Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગાંધીનગરમાં આજથી પ્રકૃતિના સાંનિધ્યમાં યોજાશે પ્રકૃતિપ્રેમ ભાગવતકથા

ગાંધીનગરમાં આજથી પ્રકૃતિના સાંનિધ્યમાં યોજાશે પ્રકૃતિપ્રેમ ભાગવતકથા

Published : 01 February, 2026 08:38 AM | IST | Gandhinagar
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વર્ષોજૂનાં અગણિત વૃક્ષોના છાંયડામાં બેસીને કથા સાંભળશે શ્રોતાજનો : પ્રકૃતિના જતન અને ઋષિ-પરંપરાની વાત સાથે કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કરાવશે કથાનું રસપાન: લોકોને બેસવા માટે મંડપ નહીં બંધાય, પોથીયાત્રામાં વાહનો નહીં હોય, ગ્રીન એનર્જીનો થશે ઉપયોગ

કથા માટે તૈયાર કરાયેલું સ્ટેજ જેમાં છોડવાઓથી સુશોભન કરવામાં આવ્યું છે.

કથા માટે તૈયાર કરાયેલું સ્ટેજ જેમાં છોડવાઓથી સુશોભન કરવામાં આવ્યું છે.


આજથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સંભવિત રીતે દેશમાં પહેલી વાર પ્રકૃતિના સાંનિધ્યમાં, ચોતરફ વૃક્ષોની હરિયાળી વચ્ચે પ્રકૃતિપ્રેમ ભાગવતકથા યોજાશે. પ્રકૃતિના જતન અને ઋષિ-પરંપરાની વાતને વણી લઈને જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા પ્રકૃતિપ્રેમ ભાગવતકથાનું રસપાન કરાવશે. નેચર ફર્સ્ટ ટ્રસ્ટ અને પ્રકૃતિપ્રેમીઓ દ્વારા આયોજિત આ કથાની વિશેષતા એ હશે કે એમાં શ્રોતાઓ માટે આ મંડપ બાંધવામાં આવ્યો નથી, પરંતુ વર્ષોજૂનાં અગણિત વૃક્ષોના છાંયડામાં બેસીને શ્રોતાજનો કથા સાંભળશે. પરિવારમાં પ્રકૃતિની માવજત કરવાનું કલ્ચર ઊભું કરવા માટે આ સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો છે.    

કથાના આયોજક નેચર ફર્સ્ટ ટ્રસ્ટના મહેન્દ્ર ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાગવતકથાના માધ્યમથી વિશ્વમાં પ્રકૃતિનો મેસેજ જાય તેમ જ ગ્લોબલ વૉર્મિંગના સમયમાં લોકોમાં પ્રકૃતિના મુદ્દે, પર્યાવરણના પ્રશ્ને જાગૃતિ આવે એ હેતુથી કથાનું આયોજન કર્યું છે. વિશ્વમાં પહેલી વાર     પ્રકૃતિના સાંનિધ્યમાં આવી કથા યોજાશે. પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આ કથા યોજાઈ રહી છે ત્યારે કથાસ્થળે લોકોને બેસવા માટે મંડપ નથી બાંધવાના, પોથીયાત્રામાં વાહનો નહીં હોય. પોથી લઈને લોકો ચાલતાં-ચાલતાં કથામંડપ સુધી જશે એટલે વાહનોના ધુમાડા નહીં થાય. પોથીયાત્રામાં પંઢરપુરની પરંપરા જેવી લાઇવ રંગોળી થશે. કથા દરમ્યાન ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીશું. પીવાના પાણી માટે પ્લા​સ્ટિકની બૉટલો નહીં પરંતુ માટલાં મૂકવામાં આવશે. પોથીયાત્રામાં અંબાજીની આદિવાસી દીકરીઓનું પાઇપર બૅન્ડ છે. એ બેન્ડ સાથે ૩૫ દીકરીઓ યાત્રામાં જોડાશે. રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવશે અને વિશ્વમાં એનું લાઇવ પ્રસારણ થશે. ભાગવતકથાના માધ્યમથી રમેશભાઈ ઓઝા પ્રકૃતિની વાતો કરશે. આપણા ઋષિ-મુનિઓ ઓછી જરૂરિયાતો સાથે કેવી રીતે જીવન જીવતા હતા એ સહિતની પ્રકૃતિના જતન અને સંવર્ધનની વાતો સાથે ભાગવતકથા કહેશે.’   



આજના સમયે મોટાં મેદાનો મળવા મુશ્કેલ છે ત્યારે પ્રકૃતિ માટે થઈ રહેલી કથા માટે એવું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે જ્યાં મૅ​ક્સિમમ વૃક્ષો છે. આ મુદ્દે વાત કરતાં મહેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે ‘ગાંધીનગરમાં પથિકાશ્રમ બસ-સ્ટૅન્ડની પાસે એક પ્લૉટ હતો જેમાં આશરે ૩૦થી ૪૦ વર્ષ જૂનાં વૃક્ષો છે. આ જગ્યા પર કચરો અને ગંદકી બહુ હતી એ સાફ કરીને નંદનવન જેવું ગ્રાઉન્ડ બનાવ્યું છે. અહીં લીમડો, ગુલમહોર, પીપળો સહિતનાં અંદાજે ૧૦૦૦થી વધુ વૃક્ષો છે. આ વૃક્ષોની વચ્ચે બેસીને શ્રદ્ધાળુઓ કથાનું રસપાન કરશે. કથા બપોરે યોજાશે અને એ સાંજે સાડાછ વાગ્યે વિરામ પામશે, કેમ કે વૃક્ષો પર પક્ષીઓ રહેતાં હોવાથી મોડું નહીં કરીએ. પક્ષીઓને ખલેલ ન પડે એનું પણ ધ્યાન રાખવામાં આવશે.’ 


ભાગવતકથાના માધ્યમથી પ્રકૃતિની માવજત કરવાનું કલ્ચર દરેક પરિવારમાં ઊભું થાય એવો અમારો પ્રયાસ છે. એમ જણાવતાં મહેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે ‘કથાની પૂર્ણાહુતિના દિવસે એવો પ્રયોગ કરવાનું વિચારી રહ્યા છીએ કે રમેશભાઈ સંકલ્પ લેવડાવે કે દર શનિવારે પરિવાર પ્રકૃતિ માટે થોડો સમય દાન કરે, પોતાના ઘરની આસપાસ આવેલાં વૃક્ષોની માવજત કરે, પાણી પીવડાવે, વધુપડતી વીજળીનો ઉપયોગ કરતા હોય તો જરૂરિયાત પૂરતી વીજળી વાપરે, શક્ય હોય તો સૂર્યઊર્જાનો ઉપયોગ કરે.’

આજથી ૭ ફેબ્રુઆરી સુધી પ્રકૃતિધામ, નરસિંહ મહેતા ગાર્ડન અને ભુવનેશ્વર મહાદેવ મંદિરની વચ્ચે સેક્ટર ૬માં વૃક્ષોના છાંયાની વચ્ચે રોજ બપોરે કથા યોજાશે. ગાંધીનગરમાં પર્યાવરણ-જાગૃતિ માટે કામ કરતી નેચર ફર્સ્ટ સંસ્થા અને નેચર ફર્સ્ટના મુખ્ય ટ્રસ્ટી નારણ પટેલ સહિત પ્રકૃતિપ્રેમીઓના સહયોગથી આ કથા યોજાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 08:38 AM IST | Gandhinagar | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK