ટેરેસ પરથી ગઈ કાલે સાંજે ૭ વાગ્યે પડી ગયેલા બાવીસ વર્ષના ધ્રુવિલ વોરાનું મૃત્યુ થયું હતું
પ્રતીકાત્મક તસવીર
મલાડ-વેસ્ટની મામલતદારવાડી નંબર બેમાં મહાવીર ક્લિનિકની નજીક આવેલા વાસુદેવબિલ્ડિંગની ટેરેસ પરથી ગઈ કાલે સાંજે ૭ વાગ્યે પડી ગયેલા બાવીસ વર્ષના ધ્રુવિલ વોરાનું મૃત્યુ થયું હતું. ધ્રુવિલે આત્મહત્યા કરી છે કે તે પડી ગયો હતો એની તપાસ પોલીસ આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને કરી રહી છે.
ધ્રુવિલ વિલે પાર્લેની એસ. પી. જૈન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ ઍન્ડ રિસર્ચમાંથી માસ્ટર્સ ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA) કરતો હતો. છેલ્લા એક મહિનાથી તે હૉસ્ટેલમાં રહેતો હતો અને ગઈ કાલે જ ઘરે આવ્યો હતો. એવું કહેવાય છે કે બહેન અને મમ્મી સાથે વાતચીત કર્યા બાદ તેણે પપ્પા જયેશ વોરાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા, પણ તેઓ ભાઈંદરથી આવે એ પહેલાં જ ધ્રુવિલનું મૃત્યુ થયું હતું. ઘરેથી તે સ્કૂટર રિપેર કરાવવાના બહાને નીકળ્યો હતો.
ADVERTISEMENT
તેના મૃત્યના સમાચાર સાંભળીને આડોશપાડોશમાં રહેતા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. જોકે ગઈ કાલે રાતે બિલ્ડિંગની નીચે ભેગા થયેલા લોકોમાં એવી ચર્ચા થતી હતી કે ભણવાને લઈને તે થોડો પ્રેશરમાં હતો. આ બાબતે મલાડ પોલીસ-સ્ટેશનના ડ્યુટી ઑફિસરે કહ્યું હતું કે અત્યારે અમે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને કેસની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે આ બાબતે કંઈ પણ કહેવું મુશ્કેલીભર્યું છે.