પ્રવાસીઓને આકર્ષવા માટે વિરાર સ્ટેશનના પરિસરમાં ટાઉનશિપ ઊભી કરવાનું સૂચન જપાનથી આવેલા અધિકારીએ કર્યું અને એના માટે કમિટીની પણ રચના કરાઈ
બુલેટ ટ્રેનના પ્રવાસીઓને આકર્ષવા હવે બુલેટ ટ્રેનના વિરાર સ્ટેશનના પરિસરમાં ટાઉનશિપ ઊભી કરીને વિકસાવવાનો નિર્ણય લેવાયો છે.
મુંબઈ : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને એનું એક સ્ટેશન વિરારમાં બનાવવામાં આવી રહ્યું છે. જોકે હવે આ ટ્રેન માટે પ્રવાસીઓને કેવી રીતે લાવવા એ પ્રશ્ન ઊભો થયો છે. ફક્ત આ ટ્રેન શરૂ કરીને કોઈ ઉપયોગ નથી, પરંતુ પ્રવાસીઓને ટ્રેનમાં આવવા-જવા માટે સરળતા રહે એ જરૂરી છે. આ માટે બુલેટ ટ્રેનના વિરાર સ્ટેશન વિસ્તારને ડેવલપ કરીને ટાઉનશિપ બનાવવાનો નિર્ણય લેવાયો છે. એ માટે ચાર સભ્યોની કમિટી પણ તૈયાર કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોને જોડતી બુલેટ ટ્રેન કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે વસઈ તાલુકાનાં ૨૧ ગામ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ વિસ્તારનાં ૧૪ ગામમાંથી પસાર થશે. વસઈથી એની કુલ લંબાઈ ૨૬.૫ કિલોમીટર છે. આ બુલેટ ટ્રેન માટે રાજ્યમાં કુલ ચાર સ્ટેશન છે. એમાં બીકેસી, થાણે, વિરાર અને બોઇસરનો સમાવેશ થાય છે. વિરારમાં બુલેટ સ્ટેશન નાલાસોપારા-ઈસ્ટમાં પેલ્હારના વાલાઈપાડા ખાતે તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં, આ સ્ટેશન સુધી પહોંચવા માટે બે રસ્તા બનાવવામાં આવશે.
પહેલી બુલેટ ટ્રેન ૨૦૩૦ સુધીમાં દોડશે, પરંતુ આ ટ્રેન માટે પ્રવાસીઓ કેવી રીતે આવશે એ પ્રશ્ન ઊભો થયો છે. આ ટ્રેન માટે પ્રવાસીઓને આકર્ષવા કેવી ઉપાયયોજના કરવી એની ચર્ચા કરવા માટે જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સી (જાયકા)ના ડિરેક્ટર વાકાબાયાસીએ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. ચર્ચાનો મુખ્ય મુદ્દો ટ્રેન માટે મુસાફરોને આકર્ષવા કયાં પગલાં લેવાં એ હતો. તેમણે મહાનગરપાલિકાના નગર રચના વિભાગના વાય. એસ. રેડ્ડી સાથે મુલાકાત કરી હતી અને ચર્ચા કરવાની સાથે રેલવે સ્ટેશનના પરિસરનું નિરીક્ષણ પણ કર્યું હતું.
સ્ટેશન પરિસરમાં ટાઉનશિપ
રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વિશે વાય. એસ. રેડ્ડીએ માહિતી આપી હતી કે ‘આ ઉપરાંત વિસ્તારના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા ટાઉનશિપ તૈયાર કરવામાં આવશે. આ સ્થળે પર્યટન અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ હબ પણ વિકસાવવામાં આવશે. આ માટે વિવિધ ભાગમાંથી ચાર સભ્યોની કમિટી તૈયાર કરવામાં આવી છે.’
બે રસ્તા બનાવવાની શરૂઆત
નાલાસોપારાના વાલાઈપાડામાં બુલેટ સ્ટેશન બનાવવામાં આવશે. આ બુલેટ સ્ટેશને વહેલી તકે પહોંચવા માટે મહાનગરપાલિકાએ બે નવા રૂટ પ્રસ્તાવિત કર્યા છે. આ રસ્તાઓ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે દ્વારા વિકસાવવામાં આવશે અને એનું કામ શરૂ થઈ ગયું છે. નાલાસોપારાથી એક રસ્તો અને વિરારથી બીજો રોડ બનાવવામાં આવશે. એને કારણે નાલાસોપારાથી ૩.૪ કિલોમીટર અને વિરારથી ૫.૨ કિલોમીટરના અંતરે બુલેટ સ્ટેશન પહોંચી શકાય છે. એથી બુલેટ સ્ટેશન ૨૦થી ૨૫ મિનિટમાં પહોંચી શકાય છે.
આવી છે બુલેટ ટ્રેન
આ બુલેટ ટ્રેનનો રૂટ પાલઘર જિલ્લાનાં ૭૩ ગામમાંથી પસાર થશે. એ વસઈ-વિરારનાં ૨૧ ગામનો સમાવેશ કરે છે. એમાં વિરારનાં કોપરી, ચંદનસર, નાલાસોપારાના બિલાલપાડા, મોરે, પોમણ, મોરી, બાપાણે, સસૂનવઘર, નાગલે, સારજા મોરી, નારિંગી, જુલી બેટ જેવાં કુલ ૨૧ ગામ આવેલાં છે. મુંબઈ અને વડોદરા બે શહેર વચ્ચે કુલ ૧૭ સ્ટેશન છે અને મહારાષ્ટ્રમાંથી કુલ ચાર સ્ટૉપ છે. એમાં બીકેસી, થાણે, વિરાર અને બોઇસર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટે પાલઘર જિલ્લામાં ૭૦.૫ હેક્ટર જમીન મેળવવામાં આવી છે. ૧૦૦ ટકા જમીન મેળવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ખાનગી ક્ષેત્રની ૫૨.૭ હેક્ટર, જેમાં ૭.૪ હેક્ટર જંગલ વિસ્તાર અને ૪.૩ હેક્ટર સરકારી જમીનનો સમાવેશ થાય છે.

