સુરતમાં નવા બનેલા વેડ વરિયાવ બ્રિજ પર દોઢેક કિલોમીટર જેટલી તિરાડ પડી અને રોડનો ભાગ બેસી ગયો, સ્થાનિક લોકો બ્રિજ પર દોડી આવ્યા હતા અને વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો
સુરતમાં આવેલા ગુરુકુળ વેડ વરિયાવ વિસ્તારને જોડતા બ્રિજ પર ગઈ કાલે પડેલી લાંબી તિરાડ
ગુજરાતમાં થઈ બિહારવાળી...
ખાડામાં ગયા તમારા પૈસા : સુરત બ્રિજ; ખૂલ્યાને કેટલો વખત? - દોઢ મહિનો; કેટલો ખર્ચ? - 118 કરોડ
ADVERTISEMENT
મહારાષ્ટ્ર હોય કે ગુજરાત, પ્રજા પાસેથી ટૅક્સના નામે વસૂલેલા પૈસાથી થતો ભયંકર ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે ત્યારે સત્તાવાળાઓને મોં છુપાવવાનું ભારે પડી જાય છે. હજી ત્રણ મહિના પહેલાં અમદાવાદ માટેના હાઇવે પર મુંબઈ નજીક ૨૪૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલો વર્સોવા બ્રિજ ખુલ્લો મુકાયો હતો પણ બે દિવસના વરસાદમાં એવા ખાડા પડી ગયા કે વાહનચાલકોના જીવ સામે જોખમ ઊભું થયું છે. મહારાષ્ટ્રમાં જ આવી હાલત છે એવું નથી. ગુજરાતના સુરતમાં હજી દોઢ મહિના પહેલાં જ ૧૧૮ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો વેડ વરિયાવ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ પર તિરાડો પડી ગઈ અને એની એક સાઇડ બેસી જતાં હોબાળો મચ્યો હતો અને બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો.
આજકાલ ગુજરાતમાં નવા બનેલા બ્રિજ એની ગુણવત્તાને લઈને વિવાદમાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં એક પછી એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે એમાં વધુ એક બ્રિજનો ઉમેરો થયો છે. ગઈ કાલે સુરતમાં નવા બનેલા વેડ વરિયાવ બ્રિજ પર દોઢેક કિલોમીટર જેટલી તિરાડ પડી જતાં અને રોડનો એક સાઇડનો ભાગ બેસી જતાં હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકો બ્રિજ પર દોડી આવ્યા હતા અને હલકી ગુણવત્તાવાળા બ્રિજને લઈને વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. બીજી તરફ સલામતીને લઈને વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો અને તાત્કાલિક બ્રિજનો રોડ રિપેર કરવા તંત્ર દોડતું થયું હતું.
સુરતમાં આવેલા ગુરુકુળ વેડ વરિયાવ વિસ્તારને જોડતો બ્રિજ દોઢેક મહિના પહેલાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે અંદાજે ૧૧૮ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો નવો બ્રિજ થોડોઘણો વરસાદ અને પાણીનો માર સહન ન કરી શક્યો હોય એમ આ બ્રિજ પર અંદાજે દોઢેક કિલોમીટર લાંબી તિરાડ પડી ગઈ હતી અને એક સાઇડ પર બ્રિજનો કેટલોક ભાગ દોઢેક ફુટ બેસી ગયો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો બ્રિજ પર દોડી આવ્યા હતા અને વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
બ્રિજની ઘટનાની જાણ થતાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓ બ્રિજ પાસે દોડી આવ્યા હતા. એક અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે, ‘આ બ્રિજ બેસી નથી ગયો પરંતુ અપ્રોચ રોડનું સેટલમેન્ટ છે એ બેસી ગયું છે. આ નૉર્મલ સેટલમેન્ટ છે, આ કોઈ હેવી સેટલમેન્ટ નથી.’


