અક્ષરા નામની સામાજિક સંસ્થાનું ગઠન કરીને કાયદાકીય દૃષ્ટિએ અને સામાજિક દૃષ્ટિએ રિફૉર્મ લાવવાના તેમના પ્રયાસો તમને દંગ કરી દેશે
અક્ષરા સેન્ટર દ્વારા અર્બન યૂથ જેન્ડર ઇક્વાલિટી પર તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ ‘બિગ સ્મૉલ સ્ટેપ્સ’ સાથે નંદિતા ગાંધી, નંદિતા શાહ અને રાહુલ બોઝ.
ચોપાટીમાં રહેતાં નંદિતા ગાંધી અને માટુંગામાં રહેતાં નંદિતા શાહ અનાયાસ મહિલાઓના એક પ્રોટેસ્ટમાં ભેગાં થઈ ગયાં અને પછી સાથે મળીને તેમણે એકથી એક ચડિયાતા પ્રોજેક્ટ પર કામ કર્યું છે. અક્ષરા નામની સામાજિક સંસ્થાનું ગઠન કરીને કાયદાકીય દૃષ્ટિએ અને સામાજિક દૃષ્ટિએ રિફૉર્મ લાવવાના તેમના પ્રયાસો તમને દંગ કરી દેશે
માટુંગામાં પ્યૉર ગુજરાતી માહોલમાં ઊછરેલી છોકરીને જ્યારે જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં ઍડ્મિશન મળી ગયું હતું ત્યારે તેણે ઘરમાં જાહેર કર્યું કે તેને આર્ટ્સ નથી ભણવું પણ સોશ્યલ સ્ટડીમાં આગળ વધવું છે. તેને સમાજ માટે અને સમાજના નબળા વર્ગ માટે કંઈક કરવું છે. દેખીતી રીતે પરિવાર માટે શૉકિંગ હતું, કારણ કે આ પહેલાં ઘરમાં કોઈએ આ પ્રકારની ડિમાન્ડ કરી નહોતી. જોકે દીકરીની ડિમાન્ડમાં ગેરવાજબી કહેવાય એવું કંઈ જ નહોતું એટલે પેરન્ટ્સે દરેક પ્રકારનો સપોર્ટ કર્યો. આગળ જતાં તેણે નેધરલૅન્ડ્સની યુનિવર્સિટીમાં જઈને આ જ દિશામાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું. એ જ દીકરીએ આજે સમાજની અનેક દીકરીઓને દિશા દેખાડવાનું કાર્ય શરૂ કર્યાને પણ પચીસ કરતાં વધુ વર્ષો થઈ ગયાં છે. આપણે વાત કરી રહ્યા છીએ નંદિતા શાહની. એવી જ સ્ટોરી ચોપાટી પર રહેતાં નંદિતા ગાંધીની પણ છે. મજાની વાત એ છે કે બન્ને નંદિતા અનાયાસ એકબીજાના સંપર્કમાં આવી અને સહિયારા ધોરણે તેમણે સામાજિક ઉત્થાનની દિશામાં ઝંપલાવ્યું. નંદિતા શાહ આ સંદર્ભે વાતની શરૂઆત કરતાં કહે છે, ‘એક મહિલાઓને લગતી ચળવળમાં હું અને નંદિતા ગાંધી મળ્યાં હતાં. પહેલી વાર જ અમે બન્ને કોઈ એવી વ્યક્તિને મળી રહ્યાં હતાં જેનું નામ પોતાના નામથી મળતું આવતું હોય. નસીબથી અમારા બન્નેના ઇન્ટરેસ્ટ સરખા હતા. અમારી વચ્ચે આ કાર્યને લઈને ભરપૂર ચર્ચાઓ થઈ હતી. એમાં જ અમે સાથે મળીને મહિલા સશક્તિકરણ માટે દીવાદાંડી બની શકે એવું પુસ્તક લખ્યું જેને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો. ઍકેડેમિકલી એને સ્થાન મળ્યું. એ દરમ્યાન જ અમને લાગ્યું કે હવે માત્ર સરકાર પર દબાવ બનાવવાથી કે ચળવળો કરવાથી નહીં વળે કંઈ. આપણે પોતે મળીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરીએ અને એના માટે એક સેન્ટર જેવી જગ્યા હોવી જોઈએ જ્યાં લોકો આપણા સુધી પહોંચી શકે અને એમાં જ અક્ષરા સેન્ટરની શરૂઆત કરી, જેમાં પ્રારંભિક લેવલ પર એક લાઇબ્રેરી બનાવી જે આ કોવિડમાં પણ મહિલાઓ માટે ઓપન હતી. છોકરીઓ અને મહિલાઓ અહીં આવીને વાંચન કરી શકે. લગભગ સાતેક હજાર જેટલાં જેન્ડર ઇક્વાલિટી અને મહિલાઓની સ્થિતિ દર્શાવતાં પુસ્તકો છે. આ પુસ્તકોને લોકેટ કરી શકાય એ માટે અમે એક પોતાની ક્લાસિફિકેશન સિસ્ટમ ઊભી કરી છે જેને વિશ્વભરની લગભગ બીજી વીસેક લાઇબ્રેરીએ અડૉપ્ટ પણ કરી છે.’
ADVERTISEMENT

જેન્ડર ઇક્વાલિટીના અનેક કાર્યો
નંદિતા શાહ અને નંદિતા ગાંધીએ હવે તો જાણે મહિલાઓના ઉત્થાનનો અને તેમને પૂરતો સપોર્ટ આપવાનો જાણે ભેખ લીધો હતો. અનેક રૅર કહી શકાય એવા પ્રોજેક્ટ તેમણે ઉપાડ્યા. તેઓ કહે છે, ‘૧૯૯૫માં અક્ષરા સેન્ટરની સ્થાપના પછી લાઇબ્રેરી ઉપરાંત અમે દીકરીઓને બારમા પછી ભણાવવામાં અને એમાં તેમને દરેક પ્રકારની લાઇફ સ્કિપલ શીખવવાની દિશામાં કામ કર્યું. દર વર્ષે ઍવરેજ દોઢસો જેટલી દીકરીઓને અમે આગળ વધવા માટે ફાઇનૅન્શિયલ સપોર્ટથી લઈને ટ્રેઇનિંગ, પ્લેસમેન્ટ જેવો દરેક પ્રકારનો સપોર્ટ કરીએ છીએ. અમારો ટાર્ગેટ હતો યંગ છોકરાઓ અને છોકરીઓના મગજમાં જેન્ડર ઇક્વાલિટીની સમજ નાખવી, તેમને આ દિશામાં જાગૃત કરવાં અને વિચારતાં કરવાં. અમારા પ્રોગ્રામ્સ પણ અમે એ પ્રકારના ડિઝાઇન કર્યા. જેમ કે અમે મેલા જેવી ઇવેન્ટ શરૂ કરી જેમાં યુવક-યુવતીઓને ભેગાં કરીને ગેમ્સના માધ્યમથી આ નૉલેજ શૅર કરતા. દીકરીઓ ખૂબ ભણે અને પોતાની રીતે આર્થિક રીતે સધ્ધર થાય તો પોવર્ટી ચેઇન તૂટે એટલે એનાં કામ કર્યાં તો બીજી બાજું સમાજનું વલણ નહીં બદલાય ત્યાં સુધી સ્ત્રીની સુરક્ષિતતાનો પ્રશ્ન હંમેશ જ્વલંત રહેવાનો છે એટલે એ દિશામાં પણ કામ કર્યું. અમે કૉલેજોનો સંપર્ક કર્યો અને લગભગ ૪૫૦ જેટલી કૉલેજના નૅશનલ સોશ્યલ સર્વિસના વિદ્યાર્થીઓને ભેગા કરીને તેમના માટે વર્કશૉપ્સ અને વિવિધ પ્રોગ્રામ્સ આયોજિત કર્યા છે. મા-બેટી મેલા, યુવક-યુવતી મેલા જેવી ઘણી ઇવેન્ટ કરી, જેમાં છોકરાઓને માત્ર તેઓ પુરુષ હોવાને કારણે કયા ફાયદા તેમને મળી રહ્યા છે જેવા પ્રશ્નો કરીને વિચાર કરતા કર્યા; જે દિશામાં અમને અદ્ભુત પરિણામ મળ્યું છે.’

નિયમો બદલાવવામાં મોખરે
અક્ષરા અંતર્ગત કાયદાકીય લેવલ પર પણ સમાજમાં ઘણા બદલાવ આવ્યા છે. એ વિશે વાત કરતાં નંદિતાબહેન કહે છે, ‘જેન્ડરને લગતા કેટલાક કાયદા બદલાશે નહીં ત્યાં સુધી વ્યક્તિગત ધોરણે આપણે લોકોને કેટલી પણ મદદ કરીએ એનો લાભ લાંબા સમય સુધી ચાલશે નહીં એટલે અમે એ દિશામાં કામ શરૂ કર્યું. જેમ કે અમે બૉલીવુડના સેક્સિસ્ટ સૉન્ગને બદલે એ જ ગીત જેન્ડર ઇક્વાલિટીને ધ્યાનમાં રાખીને લખાય તો એ કેવાં હોય એ વિષય પર દેશભરના લોકો માટે એન્ટ્રી મગાવી. ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો. એ કૅમ્પેનને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ નામના મળી. મહિલાઓ સાથે છેડતી થાય ત્યારે તેમને ફરિયાદ કરવા માટે એક અલાયદી હેલ્પલાઇન હોવી જોઈએ એવી રજૂઆત અમે ઑથોરિટીને કરેલી, જે માન્ય થઈ અને મુંબઈ પોલીસ સાથે મળીને ૧૦૩ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી જે આજ સુધી ચાલે છે. મુંબઈમાં મહિલાઓ કેટલી સેફ છે એને લગતો પાંચ હજાર મહિલાઓ સાથે મળીને એક સર્વે અમે કરેલો. જોકે એમાં મહિલાઓએ સતત છેડતીનો ડર તેમને લાગે છે એ વાત કબૂલ કરી હતી. એમાં પણ બસના પ્રવાસ દરમ્યાન તેમની સાથે સૌથી વધુ વિનયભંગનો બનાવ બને છે એવું તેમણે સ્વીકાર્યું હતું. એટલે બેસ્ટ સાથે મળીને અમે કન્ડક્ટરના રોલને `વધારવાની દિશામાં કામ કર્યું. બસના કન્ડક્ટર અને બસના ડ્રાઇવરના ટ્રેઇનિંગ કરિક્યુલમમાં મહિલાઓની સેફ્ટીનો મુદ્દો ઉમેરાયો અને એમાં તેમના પર એ દિશામાં સક્રિય થવાની જવાબદારી સોંપવામાં આવી. માત્ર બેસ્ટ જ નહીં પણ દરેક પબ્લિક સંસ્થા સાથે મળીને મહિલાઓની સેફ્ટીની દિશામાં શું થઈ શકે એ વિષય પર અમે કામ કર્યું છે. ડોમેસ્ટિક વાયલન્સની દિશામાં બૉલીવુડના સેલિબ્રિટી અને સરકાર સાથે મળીને નોંધનીય કાર્યો પાર પાડ્યાં છે. એક આંતરરાષ્ટ્રીય સ્તરની કંપની સાથે મળીને મુંબઈનું સેફ્ટી ઑડિટ અમે કરાવ્યું હતું અને એ પછી જરૂરી બદલાવોનાં વિમેન કમિશન, સરકાર વગેરે સાથે મળીને સૂચનો અમલમાં મૂક્યાં હતાં. છેલ્લે ૨૦૧૯માં જ્યારે મુંબઈનો વીસ વર્ષનો ડેવલપમેન્ટ પ્લાન બન્યો ત્યારે એમાં આ શહેર મહિલાઓ માટે સુરિક્ષિ ત રહે એ માટે શું કરી શકાય એ મુદ્દાઓ પણ ડેવલપમેન્ટ પ્લાનમાં ઉમેરવામાં આવ્યા. દેશના ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર બન્યું જ્યારે મહિલાઓનો મુદ્દો સિટીના ડેવલપમેન્ટ પ્લાનમાં ઉમેરવામાં આવ્યો હોય.’


