ઠંડીમાં નાકમાંથી પાણી આવવું, પેટમાં અવાજ થવો જેવી બાબતોને આપણે અસ્વસ્થતા માનીએ છીએ. જોકે શરીરમાં થતા આવા કેટલાક સામાન્ય ફેરફારો એની કુદરતી પ્રક્રિયાનો ભાગ હોય છે. જાણો એવા ૧૦ અજીબ પણ સકારાત્મક સંકેતો જે તમારા શરીરની તંદુરસ્ત કામગીરી દર્શાવે છે
સ્વસ્થ શરીરના ૧૦ અજીબ સંકેતો
મોટા ભાગના લોકો એવું માને છે કે સ્વસ્થ હોવાનો અર્થ એ છે કે શરીરમાં ક્યારેય કોઈ ફેરફાર કે અસહજતા ન થાય. સામાન્ય રીતે ઠંડીમાં નાકમાંથી પાણી પડવું કે પેટમાં ગુડગુડ અવાજ થવાને લોકો અસ્વસ્થતા માની લે છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શરીરનાં કેટલાંક એવાં અજીબ લક્ષણો છે જે સામાન્ય રીતે ચિંતાજનક લાગે છે, પણ વાસ્તવમાં એ દર્શાવે છે કે તમારું શરીર એકદમ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. આને લઈને સોશ્યલ મીડિયા પર ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. સૌરભ સેઠીએ નીરોગી હોવાના આવા ૧૦ રસપ્રદ સંકેતો આપ્યા છે જે નીચે મુજબ છે:
ઠંડીમાં નાક વહેવું
ADVERTISEMENT
ઠંડી હવા અને તાપમાનમાં અચાનક થતા ફેરફારને કારણે ઘણી વાર નાકમાંથી પાણી આવવા લાગે છે. આ કોઈ બીમારી નથી પરંતુ તમારાં ફેફસાંને ઠંડી અને સૂકી હવાથી બચાવવા માટે શરીર દ્વારા કરવામાં આવતી એક કુદરતી પ્રતિક્રિયા છે.
કાનમાં મેલ બનવો
કાનમાં જમા થતો મેલ વાસ્તવમાં કચરો કે ગંદકી નથી. આ કુદરતી મીણ કાનની અંદરની નળીને સૂકી રાખવામાં અને બૅક્ટેરિયા કે ઇન્ફેક્શનથી બચાવવામાં ખૂબ મદદરૂપ સાબિત
થાય છે.
કસરત કરતી વખતે પરસેવો વળવો
પરસેવો એ શરીરનું કુદરતી કૂલિંગ મેકૅનિઝમ છે. તમે જ્યારે વર્કઆઉટ કરો છો અથવા ગરમી લાગે છે ત્યારે પરસેવા દ્વારા શરીર પોતાનું તાપમાન નિયંત્રિત રાખે છે.
સોડા કે કાર્બોનેટેડ ડ્રિન્ક પીધા પછી ઓડકાર આવવો
સોડા કે ગૅસવાળાં પીણાં પીવાથી પાચનતંત્રમાં વધારાનો ગૅસ જાય છે. શરીર માટે આ વધારાના ગૅસને બહાર કાઢવાનો ઓડકાર એ સૌથી સામાન્ય અને કુદરતી રસ્તો છે.
બ્રશ કરતી વખતે પેઢાંમાંથી લોહી ન નીકળવું
સ્વસ્થ પેઢાંમાંથી સામાન્ય રીતે લોહી નીકળતું નથી. જો બ્રશ કરતી વખતે પેઢાંમાંથી લોહી ન નીકળતું હોય તો એનો અર્થ એ છે કે તમારા દાંત અને પેઢાં સંપૂર્ણ સ્વસ્થ છે.
પેટમાં અવાજ કે ગડગડાટ થવો
પેટમાંથી આવતા અવાજો હંમેશાં ચિંતાનો વિષય નથી હોતા. જ્યારે તમારું આંતરડું ખોરાક, પ્રવાહી અને ગૅસને પાચનમાર્ગમાંથી આગળ ધકેલે છે ત્યારે આવા સામાન્ય અવાજો ઉત્પન્ન થાય છે.
પેટ નિયમિત સાફ થવું
દરેક વ્યક્તિની આંતરડાંની પ્રવૃત્તિ અલગ હોઈ શકે છે. દિવસમાં ૩ વખતથી લઈને અઠવાડિયામાં ૩ વખત સરળતાથી અને કોઈ તકલીફ વગર પેટ સાફ થવું એ સામાન્ય અને સ્વસ્થ પાચનતંત્રની નિશાની છે.
ચપટી ભર્યા પછી ત્વચા તરત મૂળ સ્થિતિમાં આવી જવી
જો ત્વચાને હળવેથી ખેંચીને છોડતાં એ તરત જ પાછી મૂળ સ્થિતિમાં આવી જાય તો એ ત્વચાની સારી ઇલૅસ્ટિસિટી દર્શાવે છે. આ શરીરમાં પાણીનું પ્રમાણ યોગ્ય હોવાનો પણ એક સંકેત છે.
પેશાબનો રંગ આછો પીળો હોવો
આછા પીળા રંગનો પેશાબ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી છે. ઘેરો પીળો રંગ શરીરમાં પાણીની કમી દર્શાવે છે.
દરરોજ ગૅસ પાસ થવો
સાંભળવામાં કદાચ અજીબ લાગે પણ પેટમાંથી ગૅસ છૂટવો એ સારા પાચન-સ્વાસ્થ્યનો પુરાવો છે. પેટમાં રહેલા ગુડ બૅક્ટેરિયા જ્યારે ખોરાકને પચાવે છે ત્યારે કુદરતી રીતે ગૅસ બને છે અને એ બહાર નીકળવો પાચનક્રિયાનો એક સામાન્ય ભાગ છે.
