કૅનેડિયન સિટિઝન ડૉ.નિરાલી પટેલ એક વર્ષની દીકરીને મૂકીને ચાર-પાંચ દિવસની શૉર્ટ ટ્રિપ માટે આવી હતી
ડૉ.નિરાલી પટેલ
એક વર્ષની દીકરીને કૅનેડામાં મૂકીને સામાજિક કારણોસર ભારત આવેલી કૅનેડિયન સિટિઝન ડૉ. નિરાલી પટેલે અમદાવાદ પ્લેન ક્રૅશમાં જીવ ગુમાવ્યો છે. ૩૨ વર્ષની આ ડેન્ટિસ્ટ યુવતીનો આખો પરિવાર કૅનેડામાં જ છે. તેના પતિ અને એક વર્ષની દીકરી સાથે તે ટૉરોન્ટોના અટોબીકોમાં રહેતી હતી. તેનાં મમ્મી-પપ્પા, ભાઈ અને ભાભી બ્રૅમ્પ્ટનમાં રહે છે. કૅનેડામાં કમ્યુનિટી લીડર ડૉન પટેલે નિરાલીના ભાઈ સાથે વાત કરી હતી, પરંતુ આ પરિવાર એટલો શોકગ્રસ્ત છે કે તેઓ કશું જણાવવા માટે અસમર્થ હતા. નિરાલીના પતિ અને દીકરી ભારત આવી શકે છે એવું તેમણે જણાવ્યું હતું.
અમદાવાદ-લંડન ફ્લાઇટમાં કૅનેડિયન સિટિઝનશિપ ધરાવતી તે એક જ મુસાફર હતી. ૨૦૧૬માં ભારતમાંથી ડેન્ટિસ્ટની ડિગ્રી મેળવીને ૨૦૧૯માં તેણે કૅનેડાની લાઇસન્સ એક્ઝામ ક્લિયર કરી હતી. ત્યાં એક ડેન્ટલ ક્લિનિકમાં તે કામ કરતી હતી. કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ પણ આ ઘટના માટે અને એમાં કૅનેડિયન સિટિઝને જીવ ગુમાવ્યો એ બાબતે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

