મને ખબર નથી કે હું કેવી રીતે જીવતો બચી ગયો : વિશ્વાસકુમાર રમેશ કહે છે કે હું ખુશ નથી, કારણ કે કેટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે
ગઈ કાલે સિવિલ હૉસ્પિટલમાં વિશ્વાસકુમાર રમેશના ખબરઅંતર પૂછતા નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે વિમાન દુર્ઘટના-સ્થળની મુલાકાત લીધી હતી અને સિવિલ હૉસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેઓ આ અકસ્માતમાં બચી ગયેલા ૩૮ વર્ષના ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશને પણ મળ્યા હતા.
આ દુર્ઘટનામાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા ૨૪૨માંથી ૨૪૧ જણે જીવ ગુમાવ્યો હતો. આ બધું કેવી રીતે થયું એ વિશે વડા પ્રધાન મોદીના પ્રશ્ન પર વિશ્વાસકુમારે કહ્યું હતું કે ‘ટેક-ઓફ કર્યાની પાંચથી ૧૦ સેકન્ડ પછી એવું લાગ્યું કે વિમાન ક્યાંક અટવાઈ ગયું છે. એવું લાગ્યું કે વિમાનને ટેક-ઑફ કરવા માટે દોડાવવામાં આવ્યું હતું અને એ હૉસ્ટેલ પર પડી ગયું. પછી વિમાનમાં લીલી અને સફેદ લાઇટો ચમકવા લાગી. પછી એ ઝડપથી નીચે પડવા લાગ્યું. બધું મારી નજર સામે થયું. મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું કેવી રીતે બચી ગયો. એક ક્ષણ માટે મને લાગ્યું કે હું પણ મરી જઈશ. પરંતુ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મારી જાતને જીવતી જોઈ. હું જ્યાં પડ્યો ત્યાં વિમાનનો દરવાજો તૂટી ગયો હતો અને થોડી જગ્યા હતી. મેં સીટ-બેલ્ટ ખોલ્યો અને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. આખરે હું બહાર આવ્યો. ઍર-હૉસ્ટેસ, કાકી-કાકા બધાં મારી નજર સામે ગાયબ થઈ ગયાં. આગથી મારો ડાબો હાથ બળી ગયો હતો.’
ADVERTISEMENT
અમદાવાદમાં ગુરુવારે ઍર ઇન્ડિયાનું પ્લેન જ્યાં ક્રૅશ થયું એ સ્થળ પરની તારાજીનું નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નિરીક્ષણ કર્યું હતું
એક ઇન્ટરવ્યુમાં વિશ્વાસકુમારે કહ્યું હતું કે ‘મારી સીટ 11-A હતી જે વિમાનના એ ભાગમાં હતી જે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર સાથે અથડાયું હતું. વિમાન લૅન્ડ થતાં જ બે ટુકડામાં વિભાજિત થઈ ગયું હતું એને કારણે મારી સીટ પણ નીકળી આવી હતી. હું જે બાજુ તરફ બેઠો હતો એ સાઇડ હૉસ્ટેલ તરફ નહીં પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર લૅન્ડ થઈ હતી. વિમાનનો બીજો ભાગ એક બિલ્ડિંગની દીવાલ સાથે અથડાયો હતો જેને કારણે કદાચ કોઈ એ બાજુથી બહાર નીકળી શક્યું નહોતું. મને બીજા વિશે ખબર નથી, પરંતુ જે બાજુ મારી સીટ હતી એ ભાગ ગ્રાઉન્ડ પર લૅન્ડ થયો હતો. દરવાજો તૂટતાંની સાથે જ મેં જોયું કે બહાર નીકળવાનો રસ્તો હતો અને હું ચાલીને ત્યાંથી બહાર નીકળી ગયો. એ પછી ઍમ્બ્યુલન્સ મને હૉસ્પિટલમાં લઈ આવી. અહીં મારા પર સારી રીતે ઉપચાર કરવામાં આવી રહ્યો છે, પણ હું ખુશ નથી કારણ કે આ દુર્ઘટનામાં કેટલા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે.’

