વિદ્યાવિહારના દેવમ ફુરિયાને બ્લડપ્રેશર કે ડાયાબિટીઝ જેવી કોઈ સમસ્યા નહોતી
દેવમ ફુરિયા
વિદ્યાવિહાર-વેસ્ટના કિરોલ વિલેજમાં રહેતા ૨૯ વર્ષના દેવમ ફુરિયાનું ગઈ કાલે સવારે અચાનક કાર્ડિઍક અરેસ્ટથી અવસાન થવાથી ફુરિયા અને નિસર પરિવારમાં પર્યુષણ પર્વના દિવસોમાં ગમગીની છવાઈ ગઈ હતી. મહેન્દ્ર ફુરિયાનો દેવમ એકનો એક પુત્ર હતો.
દેવમ ફુરિયા છેલ્લાં ૯ વર્ષથી ઇવેન્ટ-મૅનેજમેન્ટના વ્યવસાયમાં હતો. ૪ વર્ષ પહેલાં જ તેનાં પ્રિયંકા સાથે લગ્ન થયાં હતાં અને તેમને અઢી વર્ષનો દિવ્યાંક નામનો પુત્ર છે. ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે દેવમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો.
ADVERTISEMENT
આ બાબતની માહિતી આપતાં દેવમના મામાના દીકરા રાહુલ નિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેવમ ફિટ ઍન્ડ ફાઇન તેમ જ મળતાવડો અને હસમુખો હતો. તેની ક્યારેય બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ જેવા રોગની પણ ફરિયાદ નહોતી. જોકે ગઈ કાલે સવારે તેને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. અમે તેને તરત જ નજીકની રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જઈએ એ પહેલાં જ રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. દેવમ મહેન્દ્ર અને બીનાબહેનનો એકનો એક પુત્ર હતો. મહેન્દ્રભાઈ નોકરી કરતા હોવાથી દેવમ તેમના પરિવાર માટે આશાનું કિરણ હતો. ૯ વર્ષમાં તેણે ઇવેન્ટ-મૅનેજમેન્ટમાં સારી પ્રગતિ કરી હતી. ગઈ કાલે તેના અચાનક અવસાનથી આ પરિવાર અને અમારા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.’


