બે અઠવાડિયાં માટે વડોદરા આવેલા ભાવિક માહેશ્વરીના પપ્પાએ દીકરાનાં ઘડિયાં લગન ગોઠવી નાખ્યાં, પાછો આવે ત્યારે પુત્રને ધામધૂમથી પરણાવવાનું વિચારેલું ઃ પત્ની ભાવિકને ઍરપોર્ટ પર મૂકીને ઘરે પહોંચે એ પહેલાં જ આંચકાજનક સમાચાર મળ્યા
ભાવિક માહેશ્વરી
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષનો ભાવિક માહેશ્વરી બે અઠવાડિયાં માટે ભારત આવ્યો હતો. એ ટ્રિપ દરમ્યાન તેના પરિવારજનોની ઇચ્છા હોવાથી તેણે પોતે પસંદ કરેલી યુવતી સાથે ૧૦ જૂને કોર્ટ-મૅરેજ કર્યાં હતાં. તે લંડનથી પાછો આવે ત્યારે ધામધૂમથી લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વિધાતાને એ મંજૂર નહોતું.
ભાવિકના પપ્પા અર્જુન માહેશ્વરી ભારે આઘાતમાં હતા. દીકરો અચાનક જતો રહેતાં આક્રંદ કરતાં તેમણે જણાવ્યું હતું કે બે અઠવાડિયાં માટે તે વડોદરા આવ્યો ત્યારે અમે તેનાં લગ્ન ગોઠવ્યાં હતાં એટલે તેણે ટિકિટ પણ મોડી કરાવી હતી. ભાવિક સાથે છેલ્લી ઘડીએ થયેલી વાતને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘ટેક-ઑફ પહેલાં તેણે મને ફોન કરીને કહ્યું હતું કે બધું પતી ગયું છે અને હવે ટેક-ઑફની તૈયારી છે. તેણે મને હૈયાધારણ પણ આપી હતી કે ચિંતા ન કરતા, હું ઘરે જ જાઉં છું. લંડનમાં ભણવાનું પતાવીને હવે તે જૉબ કરતો હતો. અડધા કલાક પછી શું બની ગયું, કંઈ સમજાતું નથી.’
ADVERTISEMENT
અમદાવાદ ઍરપોર્ટ પર ભાવિકને મૂકવા માટે તેની પત્ની પણ આવી હતી. તે હજી ઘરે પહોંચે એ પહેલાં જ આ નવપરિણીત યુગલ નંદવાઈ ગયું.


