૧૬ દેશોમાંથી પસાર થઈને વૃક્ષારોપણનો સંદેશ ફેલાવ્યો નિશાકુમારી ગૌતમે
સાઇક્લિંગ કરતી વડોદરાની નિશાકુમારી, નિશાકુમારી અને તેના કોચ નીલેશ બારોટ.
‘નેચરને બચાવવા વર્લ્ડમાં કેવી રીતે કામ થઈ શકે’ એવા વિચારથી પ્રેરાઈને અનેક વિઘ્નો વચ્ચે નિશાકુમારી ગૌતમ વડોદરાથી લંડન સુધી ૧૬,૦૦૦થી વધુ કિલોમીટરની સાઇકલ-સફર કરીને પાછી આવી છે. આ સફર દરમ્યાન તેણે દરેક દેશમાં લોકો સમક્ષ વૃક્ષ વાવીને વૃક્ષ ઉછેરવા માટેની અવેરનેસ ફેલાવી હતી.
નિશાકુમારીએ ‘મિડ-ડે’ને કહ્યુ હતું કે ‘નેચરને બચાવવા માટે મારા કોચ નીલેશસર સાથે ચર્ચા કરી હતી અને ઇન્ડિયાથી લંડનની લૉન્ગેસ્ટ રોડ-કનેક્ટિવિટી છે તો એ માર્ગ પર વધારે લોકોને મળી શકાશે અને ગ્લોબલ વૉર્મિંગના સંદર્ભમાં અવેરનેસ ફેલાવી શકાશે એમ વિચારીને વડોદરાથી ૨૦૨૪ની ૨૩ જૂને સાઇકલ પર લંડન જવા નીકળી હતી અને ૨૧૦મા દિવસે લંડન પહોંચી હતી. એ દરમ્યાન રસ્તામાં વરસાદ, ઠંડી, ગરમી, સ્નોફૉલ, સ્નો-સ્ટ્રૉમ સહિત અનેક કઠિનાઈઓ આવી હતી, પરંતુ આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ મારા ધ્યેય સાથે હું આગળ વધતી રહી હતી. વડોદરાથી શરૂ કરીને ભારતનાં જુદાં-જુદાં રાજ્યોમાં થઈને ૧૬ દેશો ક્રૉસ કરીને હું લંડન પહોંચી હતી. એ દરમ્યાન દરેક દેશમાં લોકોનો સપોર્ટ મળ્યો હતો. અમે વૃક્ષારોપણ કરીને લોકોને કહેતા હતા કે તમે પણ એક વૃક્ષ વાવો અને એનો ઉછેર કરો. ગ્લોબલ વૉર્મિંગને ઘટાડવાનો એક ઉપાય ટ્રી-પ્લાન્ટેશન છે.’
ADVERTISEMENT
માર્ગમાં સાઇક્લિંગ કરવું ક્યાં સૌથી વધુ ટફ હતું એ અનુભવ વિશે વાત કરતાં નિશાકુમારીએ કહ્યું હતું કે ‘વડોદરાથી લંડન સુધી ૧૬,૮૮૧ કિલોમીટર સાઇકલ-પ્રવાસ કર્યો હતો. એને માટે પ્રૅક્ટિસ પણ કરી હતી. હું દરરોજ સરેરાશ ૧૦૦થી ૧૨૦ કિલોમીટર સાઇકલ ચલાવતી હતી. નેપાલમાં ડુંગરાળ વિસ્તારો હોવાને કારણે દરરોજ માંડ ૫૦થી ૬૦ કિલોમીટર રસ્તો કાપી શકતી હતી. માઉન્ટેન પર સાઇકલ ચલાવવાનું ટફ હતું તો ઉઝબેકિસ્તાનમાં ૫૦૦–૬૦૦ કિલોમીટર સુધી ફક્ત રણ જ રણ હતું, બીજું કાંઈ મળે નહીં. આવી જગ્યાએ રોકાવાની અને ખાવાની તકલીફ પડી હતી. ચાઇનાથી રશિયા સુધીના માર્ગમાં જમવાની તકલીફ બહુ પડી. હું વેજિટેરિયન છું એટલે તકલીફ બહુ પડી. જોકે રેડી-ટુ-ઈટ પૅકેટ લઈને ગઈ હતી તેમ જ કેટલીક જગ્યાએ ખીચડી બનાવીને ખાધી હતી. સાઇકલ ચલાવવાનું સૌથી વધુ ટફ રશિયામાં થઈ પડ્યું હતું. ત્યાં માઇનસ ૧૯ ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે સાઇકલ ચલાવવાનું અઘરું હતું, સાઇકલ સાથે ચાલીને જવું પડ્યું હતું. જોકે મારી સાથે સપોર્ટમાં મારા કોચ નીલેશસર હતા. તેઓ બધી વ્યવસ્થા મૅનેજ કરતા હતા.’
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૬,૦૦૦ કિ.મી.થી લાંબી સફળ સાઇકલયાત્રા કરીને ગુજરાતને ગૌરવ અપાવનાર વડોદરાની દીકરી નિશાકુમારીનું સન્માન.
વડોદરાથી એટલે કે ઇન્ડિયાથી લંડનના રૂટ પર કોઈ સાઇક્લિંગ કરીને ગયું હોય એવું પહેલી વાર બન્યું હોવાનો દાવો કરતાં નિશાકુમારીએ કહ્યું હતું કે ‘આ રૂટ પર અત્યાર સુધી કોઈએ સાઇક્લિંગ કર્યું નથી. અમે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છીએ.’
નિશાકુમારીના કોચ નીલેશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું કાર સાથે નિશા સાથે તેના સપોર્ટમાં રહ્યો હતો. અમને વડોદરા અને સુરતની પોલીસ તેમ જ ગુજરાત અને ભારત સરકારનો સપોર્ટ મળી રહ્યો હતો. દરેક દેશની ભારતીય એમ્બેસીમાં પણ મદદ મળી હતી.’

