હાર્ટ-અટૅક પછી કાઠમાંડુની હૉસ્પિટલમાં ઓપરેશન કર્યું, પણ બીજાં બે બ્લૉકેજ નીકળતાં ત્યાં રાખવાં પડે એમ છે એટલે પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું : બીજા દેશમાં ઓપરેશન કરાવ્યું હોવાથી મેડિક્લેમ પણ કામ ન આવ્યો
કાઠમાંડુની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં હંસા સોલંકી.
કી હાઇલાઇટ્સ
- નેપાલમાં મુંબઈના ગુજરાતીઓમાં કહીં ખુશી કહીં ગમ
- ચેમ્બુરનાં ગૃહિણી હંસા સોલંકીને કાઠમાંડુમાં હાર્ટ-અટૅક આવ્યો
- બ્લૉકેજ દૂર કરવા એક ઑપરેશન થયું અને બીજું પણ થશે
નેપાલમાં પશુપતિનાથ મહાદેવનાં દર્શને ગયેલાં ચેમ્બુરનાં ૫૬ વર્ષનાં હંસા સોલંકીને રવિવારે રાત્રે હાર્ટ-અટૅક આવતાં તોફાનોની વચ્ચે રાતોરાત તેમને કાઠમાંડુની હૉસ્પિટલમાં ખસેડવા પડ્યાં હતા જ્યાં ડૉક્ટરોએ બ્લૉકેજ હટાવવા ઑપરેશન કર્યું હતું. જોકે ઑપરેશન કર્યા બાદ બીજાં બે બ્લૉકેજ પણ દેખાતાં તેમને હૉસ્પિટલમાં રાખવાં પડે એવી સ્થિતિ સર્જાતાં અને બીજી તરફ નેપાલમાં તોફાનો ચાલુ હોવાથી ચેમ્બુરમાં તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હંસાબહેનના પુત્ર ધર્મેશ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પિતા દીપકભાઈ, મમ્મી હંસાબહેન, માસી નિર્મળાબહેન અને મારો ભાણો રિધમ ૪ સપ્ટેમ્બરે મુંબઈથી નીકળીને નેપાલમાં પશુપતિનાથ મહાદેવનાં દર્શન કરવા ગયાં હતાં. જોકે તેઓ બે-ત્રણ જગ્યાએ ફર્યાં હતાં, પરંતુ નેપાલમાં તોફાનો થતાં આ બધા જ કાઠમાંડુમાં ફસાઈ ગયાં છે. આ દરમ્યાન મારાં મમ્મીને રવિવારે રાત્રે અચાનક અટૅક આવતાં મારા પપ્પા સહિત હોટેલમાં તેમની સાથે રોકાયેલા અન્ય યાત્રીઓ તાત્કાલિક તેમને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. કાઠમાંડુની હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું કે બ્લૉકેજ છે એટલે હમણાં જ ઑપરેશન કરવું પડશે. એટલે અર્જન્ટમાં ઑપરેશન કરાવ્યું હતું. ઑપરેશન થઈ ગયા પછી મને એની જાણ કરવામાં આવી હતી. જોકે આ ઑપરેશન થયા પછી ડૉક્ટરે કહ્યું કે હજી બીજાં બે બ્લૉકેજ દેખાય છે એટલે એ દૂર કરવાં પડશે. ત્યાં બે દિવસમાં ૩ લાખ રૂપિયાનું બિલ થઈ ગયું છે. અમારી પાસે મેડિક્લેમ છે, પરંતુ નેપાલમાં એ મેડિક્લેમ ચાલતો નથી કેમ કે ઑપરેશન નેપાલમાં થયું એટલે નેપાલ બીજો દેશ થઈ જાય છે. ડૉક્ટરો કહે છે કે પરિસ્થિતિ ખરાબ છે એટલે દરદીને હૉસ્પિટલમાં રાખવાં પડશે એટલે અમે બીજું ઑપરેશન પણ ત્યાં જ કરવાનું નક્કી કર્યું છે.’


