પરાગ શાહની ટીમના સ્વયંસેવક જતીન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સ્ટેશનો પર કલાકો સુધી અટકી પડેલા લોકો વરસાદને લીધે સ્ટેશનની બહાર જઈ શકતા નહોતા
રેલવે-સ્ટેશન પર અને ટ્રેનમાં ફૂડ-પૅકેટો આપી રહેલા પારસધામ અને અર્હમ ગ્રુપના સ્વયંસેવકો.
સોમવારે રાતથી શરૂ થયેલા અનરાધાર વરસાદને કારણે ગઈ કાલે સવારે સેન્ટ્રલ રેલવેનાં અનેક સ્ટેશનો પાસે પાણી ભરાઈ જતાં કલાકો સુધી લોકલ અને મેલ ટ્રેનો બંધ થઈ જવાથી ઘાટકોપર, વિદ્યાવિહાર અને કુર્લા ટર્મિનસ પર હજારો લોકો ખાધા-પીધા વગર અટવાઈ ગયા હતા. જોકે આ લોકો માટે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબના આશીર્વાદ અને ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહના માર્ગદર્શન હેઠળ દાળ, ભાત અને શાકનાં ફૂડ-પૅકેટોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ બાબતની માહિતી આપતાં પરાગ શાહની ટીમના સ્વયંસેવક જતીન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સ્ટેશનો પર કલાકો સુધી અટકી પડેલા લોકો વરસાદને લીધે સ્ટેશનની બહાર જઈ શકતા નહોતા. આથી પરાગ શાહના માર્ગદર્શન હેઠળ પારસધામ, અર્હમ ગ્રુપ અને પરાગ શાહની ટીમના સ્વયંસેવકોએ પારસધામમાં દાળ, ભાત અને શાકનાં ફૂડ-પૅકેટો તૈયાર કરાવ્યાં હતાં અને ૧૨૦૦ પૅકેટ ઘાટકોપર, વિદ્યાવિહાર અને કુર્લા ટર્મિનસ પર અટવાઈ ગયેલા મુસાફરોને અમારી ટીમે પહોંચાડ્યાં હતાં.’


