Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કામવાળીની રજા એટલે ગૃહિણીઓ માટે કાળાપાણીની સજા?

કામવાળીની રજા એટલે ગૃહિણીઓ માટે કાળાપાણીની સજા?

30 May, 2023 04:33 PM IST | Mumbai
Rajul Bhanushali

વેકેશનમાં એકસાથે અનેક મોરચે લડવાનું અને પરિવારની બેવડી જવાબદારીઓ નિભાવવાની અને જો કામવાળીનો સપોર્ટ પણ નીકળી જાય ત્યારે સંજોગોને બાખૂબી નિભાવતી બહેનોની વાતો તમને ઘર સંભાળતી દરેક સ્ત્રી માટે માન જગાડશે

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


અંકિતા વાસણ માંજી રહી હતી. ઘરકામમાં મદદ માટે આવતાં બહેન મહિનાની રજા લઈને દેશમાં ગયાં હતાં અને રિપ્લેસમેન્ટ નહોતાં મૂકી ગયાં. એ પણ શું કરે, આ દિવસોમાં રિપ્લેસમેન્ટ મળવું અઘરું જ છે. તેઓ ગયાં એને પંદરેક દિવસ થવા આવ્યા હતા. હમણાં-હમણાં અંકિતા થોડી કંટાળી હતી. તેનું મન બળવો પોકારવાની અણી પર હતું. હસબન્ડને તો કાયમ વર્ક ફ્રૉમ હોમ હતું પરંતુ હમણાં વેકેશનને કારણે બાળકો પણ ઘરે હતાં. આખો દિવસ ત્રણેય મોબાઇલ લૅપટૉપ અને ટીવીમાં રચ્યાંપચ્યાં રહેતાં અને એક પછી એક ફરમાઈશ કરતાં રહેતાં. અંકિતા કોઈ નાનું-મોટું કામ ચીંધે તો મોટે ભાગે આમતેમ ટાઇમપાસ કરીને ટાળી નાખતાં. આટલું કામ ઓછું હતું તે અઠવાડિયાથી નણંદનાં બાળકો પણ મામાના ઘરે વેકેશન કરવા આવ્યાં હતાં. ઘરમાં આખો દિવસ ધમાચકડી ચાલુ રહેતી. અંકિતા ગમે એટલી વાર વ્યવસ્થિત કરે પણ ઘર જ્યારે જુઓ ત્યારે અસ્તવ્યસ્ત જ રહેતું. તેને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. કોઈ તેને જરા સરખી પણ મદદ કરતું નહોતું. તેને થયું કે સિંકમાં પડેલાં બધાં જ વાસણોને એ બારીની બહાર ફેંકી દે, બધું એમ ને એમ પડતું મૂકીને બેડરૂમ બંધ કરીને ઊંઘી જાય કે પછી થોડાક દિવસ માટે ક્યાંક ભાગી જાય; પણ એવું કશું કરવું શક્ય નહોતું.

અંકિતા જેવી અનેક ગૃહિણીઓ છે જે આવી મનોસ્થિતિમાંથી પસાર થતી હોય છે, થઈ રહી છે. કોઈને ખૂબ ગુસ્સો આવી રહ્યો છે, કોઈ કામનું અતિશય દબાણ સહન નથી કરી શકતું તો કોઈને ખૂબ સ્ટ્રેસ થઈ રહ્યું છે. શ્રી શ્રી રવિશંકર કહે છે કે કોઈ પણ લાગણી એટલા જ સમય સુધી રહેવી જોઈએ જેટલા સમય સુધી પાણી પર દોરેલી રેખા રહે છે. તમારા આ સ્ટ્રેસ, ઍન્ગર  કે બર્ડન તમને અંકુશમાં લઈ લે એ પહેલાં તેમને અંકુશમાં લઈ લેવાં જરૂરી છે.



બધું ભેગું થાય 


મીરા રોડમાં રહેતાં દૃષ્ટિ પ્રતીક શાહને પણ જ્યારે હેલ્પર રજા પર જાય ત્યારે કામનું ભારણ ખૂબ વધી જાય છે. તેઓ પોતાની વાત માંડતાં કહે છે, ‘ઉનાળો એટલે અથાણાં, અનાજ અને મહેમાનોની સીઝન. અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ. હું, મારા હસબન્ડ પ્રતીક અને અમારો અગિયાર વર્ષનો દીકરો હિત તેમ જ મારાં સાસુ-સસરા, જેઠ અને મારા ત્રાણું વર્ષનાં દાદી અમારી સાથે રહે છે. મારા જેઠે લગ્ન નથી કર્યાં. મારાં માતા-પિતા હયાત નથી એટલે મારાં દાદી મારી જોડે જ રહે છે. આમ અમારો બહોળો પરિવાર છે. દર વર્ષે એવું જ થાય કે મે મહિનો આવે અને હેલ્પર રજા લઈને દેશમાં જાય. મોટા ભાગે નણંદ પણ ઉનાળામાં જ વેકેશન કરવા માટે આવે. એક તો કેરી ગાળો એટલે રસોડાનું કામ પણ વધી જાય. મારાં સાસુ મને થોડીઘણી મદદ કરે પરંતુ સવારના તે સેવાપૂજામાં હોય અને એ ટાઇમ ટિફિનનો હોય એટલે મારે ખૂબ જ દોડધામ થઈ જાય. નણંદને પણ માંડ ઉનાળામાં રોકાવા મળે તો સાસુ દીકરી અને તેનાં બાળકો સાથે સમય પસાર કરતાં હોય. આ બધાં સાથે મારે દાદીની અને દીકરાની સંભાળ લેવાની હોય. ઉનાળામાં વળી અથાણાં, મસાલા અને અનાજ ભરવાનાં હોય. આટલા કામના ભારણ વચ્ચે આપણું ટેમ્પરેચર ૧૦૦ ડિગ્રી થઈ જતું હોય છે અને એમાંય પીરિયડ્સ આવે ત્યારે તો અત્યંત અઘરું લાગે. સાસુ હેલ્પ કરે પણ મોટે ભાગે મારા પર જ બધો ભાર આવી જતો હોય છે. આ બધું ભેગું થાય ત્યારે ખૂબ થાકી જવાય. ખૂબ ગુસ્સો પણ આવે. ગુસ્સો આવે ત્યારે આપણે બાળકને કે વડીલોને તો કંઈ કહી ન શકીએ કે ન તો અથાણા પર કે કેરીના રસ પર ગુસ્સો કાઢી શકીએ. મહેમાનની સામે પણ હસતું મોઢું રાખવું પડે.’


દૃષ્ટિ અને પ્રતીક શાહ

પાર્ટનરનો સપોર્ટ

બહુ ફ્રસ્ટ્રેટ થાઉં એટલે હસબન્ડ જ સામે દેખાય. દૃષ્ટિ કહે છે, ‘હું મારા હસબન્ડ પ્રતીકને ફોન કરીને કહું કે તું કશું બોલતો નહીં, માત્ર મને સાંભળ અને હું ફરિયાદોનો ઢગલો કરી દઉં. એ મને શાંતિથી સાંભળે. વચ્ચે-વચ્ચે હોંકારો દે, ધીરજ બંધાવે. હમણાં તું થોડોક આરામ કર, હું સાંજે આવીને હેલ્પ કરીશ એવું કહે ને મારો ગુસ્સો શાંત થઈ જાય. સવારના અમારા ઘરમાં મારા નામની બૂમો સતત પડતી હોય. આ બનાવજો, તે બનાવજો. ફલાણું આપો, ઢીંકણું આપો. ક્યારેક તો એવું થાય કે મને દસ વાગ્યા સુધી ચા પીવાનો પણ સમય ન મળે. મારા માટે એ મોટી રાહત છે કે પ્રતીક આ બધું સમજે છે. એ પણ જૉબ કરે છે, એ પણ થાકે છતાં જ્યારે એ ફોન કરીને કહે કે ચિંતા ન કરતી, હું આવીને હેલ્પ કરીશ કે પછી જમતી વખતે જ્યારે હું ચમચી જેવી કોઈ વસ્તુ લેવાનું ભૂલી ગઈ હોઉં ને એ કહે કે ઊભી રહે, હું લઈ આવું છું ત્યારે મારો આખા દિવસનો થાક ઊતરી જાય. એ મને સમજે છે, મારી કદર કરે છે એ જ મારા માટે બહુ મોટી વાત છે અને હું એટલે જ ગમે એટલા આકરા કામના ભારણને પહોંચી વળું છું.’

આ પણ વાંચો : ફૅશન-ફોટોગ્રાફરમાંથી આ ગુજ્જુ ગર્લ બેબી-મૅટરનિટી ફોટોગ્રાફર કેવી રીતે બની?

રસ્તો શોધવો જ પડે!

માથા પર જ્યારે ગુસ્સો કે સ્ટ્રેસ સવાર થઈ જાય પછી બધું જ અ-સુંદર લાવવા માંડે છે અને જ્યારે બધું જ અ-સુંદર લાગવા માંડે ત્યારે એમાંથી આપણે પોતે પણ બાકાત નથી રહી શકતા. ઘાટકોપરમાં રહેતાં વર્ષા કટારિયા આ બાબતે પોતાની વાત મૂકતાં કહે છે, ‘સિચુએશન જે પણ હોય, જેવી પણ હોય, બધું હૅન્ડલ થઈ જાય છે. હૅન્ડલ કરવું પડે છે. તો પછી ગુસ્સે થયા વગર, સ્ટ્રેસ લીધા વગર  એને વ્યવસ્થિત રીતે પ્લાન કરીને કેમ ન કરવું! અમારા ઘરમાં અમે પાંચ જણ છીએ હું, મારા હસબન્ડ, બે દીકરા અને સાસુ. આમ તો મારાં સાસુ મને ઘણી મદદ કરાવે પણ મોટે ભાગે રસોડાનો ભાર મારા પર હોય. એમાંય જ્યારે હેલ્પર ન આવે તો અઘરું તો પડે જ. પરંતુ એ લોકો પણ શું કરે, એમનાં બાળકોને પણ ઉનાળામાં જ વેકેશન હોય અને એ ત્યારે જ દેશમાં જઈ શકતાં હોય એટલે હું એમને રાજીખુશીથી ચાલુ પગારે રજા આપું છું. ઘરની દીકરીઓ અને દેશમાંથી આવતા મહેમાન પણ મોટે ભાગે ઉનાળામાં જ રોકાવા આવે. ઘણાબધા લોકો ભેગા થઈએ એટલે મેળાવડો જામે. ઘણી વાર એવું થાય કે મોડી રાત સુધી મસ્તી ચાલતી હોય ને સવારના વહેલા ઊઠવાનું હોય એટલે પૂરતી ઊંઘ ન મળે ત્યારે ફ્રસ્ટ્રેટ થઈ જવાય પણ બીજી તરફ બહેનપણી જેવી નણંદ આવી હોય એટલે મજા પણ આવતી હોય. કોઈ દિવસ બહુ જ થાકી ગયા હોઈએ તો મારા હસબન્ડ અમને બધાને બહાર જમવા લઈ જાય કે ચાલો આજે રસોડામાં તમને છુટ્ટી. બાળકો ફરી પણ આવે અને અમને પણ મજા આવી જાય. ઍક્ચ્યુઅલી હેલ્પર રજા પર ગઈ હોય કે ન ગઈ હોય, પણ મહેમાન આવવાના હોય તો હું થોડીક આગોતરી તૈયારીઓ કરી રાખું છું. જેમ કે ડબ્બો ભરીને લસણ ફોલીને ફ્રિજમાં મૂકી દઉં. ગ્રોસરી ભરી લઉં જેથી છેલ્લી ઘડીએ કશું લેવા દોડવું ન પડે. અમુક શાક પણ સાફ કરીને સ્ટોર કરી લઉં. ચટણીઓ, તીખી પૂરી કે ચેવડા જેવા સૂકા નાસ્તા બનાવી લઉં. આવી નાનીમોટી તૈયારી કરેલી હોય તો પ્રમાણમાં ઘણું સરળ પડી જાય છે. જરૂર પડે બાળકોને પણ હું નાનાંમોટાં કામ ચીંધું  અને તેઓ હોંશે-હોંશે કરે પણ ખરાં. જમતી વખતે બધો જ સમાન ડાઇનિંગ ટેબલ પર લઈ જવો અને જમ્યા પછી બધું જ પાછું રસોડામાં પહોંચાડવું, પાણીની બૉટલો ભરવી, કોઈ વસ્તુ કદાચ ખૂટે તો દોડીને લઈ આવવી. હા, જ્યારે હેલ્પર નથી હોતી ત્યારે હેક્ટિક તો ઘણું જ થઈ જાય છે પરંતુ મૅનેજ કરતાં શીખી જઈએ તો બહુ વાંધો આવતો નથી.’

સિચુએશન જે પણ હોય, જેવી પણ હોય, બધું હૅન્ડલ થઈ જાય છે. હૅન્ડલ કરવું જ પડે છે. તો પછી ગુસ્સે થયા વગર, સ્ટ્રેસ લીધા વગર  એને વ્યવસ્થિત રીતે પ્લાન કરીને કેમ ન કરવું? - વર્ષા કટારિયા

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2023 04:33 PM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK