જીવ ગુમાવનારા લોકોમાં પાંચ વર્ષના બાળકનો પણ સમાવેશ
પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થતાં તેમને બચાવી લેવામાં આવ્યાં હતાં.
એક તરફ ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે ગઈ કાલથી ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે અને પતંગરસિયાઓ પતંગ ચગાવવામાં મશગૂલ હતા તો બીજી તરફ ગુજરાતમાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ હતી અને પાંચ વર્ષના એક બાળક સહિત પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવવો પડ્યો હતો. એટલું જ નહીં, પતંગની દોરીથી અનેક પશુ-પંખીઓ પણ ઘાયલ થયાં હતાં. આ ગંભીર ઘાયલ પશુ-પક્ષીઓને ૧૦૮ ઍમ્બ્યુલન્સ સર્વિસ તેમ જ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રેસ્ક્યુ કરીને સારવાર આપીને બચાવી લેવાયાં હતાં. ઘાયલ થયેલાં પશુઓની સંખ્યા ૭૫૮ જેટલી અને પક્ષીઓની સંખ્યા ૬૪૪ જેટલી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે અમદાવાદની શાંતિનિકેતન સોસાયટીમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પતંગ ચગાવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ.
રાજકોટમાં કુવાડવા વિસ્તારમાં બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં પતંગની દોરી આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મૃત્યુ થયું હતું. પંચમહાલના હાલોલમાં પોતાનાં માતા-પિતા સાથે પતંગ અને ફુગ્ગા લેવા જઈ રહેલા પાંચ વર્ષના કૃણાલ પરમાર નામના બાળકના ગળામાં પતંગની દોરી આવી જતાં તેનું મૃત્યુ થયું હતું. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ઓડુ ગામે ઈશ્વર ઠાકોરના ગળામાં પતંગની દોરી આવી જતાં અવસાન થયું હતું. ઉત્તર ગુજરાતમાં વડનગર તાલુકાના વડબાર ગામે રહેતા માનસાજી ઠાકોર બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરી ગળામાં આવી જતાં તેમનું મૃત્યુ થયું હતું.

