Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાખડી બંધાવી, બાળક રમાડ્યું, બચ્ચાંઓને ખુશ કરી દીધાં

રાખડી બંધાવી, બાળક રમાડ્યું, બચ્ચાંઓને ખુશ કરી દીધાં

08 May, 2024 07:15 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નરેન્દ્ર મોદીએ સવારે સાડાસાત વાગ્યે પહોંચીને અમિત શાહના મતવિસ્તારમાં પિન્ક બૂથમાં કર્યું વોટિંગ અને પછી એકાદ કિલોમીટર ચાલીને લોકોનું અભિવાદન કર્યું

 વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી


ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો માટે ગઈ કાલે યોજાયેલી ચૂંટણી માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અમદાવાદમાં મતદાન કરવા આવ્યા હતા જ્યાં તેમણે પિન્ક બૂથમાં અન્ય મતદારોની જેમ જ ચૂંટણી-કર્મચારીને ઇલેક્શન કાર્ડ બતાવીને વોટિંગ કર્યું હતું. સમયસર વોટિંગ કરવા આવેલા નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવા ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો સાથે તેમની ઝલક માટે પબ્લિક ઊમટી પડી હતી.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નિશાન વિદ્યાલયમાં ગઈ કાલે સવારે સાડાસાત વાગ્યે નરેન્દ્ર મોદી મતદાન કરવા આવ્યા હતા. આ મતવિસ્તારમાં અમિત શાહ BJPના ઉમેદવાર છે. ઉનાળાની ગરમીના કારણે સૌને સવાર-સવારમાં મતદાન કરવાની અપીલ કરનાર નરેન્દ્ર મોદી પોતે પણ સવારે જ મતદાન કરવા આવ્યા હતા. મહિલાઓ દ્વારા સંચાલિત પિન્ક બૂથમાં તેઓ મતદાન કરવા ગયા હતા. ચૂંટણી-કર્મચારીને તેમણે તેમની સ્લિપ અને ઇલેક્શન કાર્ડ બતાવ્યાં હતાં અને ત્યાર બાદ આંગળી પર અવિલોપ્ય શાહીનું ટપકું કરાવીને મતદાન કર્યું હતું. વોટિંગ કર્યા બાદ તેમણે બહાર આવીને સૌને આંગળી પર મતદાનના નિશાનને બતાવ્યું હતું. મતદાન કરીને બહાર આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ લગભગ એકાદ કિલોમીટર ચાલીને સૌનું અભિવાદન કર્યું હતું. નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવા માટે અને પોતાના નેતાને જોવા માટે કંઈકેટલાય લોકો ઊમટ્યા હતા. ઢોલનગારાંના તાલથી લઈને કમળનાં ચિહ્નોથી મોદી-મોદીના નારા વચ્ચે BJPએ તેમને આવકાર આપ્યો હતો.



પિન્ક બૂથ સંચાલક અવનિ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બૂથનું સંચાલન મહિલાઓ કરી રહી છે અને એ પિન્ક બૂથ તરીકે ઓળખાય છે. અહીં પાંચ મહિલાઓ મતદાનની કામગીરી કરાવી રહી છે.’


વૃદ્ધ મહિલાએ રાખડી બાંધી

મતદાન કરીને બહાર આવ્યા બાદ વડા પ્રધાન ઉપસ્થિત લોકોનું અભિવાદન કરી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ મહિલા ત્યાં આવી હતી અને તેણે નરેન્દ્ર મોદીના હાથમાં રાખડી બાંધી હતી. વડા પ્રધાને આ મહિલાને હાથ જોડ્યા હતા અને તેમના આશીર્વાદ માગ્યા હતા.


બાળકને ગોદમાં લીધું

નરેન્દ્ર મોદી મતદાનબૂથ પર લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક મહિલા તેના બાળકને લઈને ઊભી હતી. વડા પ્રધાને તે બાળકને ગોદમાં લીધું હતું અને વહાલ કર્યું હતું.
મોદીના સ્કેચની ભેટ આપી. વડા પ્રધાનને તેમનો સ્કેચ ભેટ કરનારા દેવર્ષ પંડ્યાએ કહ્યું હતું કે મેં મોદીજીને પૂછ્યું કે આ ડ્રૉઇંગ કેવું બન્યું છે ત્યારે તેમણે કહ્યું કે સારું બન્યું છે. મેં કહ્યું કે એ મેં સોમવારે રાતે બનાવ્યું છે. વડા પ્રધાને એના પર હસ્તાક્ષર પણ કર્યા હતા. મોદીને સ્કેચ આપનારી બીજી એક છોકરીએ કહ્યું હતું કે મેં આ સ્કેચ મારી જાતે જ બનાવ્યો હતો અને વડા પ્રધાને મારો સ્કેચ જોયો હતો, અને પેન માગીને મને ઑટોગ્રાફ પણ આપ્યો હતો. હું ખૂબ ખુશ છું.

મોદીને તેમની તસવીર ભેટ આપી
સિયા પટેલે વડા પ્રધાન મોદીને તેમની જ તસવીર ભેટ આપી હતી. તેણે જણાવ્યું કે મેં મોદીજી પાસેથી ઑટોગ્રાફ માગ્યા હતા, જ્યારથી મેં તેમની તસવીર બનાવી હતી ત્યારથી હું તેમનો ઇન્તજાર કરી રહી હતી, તેમને મળીને હવે શું કહેવું એ ખબર નથી પડી રહી, આ એક શાનદાર અનુભવ હતો.

૯ વર્ષની ફેની પટેલ અને ત્રીજા ધોરણમાં ભણતી ચિન્કી ત્રિવેદીનો નરેન્દ્ર મોદી સાથેનો અનુભવ કેવો રહ્યો?

નરેન્દ્ર મોદીએ વાત કરતાં ચિન્કી ત્રિવેદી ખુશ થઈ ગઈ હતી.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન વિદ્યાલયમાં નરેન્દ્ર મોદી મતદાન કરીને ચાલતાં-ચાલતાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના કાને મોદીદાદા, મોદીદાદાની બૂમ સંભળાતાં અને તેમનું ડ્રૉઇંગ જોતાં જ નરેન્દ્ર મોદી તે દીકરી પાસે પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદીનું પેઇ​ન્ટિંગ બનાવનાર નવ વર્ષની ફેની પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને ખબર હતી કે મોદીદાદા અહીં મત આપવા આવવાના છે એટલે મેં તેમના માટે એક ડ્રૉઇંગ બનાવ્યું હતું. તેઓ જ્યારે અમારી સોસાયટી પાસેથી ચાલતાં-ચાલતાં પસાર થયા ત્યારે હું મારી ફૅમિલી સાથે ઊભી હતી અને મેં તેમને જોઈને મોદીદાદા, મોદીદાદા બૂમ પાડીને તેમનું ડ્રૉઇંગ ઊંચું કરીને બતાવ્યું હતું. આ ડ્રૉઇંગ જોઈને મોદીદાદા મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું પેન આપ, હું તને ઑટોગ્રાફ આપું એટલે મારી પાસે પેન હતી તે મેં દાદાને આપી હતી અને તેમણે મારા પેઇ​ન્ટિંગ પર ઑટોગ્રાફ આપ્યા એનાથી હું બહુ ખુશ થઈ ગઈ. તેમની સાઇન સાથેનું ડ્રૉઇંગ મેં મારી બધી જ ફ્રેન્ડ્સને બતાવ્યું હતું.’ નરેન્દ્ર મોદી મતદાન કરીને મતદાનમથકની બહાર આવ્યા અને સીધા જ સામે ઊભેલી એક બાળકી પાસે પહોંચી ગયા હતા અને તેની સાથે વાત કરીને હળવી પળો વિતાવી હતી. બીજા ધોરણમાં પાસ થઈને ત્રીજા ધોરણમાં આવેલી ચિન્કી ત્રિવેદીએ તેની કાલીઘેલી ભાષામાં  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું નરેન્દ્રદાદાને ઓળખું છું એટલે પપ્પા સાથે નરેન્દ્રદાદાને જોવા આવી હતી. નરેન્દ્રદાદા મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું કે તારું નામ શું છે? તું કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે? મેં તેમને કહ્યું કે હું પાસ થઈ ગઈ અને ત્રીજા ધોરણમાં આવી ગઈ. નરેન્દ્રદાદાને મળીને મજા આવી ગઈ.’

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 07:15 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK