ગુજરાત કૉન્ગ્રેસમાં શું થઈ રહ્યું છે એની બેધડક વાત કરી રાહુલ ગાંધીએ
અમદાવાદમાં રાહુલ ગાંધીએ ગુજરાત કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં જોમ-જુસ્સો ભરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કૉન્ગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના લીડર રાહુલ ગાંધીએ ગઈ કાલે અમદાવાદમાં ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓનો ક્લાસ લીધો હતો અને ગુજરાત કૉન્ગ્રેસમાં શું થઈ રહ્યું છે એની બેધડક વાત કરતાં કહ્યું હતું કે ‘સવાલ ચૂંટણીનો નથી, જે આપણી જવાબદારી છે એને જ્યાં સુધી પૂરી નહીં કરીશું ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને ચૂંટણી નહીં જિતાડે.’
રાહુલ ગાંધીએ નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું કે...
ADVERTISEMENT
‘મારી અને કૉન્ગ્રેસ પાર્ટીની ગુજરાતમાં શું જવાબદારી બને છે? અહીં હું માત્ર કૉન્ગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો; હું ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના ખેડૂતો માટે, નાના બિઝનેસમેન માટે અને મારી બહેનો માટે આવ્યો છું.
લગભગ ૩૦ વર્ષ થઈ ગયાં, અમે અહીં ગુજરાતમાં સરકારમાં નથી અને જ્યારે આવું છું ત્યારે ચર્ચા ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨ની ચૂંટણીની ચર્ચા થાય છે, પણ સવાલ ચૂંટણીનો નથી. જે અમારી જવાબદારી છે એને જ્યાં સુધી અમે પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા અમને ચૂંટણી જિતાડશે નહીં. જે દિવસે આપણે આપણી જવાબદારી પૂરી કરી દીધી એ દિવસે હું આપને ગૅરન્ટી આપતાં કહું છું કે ગુજરાતના બધા લોકો કૉન્ગ્રેસ પાર્ટીને પોતાનું સમર્થન કરશે.
અમદાવાદમાં રાહુલ ગાંધીએ ચાર્વી સોલંકી નામની દીકરી સાથે વાતચીત કરીને સેલ્ફી લીધો હતો.
ગુજરાતની જે લીડરશિપ છે, ગુજરાતના જે કાર્યકર્તા છે, ગુજરાતના જે ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ છે, બ્લૉક પ્રેસિડન્ટ છે એમાં બે રીતના લોકો છે. એમાં ભાગલા છે. અહીં બેઠેલા બધા લોકો પણ બે ટાઇપના છે. એક છે જે જનતાની સાથે ઊભા છે, જે જનતા માટે લડે છે, જનતાની ઇજ્જત કરે છે અને જેના દિલમાં કૉન્ગ્રેસ પાર્ટીની વિચારધારા છે. બીજા છે જે જનતાથી વિમુખ છે, દૂર બેસે છે, જનતાની ઇજ્જત નથી કરતા અને એમાંથી અડધા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે એને ક્લિયરલી અલગ નહીં કરીશું ત્યાં સુધી ગુજરાતની જનતા આપણામાં બિલીવ નહીં કરી શકે. ગુજરાતની જનતા, ગુજરાતના વેપારી, ગુજરાતના સ્મૉલ અને મીડિયમ બિઝનેસ, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના મજદૂરો, ગુજરાતના સ્ટુડન્ટ્સ ઓપોઝિશન ઇચ્છે છે, વિકલ્પ ઇચ્છે છે; બી ટીમ નથી ઇચ્છતાં.’
આ જે બે ગ્રુપ છે એને અલગ કરવાં છે. જો સખત કાર્યવાહી કરવી પડી; ૧૦, ૨૦, ૩૦, ૪૦ લોકોને કાઢવા પડે તો કાઢી મૂકવા જોઈએ. BJP માટે અંદરથી કામ કરી રહ્યા છે. ચલો જઈને જોઈએ, બહારથી કામ કરો. તમારી ત્યાં જગ્યા નહીં બને, તમને બહાર ફેંકી દેશે.
આપણને ગાંધીજીએ જે શીખવ્યું, સરદાર પટેલે જે શીખવ્યું એ ગુજરાતમાં કરવાનું છે. ગુજરાતમાં વિપક્ષ પાસે ૪૦ ટકા વોટ છે, વિપક્ષ નાનો નથી. ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં ૪૦ ટકા આપણા છે. જો આપણા વોટ પાંચ ટકા વધી જાય છે તો વાત ખતમ થઈ જશે. તમે બધા અમારા સિપાહી છો. કૉન્ફિડન્સ કોઈ ગુમાવતું નથી, અંદર હોય છે એને બહાર કાઢવાનો હોય છે. મારું કામ તમારી અંદર જે કૉન્ફિડન્સ છે એને બહાર કાઢવાનું છે; એ ખોવાયો નથી, તમારી અંદર જ છે.

