Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વડાપાંઉ અને સમોસા પર સ્કૂલની કૅન્ટીનમાં બૅન

વડાપાંઉ અને સમોસા પર સ્કૂલની કૅન્ટીનમાં બૅન

Published : 30 July, 2026 07:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકોને હેલ્ધી ફૂડ મળે એની જવાબદારી મૅનેજમેન્ટની: ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ‍્મિનિસ્ટ્રેશને જાહેર કરી ગાઇડલાઇન્સ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ ગઈ કાલે રાજ્યની તમામ સ્કૂલો, હૉસ્ટેલ, કૅન્ટીન, મિડ-ડે મીલના કૉન્ટ્રૅક્ટરો અને આંગણવાડીઓ માટે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ (FSSAI)નું લાઇસન્સ મેળવવાનું ફરજિયાત કર્યું છે તેમ જ ‘સેવ ફૂડ ફૉર એવરી ચાઇલ્ડ ઇન મહારાષ્ટ્ર’ હેઠળ લેવાયેલા આ નિર્ણય મુજબ સ્કૂલ પરિસર અને એની આસપાસના ૫૦ મીટરના વિસ્તારમાં વધુ ચરબી, ટ્રાન્સફૅટ અને વધુ શુગર ધરાવતા જંક ફૂડના વેચાણ તથા એની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ હોટેલો અને ક્લબ્સ પર કાર્યવાહી કર્યા બાદ હવે સ્કૂલોમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક સુનિશ્ચિત કરવાની જવાબદારી આચાર્યોને સોંપવામાં આવી છે. આ નિર્ણય બાદ સ્કૂલની કૅન્ટીનમાં મળતાં વડાપાંઉ, ચાઇનીઝ અને ઠંડાં પીણાં જેવા જંક ફૂડના વેચાણ પર સંપૂર્ણ બંધી હોવાથી જો એ વેચાતાં મળી આવશે તો તાત્કાલિક અસરથી કૅન્ટીનને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે એવી પણ ચીમકી આપવામાં આવી છે. ભવિષ્યની પેઢી તંદુરસ્ત અને રોગમુક્ત રહે એવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા FDA કમિશનરે કરી છે. 

વેચાણ અને જાહેરાત પર બંધી



તુકારામ મુંઢેએ ગઈ કાલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘તાજેતરમાં અમે મુંબઈ તેમ જ આસપાસના વિસ્તારની સ્કૂલોમાં તપાસણી કરી હતી જેમાં સ્કૂલની અંદરની મોટા ભાગની કૅન્ટીન પાસે FSSAI લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. એ જોતાં સ્કૂલોનાં કૅન્ટીન, હૉસ્ટેલ મેસ અને મિડ-ડે મીલના સપ્લાયર્સ માટે FSSAIનો પરવાનો હવે ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્યપ્રદ આદતો કેળવવા માટે સ્કૂલના પરિસરથી ૫૦ મીટરની ત્રિજ્યામાં હાઈ ફૅટ, હાઈ સૉલ્ટ અને હાઈ શુગર ધરાવતા જંક ફૂડના વેચાણ તેમ જ એના મફત વિતરણ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્કૂલના વિસ્તારમાં કે ડિજિટલ માધ્યમો પર આવા પદાર્થોની જાહેરાતો કરવા પર પણ સખત મનાઈ ફરમાવવામાં આવી છે.’


દરેક સ્કૂલે પાળવા પડશે નિયમ
તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે ‘આજનાં બાળકોમાં નાની ઉંમરે જ ગંભીર બીમારીઓ જોવા મળવાના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. એક સર્વે મુજબ નાનાં બાળકો નાનપણથી પ્રોટીનયુક્ત આહાર લેવાને બદલે જંક ફૂડ ખાતાં હોવાને કારણે બાળરોગોમાં વધારો થયો હોવાનું બહાર આવ્યું છે. આથી ભવિષ્યની પેઢી તંદુરસ્ત અને રોગમુક્ત રહે એવા પ્રયાસ સાથે સ્કૂલોને આહારના આદર્શ કેન્દ્રો બનાવવા માટે ઈટ રાઇટ સ્કૂલ સંકલ્પનાનો અમલ કરવાનો રહેશે. દરેક સ્કૂલમાં ફૂડ સેફ્ટી બોર્ડ લગાવવું પડશે અને FDAના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં એ જોવા માટે સ્કૂલ મૅનેજમેન્ટે ફૂડ સેફ્ટી સુપરવાઇઝરની નિમણૂક કરવી પડશે. આ ઉપરાંત શુદ્ધ પીવાનું પાણી અને રસોડામાં ઉચ્ચ સ્તરની સ્વચ્છતા જાળવવી બંધનકર્તા રહેશે. આ તમામ બાબતોનું યોગ્ય પાલન થાય છે કે નહીં એની ચકાસણી કરવા માટે FDAના અધિકારીઓ દ્વારા વર્ષમાં ઓછામાં ઓછી બે વાર દરેક સ્કૂલની તપાસ કરવામાં આવશે અને ખોરાકના નમૂના પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવશે.’

દરેક બોર્ડને પણ સૂચના
તુકારામ મુંઢેએ ભારપૂર્વક જણાવતાં કહ્યું હતું કે ‘આ નિયમો ૨૦૨૦થી અમલીકરણમાં છે, જોકે અમુક અંશે એનું યોગ્ય પાલન થયું નથી. તેથી આ નીતિના કડક અમલીકરણમાં રાજ્યના શિક્ષણ વિભાગ અને સામાજિક કલ્યાણ વિભાગની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહેશે. ૨૦૨૦ના નિયમોનું હવે વધુ સખત સ્વરૂપે પાલન કરાવવામાં આવશે અને આ નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડ તેમ જ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તમામ બોર્ડને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ નિયમોનું પાલન સ્કૂલની માન્યતા અને એના નવીનીકરણ માટે એક ફરજિયાત શરત તરીકે ઉમેરવામાં આવે.’


 આગામી ૮ દિવસમાં આ નિયમો અંતર્ગત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
 સ્કૂલના કોઈ પણ ઉત્સવ કે પ્રસંગ દરમ્યાન બાળકોને ચૉકલેટ, કેક, આઇસક્રીમ કે અન્ય ગળ્યા પદાર્થો તેમ જ ફ્રેન્ચ ફ્રાઇઝ, વડાપાંઉ, સમોસા, વેફર આપી શકાશે નહીં.
 દૈનિક દિનચર્યામાં બાળકોને માત્ર પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર જ મળે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્કૂલ-વ્યવસ્થાપનની રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK