅસેન્જર કોચ અને માલગાડીનાં ૩૩ વૅગનનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું.
મધ્ય રેલવેનાં વિવિધ ઑપરેશનલ ડિવિઝનોમાં મુંબઈ ડિવિઝન અગ્રેસર રહ્યું છે. એકલા મુંબઈ ડિવિઝને ૩૬.૭૮ કરોડ રૂપિયાની આવક નોંધાવી છે.
