કોઈને અંતિમ દર્શન કરવા ન મળ્યાં, કૉફિન સાથે જ અંતિમ સંસ્કાર : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને અન્ય સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા : આજે પ્રાર્થનાસભા
વિજય રૂપાણીને વિદાય આપવા રાજકોટના રસ્તાઓ પર લોકો ભેગા થયા હતા. અમિત શાહે વિજયભાઈને અંતિમ નમન કરીને તેમનાં પત્ની અંજલિબહેનને સાંત્વન આપ્યું હતું.
ગુરુવારે અમદાવાદમાં થયેલા પ્લેન-ક્રૅશનો ભોગ બનેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ગઈ કાલે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે રાજકોટમાં તેમની પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. ગઈ કાલે પાર્થિવ દેહને ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદથી રાજકોટ લાવ્યા પછી વિજયભાઈની પહેલી અંતિમયાત્રા રાજકોટના ૧૯ રાજમાર્ગ પરથી નીકળી હતી, જેમાં BJPના કાર્યકરો ઉપરાંત રાજકોટના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ પછી તેમના પાર્થિવ દેહને રાજકોટના તેમના નિવાસસ્થાને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો જ્યાં ગૃહપ્રધાન અમિત શાહથી માંડીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંડળના અન્ય પ્રધાનોએ વિજયભાઈને પુષ્પાંજલિ આપી હતી અને પછી સ્મશાનયાત્રામાં જોડાયા હતા.
ઘરેથી નીકળેલી અંતિમયાત્રા માટે વિજયભાઈના પાર્થિવ દેહને શહેરના અન્ય ૧૭ રાજમાર્ગ પરથી લઈ જવાયો હતો. સમગ્ર અંતિમયાત્રા દરમ્યાન રસ્તા પર અસંખ્ય લોકોએ ‘વિજયભાઈ અમર રહો’ના નારા લગાવ્યા હતા.
ADVERTISEMENT
વિજયભાઈને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
બપોરે એકથી ચાર રેડ અલર્ટ
વિજયભાઈના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવતો હતો એ દરમ્યાન રાજકોટમાં ગાજવીજ શરૂ થઈ ગઈ હતી. હવામાન વિભાગે પણ બપોરે એકથી ચાર વાગ્યાનો સમય વરસાદ માટે રેડ અલર્ટ જાહેર કરી હતી અને સાંજે પાંચથી આઠના સમયે ઑરેન્જ અલર્ટની અનાઉન્સમેન્ટ કરી હતી, જેને કારણે BJPના કાર્યકરોમાં ટેન્શન હતું. બપોરે દોઢ વાગ્યે જ્યારે રાજકોટના રસ્તાઓ પર વિજયભાઈનાં અંતિમ દર્શન માટે લોકો રાહ જોતા ઊભા હતા ત્યારે કાર્યકરોએ વ્યક્તિગત રીતે તેમને મળીને વિનંતી કરી હતી કે વરસાદી વાતાવરણ વચ્ચે જો ઘરે જવું હોય તો જઈ શકો છો પણ લોકો રસ્તો ખાલી કરવા રાજી નહોતા. કુદરત જાણે વિજયભાઈના મૃત્યુનો મલાજો પાળતી હોય એમ રેડ અલર્ટ હોવા છતાં ઝરમર વરસીને લોકોને વિજયભાઈનાં અંતિમ દર્શનમાં બાધારૂપ બની નહોતી.
સાંજે સાડાછ વાગ્યે જ્યારે વિજયભાઈની અંતિમયાત્રા ઘરેથી શરૂ થઈ ત્યારે ફરી એક વાર વીજળીના કડાકાભડાકા શરૂ થયા હતા છતાં લોકો જવાનું નામ નહોતા લેતા. અંતિમયાત્રા દરમ્યાન ધીમી ધારે વરસાદ શરૂ થઈ જવા છતાં લોકોએ પલળતાં-પલળતાં વિજયભાઈને અંતિમ વિદાય આપી હતી.
ગઈ કાલે વિજયભાઈને વિદાય આપતી વેળાએ રાજકોટમાં હજારો લોકો રડ્યા હતા. આવું ભાગ્યે જ બનતું હોય છે પણ વિજયભાઈના સ્વભાવ અને વિજયભાઈની સાલસતા તથા જે પ્રકારે અત્યંત અણધારી વિદાય તેમણે લીધી એને કારણે ઑલમોસ્ટ દરેક રાજકોટવાસી ઇમોશનલ થઈ ગયો હતો. લોકોને રડતા જોઈને વિજયભાઈનાં વાઇફ અંજલિબહેન પણ અંતિમયાત્રા દરમ્યાન સમગ્ર રસ્તા પર ભાવુક રહ્યાં હતાં.

કોઈ અંતિમ દર્શન નહીં
DNA મૅચ થયા પછી ગઈ કાલે સવારે વિજયભાઈનો પાર્થિવ દેહ સોંપાયા પછી તેમનો ચહેરો પરિવારને જોવા નહોતો મળ્યો. અકસ્માતની ભયાનકતા જોયા પછી સરકારનો આદેશ હતો કે જેમાં મૃતદેહ આપવામાં આવ્યો હોય એ કૉફિન સહિત જ અંતિમ સંસ્કાર કરવાના રહેશે. નિયમ અનુસર રૂપાણી-પરિવારના કોઈ સભ્યને વિજયભાઈનો ચહેરો જોવા નહોતો મળ્યો.
આજે રાજકોટમાં રાખવામાં આવેલી પ્રાર્થનાસભામાં ૨૫,૦૦૦થી વધારે લોકો એકત્રિત થાય એવી શક્યતા છે. વિજયભાઈની લોકપ્રિયતાને જોતાં આજે ભારે વરસાદની આગાહી હોવા છતાં લોકો પ્રાર્થનાસભામાં ભાગ લેશે એ વિનાસંકોચ કહી શકાય.
વેકેશનના સાથીઓ જ અંતિમ સફરમાં
અમદાવાદથી વિજયભાઈને રાજકોટ લાવવામાં આવ્યા એ પ્લેનમાં વિજયભાઈની સાથે તેમનાં પત્ની અંજલિબહેન, દીકરો રુષભ, દીકરી રાધિકા હતાં. એ ઉપરાંત વિજયભાઈ જેમની સાથે વેકેશન પર જવાના હતા એ નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી અમદાવાદથી વિજયભાઈની આ અંતિમ હવાઈ સફરમાં જોડાયા હતા.
અમદાવાદમાં મૃતદેહ સોંપાયો ત્યારે ભાંગી પડ્યાં મા-દીકરો
વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગઈ કાલે અમદાવાદમાં ગાર્ડ ઑફ ઓનર આપીને સોંપવામાં આવ્યો હતો એ વખતે વિજય રૂપાણીનાં પત્ની અંજલિબહેન, દીકરો રુષભ સહિતના સ્વજનો ભાંગી પડ્યા હતા
તસવીર : નિમેશ દવે


