SBIનાં પૂર્વ ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યની આત્મકથા ‘Indomitable’ના હિન્દી અનુવાદના વિમોચન પ્રસંગે મહિલા નેતૃત્વ, કાર્યસ્થળે લિંગભેદ, AIમાં રહેલા પૂર્વગ્રહો અને પરિવારની સહિયારી જવાબદારી જેવા મુદ્દા ચર્ચાના કેન્દ્રમાં રહ્યા
ડાબેથી જમણે: ડૉ. અદિતિ ગોવિત્રીકર, સચિન શર્મા, સુંદરરમન રામમૂર્તિ, અરુંધતી ભટ્ટાચાર્ય, સુકૃતા ભટ્ટાચાર્ય, મુકેશ અંબાણી, નવ્યા નવેલી નંદા, મોનિકા હાલન અને અવિનાશ કૌલ અરુંધતી ભટ્ટાચાર્યના પુસ્તક ‘ઇન્ડોમિટબલ’ના હિન્દી અનુવાદ ‘અપરાજિતા’ના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)નાં પૂર્વ ચેરપર્સન અને હાલમાં Salesforce Indiaનાં ચેરપર્સન અને CEO અરુંધતી ભટ્ટાચાર્યની જાણીતી આત્મકથા ‘Indomitable: A Working Woman’s Notes on Work, Life and Leadership’ના હિન્દી અનુવાદ ‘અપરાજિતા’નું મુંબઈમાં વિમોચન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના હસ્તે પુસ્તકનું વિમોચન થયું હતું. આ પ્રસંગ માત્ર એક આત્મકથાના વિમોચન પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. ભારતીય કોર્પોરેટ જગતમાં મહિલાઓનું નેતૃત્વ, કાર્યસ્થળે જોવા મળતો લિંગભેદ, નવી પેઢીની કાર્યશૈલી અને કામ કરતી માતાઓ સામેના વાસ્તવિક પડકારો જેવા મુદ્દા પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.

ADVERTISEMENT
આ પ્રસંગે જાણીતા પર્સનલ ફાઇનાન્સ નિષ્ણાત અને લેખિકા મોનિકા હાલન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અરુંધતી ભટ્ટાચાર્યની પુત્રી સુકૃતા ભટ્ટાચાર્યએ પણ સંબોધન કરતાં પોતાની માતાની સફરનું અંગત પાસું શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે જાહેર જીવનમાં એક સફળ અને દૃઢ નેતા તરીકે ઓળખાતાં અરુંધતી ભટ્ટાચાર્યને એક પુત્રીની નજરે યાદ કરતાં તેમની મહેનત, પરિવાર પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મુશ્કેલ સંજોગોમાં પણ આગળ વધ ન હારવાની ભાવના વિશે વાત કરી હતી. તેમના સંબોધને આત્મકથામાં વર્ણવાયેલી વ્યાવસાયિક સફરમાં એક આત્મીય અને પારિવારિક પરિમાણ ઉમેર્યું હતું.
વર્કિંગ મધર્સ માટે મજબૂત ઇકોસિસ્ટમ જરૂરીઃ મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘અપરાજિતા’માત્ર અરુંધતી ભટ્ટાચાર્યની વ્યક્તિગત સંઘર્ષગાથા નથી, પરંતુ સમગ્ર ભારતીય કોર્પોરેટ જગત માટે પગલાં લેવાનું આહ્વાન છે. તેમણે ભારતના ઉદ્યોગજગતને કામ કરતી મહિલાઓ, ખાસ કરીને માતાઓ; માટે વધુ સહાયક, વ્યાપક અને ટકાઉ ઇકોસિસ્ટમ ઊભું કરવા સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. આ દિશામાં અરુંધતી ભટ્ટાચાર્યના નેતૃત્વ હેઠળ નક્કર યોજના તૈયાર કરવામાં આવે એવો પ્રસ્તાવ પણ તેમણે મૂક્યો હતો. નીતા અંબાણી અને ઈશા અંબાણી પણ વર્કિંગ મધર્સ છે એ વાતનો ઉલ્લેખ કરતાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન અન્ય સંસ્થાઓ સાથે મળીને આવી પહેલને સંપૂર્ણ ટેકો આપવા તૈયાર છે.

તેમણે IQની સાથે EQ એટલે કે સંવેદનશીલતા અને સહાનુભૂતિની ક્ષમતાનું મહત્ત્વ પણ રેખાંકિત કર્યું હતું. આજના સમયમાં સંસ્થાઓને માત્ર બૌદ્ધિક ક્ષમતા ધરાવતા લોકોની નહીં, પરંતુ માનવીય પરિસ્થિતિઓને સમજી શકે અને સંવેદનશીલતાથી નિર્ણયો લઈ શકે એવા નેતાઓની વધુ જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. મહિલાઓ અનેક વાસ્તવિક પરિસ્થિતિઓને અસરકારક રીતે સંભાળવાની ક્ષમતા ધરાવે છે એમ જણાવતાં અંબાણીએ કહ્યું હતું કે દેશ હવે માત્ર ‘મહિલા વિકાસ’ની વાતથી આગળ વધીને ‘મહિલા-સંચાલિત વિકાસ’ તરફ આગળ વધી રહ્યો છે.
અરુંધતી ભટ્ટાચાર્યની સફરમાંથી મુકેશ અંબાણીએ તારવ્યા 4 બોધપાઠ
મુકેશ અંબાણીએ અરુંધતી ભટ્ટાચાર્યના જીવન અને પુસ્તકમાંથી શીખવા મળતા ચાર મહત્ત્વના પાઠ રજૂ કર્યા હતા.
પરિવાર સૌથી મોટી ભાવનાત્મક મૂડી
વ્યાવસાયિક સફળતા ગમે તેટલી મોટી હોય, પરંતુ તે પરિવાર અને અંગત સંબંધોનું સ્થાન લઈ શકતી નથી. જીવનના મુશ્કેલ સમયમાં પરિવાર જ વ્યક્તિની સૌથી મોટી ભાવનાત્મક મૂડી સાબિત થાય છે.
નિષ્ફળતા માટે બીજાને દોષ આપવાને બદલે પોતાની અંદર જોવું
નિષ્ફળતા આખરી ચુકાદો નથી, પરંતુ સુધારાની તક આપતો પ્રતિસાદ છે. મુશ્કેલી આવે ત્યારે ‘મારાથી ક્યાં ભૂલ થઈ?’, ‘હું શું બદલી શકું?’ અને ‘કેટલી ઝડપથી જરૂરી પગલાં લઈ શકું?’ જેવા પ્રશ્નો પૂછીને જવાબદારી સ્વીકારવી જોઈએ.
જીવનભર શીખતા રહેવું
ઝડપથી બદલાતા વ્યાવસાયિક અને ટેક્નોલૉજિકલ યુગમાં જૂની માન્યતાઓને છોડીને નવું શીખતા રહેવું અનિવાર્ય છે. નવી પેઢી અને નવી ટેક્નોલૉજી પાસેથી શીખવાની તૈયારી જ વ્યક્તિ અને સંસ્થાને પ્રસ્તુત રાખે છે.
સાચું નેતૃત્વ નવા નેતાઓ તૈયાર કરે છે
નેતૃત્વનો અર્થ માત્ર અનુયાયીઓની ભીડ ઊભી કરવી નથી. યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપીને તેની અંદરના નેતૃત્વને વિકસાવવું એ સાચા લીડરની ઓળખ છે.
બોર્ડરૂમથી AI સુધીઃ અરુંધતી ભટ્ટાચાર્યએ ઉઠાવ્યા મહત્ત્વના સવાલ
ચર્ચા દરમિયાન અરુંધતી ભટ્ટાચાર્યએ કોર્પોરેટ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વ અંગે અનેક મહત્ત્વના મુદ્દા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કંપનીઓના બોર્ડમાં માત્ર નિયમપાલન પૂરતી મહિલાઓની હાજરી પૂરતી નથી. મહિલાઓને બોર્ડરૂમમાં સ્થાન મળે એટલું જ નહીં, તેમના અભિપ્રાયને સાંભળવામાં આવે અને નિર્ણય પ્રક્રિયામાં તેમની અસરકારક ભાગીદારી રહે એ પણ જરૂરી છે. સામાન્ય પ્રક્રિયાઓથી સમાન પ્રતિનિધિત્વ ન મળે તો નીતિગત સ્તરે affirmative action જેવી વિશેષ જોગવાઈઓ અંગે વિચારવું જોઈએ એમ પણ તેમણે સૂચવ્યું હતું.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રહેલા સંભવિત પૂર્વગ્રહ વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. AI મોડેલો ઉપલબ્ધ ડિજિટલ ડેટા પરથી તાલીમ મેળવે છે. ઇતિહાસમાં મહિલાઓની વ્યાવસાયિક સિદ્ધિઓ અને યોગદાનનું પૂરતું ડિજિટલ દસ્તાવેજીકરણ થયું નથી. પરિણામે AI સિસ્ટમોમાં પણ જૂના સામાજિક અને લિંગ આધારિત પૂર્વગ્રહો પ્રતિબિંબિત થવાનો ખતરો રહે છે. સામાજિક માનસિકતામાં પાયાના પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે મહિલાને અલગથી ‘વુમન લીડર’ કહેવાને બદલે માત્ર ‘લીડર’ તરીકે જોવાની ટેવ વિકસાવવી જોઈએ.આ પરિવર્તનની શરૂઆત ઘરથી થવી જોઈએ. દીકરાઓ પોતાના પિતાને ઘરકામ અને પરિવારની જવાબદારીઓમાં સમાન રીતે ભાગ લેતા જુએ, ત્યારે જ આગામી પેઢી માટે સમાનતા સ્વાભાવિક જીવનમૂલ્ય બની શકે છે.
વ્યક્તિગત સંઘર્ષની સાથે સિસ્ટમ પણ બદલવી પડશે
અરુંધતી ભટ્ટાચાર્યની સફર સામાન્ય પરિવારમાંથી દેશની સૌથી મોટી બેન્કના સર્વોચ્ચ પદ સુધી પહોંચેલા અસાધારણ મનોબળ અને પરિશ્રમની ગાથા છે. જોકે, આ સફર એક વધુ મહત્ત્વનો પ્રશ્ન પણ ઊભો કરે છેઃ શું દરેક મહિલાએ આગળ વધવા માટે ‘સુપરવુમન’ બનીને વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના દરેક મોરચે એકલા લડવું પડે? દરેક સ્ત્રીને સમાન પારિવારિક પીઠબળ, આર્થિક સુરક્ષા કે અનુકૂળ સંજોગો મળતા નથી. તેથી મહિલાઓ પાસેથી વધુ સહનશક્તિ અને ત્યાગની અપેક્ષા રાખવા કરતાં કંપનીઓએ પોતાની નીતિઓ, કાર્યપદ્ધતિ અને નેતૃત્વના માળખાને વધુ સુગમ અને માનવીય બનાવવા પડશે. આ ચર્ચા Gen Zની કાર્યશૈલીના સંદર્ભમાં પણ પ્રસ્તુત બને છે. નવી પેઢી સફળતા માટે માનસિક સ્વાસ્થ્ય અને અંગત જીવનનું બલિદાન આપવાની પરંપરાગત માન્યતાને સ્વીકારવા તૈયાર નથી. તેમની દૃષ્ટિએ મહેનત અને પ્રતિબદ્ધતા જરૂરી છે, પરંતુ સતત થાક, તણાવ અને અસંતુલનને સફળતાની અનિવાર્ય કિંમત ગણવી યોગ્ય નથી. ‘અપરાજિતા’એક મહિલાની અદમ્ય કારકિર્દીની પ્રેરણાદાયી કહાની હોવાની સાથે ભારતીય કોર્પોરેટ જગતને આત્મમંથન માટે મજબૂર કરતું પુસ્તક પણ છે. મહિલાઓની સહનશક્તિની સતત કસોટી કરવાને બદલે તેમને આગળ વધવા માટે સમાન, સમાવેશી અને વ્યવહારુ વ્યવસ્થા ઊભી કરવી, આ જ આ કાર્યક્રમનો સૌથી મહત્ત્વનો સંદેશ છે.
