Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા રોડમાં લુટેરી દુલ્હનનો આતંક

મીરા રોડમાં લુટેરી દુલ્હનનો આતંક

Published : 01 February, 2026 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્નના બે જ દિવસમાં પત્ની ૪.૭૬ લાખ રૂપિયાના દાગીના અને લૅપટૉપ લઈને ફરાર, એજન્ટ સહિત ટોળકી સામે ગુનો દાખલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મીરા રોડ-ઈસ્ટના શાંતિ ગાર્ડન વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષના એસ્ટેટ એજન્ટ સાથે ડિસેમ્બર ૨૦૨૫માં લગ્નના બહાને ૪.૭૬ લાખ રૂપિયાની કીમતી મતાની ચોરી અને છેતરપિંડીની ઘટના બની હતી. આ મામલે શુક્રવારે કાશીમીરા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે નાશિકના મૅરેજ-એજન્ટ અને તેના સાથીદારોએ મળીને એક યુવતી સાથે એસ્ટેટ એજન્ટનાં ખોટાં લગ્ન કરાવ્યાં હતાં અને લગ્નના માત્ર બે જ દિવસમાં પત્ની તરીકે ઘરે આવેલી યુવતી ઘરમાં રાખેલા દાગીના અને ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ લઈ નાસી છૂટી હતી. પોલીસે યુવતી સહિત ૪ લોકોની વધુ તપાસ શરૂ કરી છે.

ટૂંકી મુલાકાત અને લગ્ન  
કાશીમીરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસ્ટેટ એજન્ટે તેની પત્ની સાથે વર્ષો પહેલાં છૂટાછેડા લીધા બાદ એકલા રહેતા હતા. ઘરની દેખરેખ માટે તેમણે બીજાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જુલાઈ ૨૦૨૫માં મિત્ર મારફત તેમનો સંપર્ક નાશિકના મૅરેજ-એજન્ટ કેસરીમલ રાંકા સાથે થયો હતો. એજન્ટે લગ્ન કરાવી આપવા બદલ ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી જેમાંથી એસ્ટેટ એજન્ટે અલગ-અલગ તારીખે ઑનલાઇન અને રોકડ સ્વરૂપે કુલ ૪૪,૭૫૦ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યાર બાદ એજન્ટે તેને નેહા ખંડેલવાલ ઉર્ફે જન્નત નામની યુવતીનો ફોટો બતાવ્યો હતો. થોડા દિવસ બાદ એજન્ટ કેસરીમલ તેની પત્ની મનીષા અને પોતાને નેહાના મામા ગણાવતા રાજુ જૈન ઉર્ફે મહાવીર બગોરિયા સાથે યુવતીને લઈને એસ્ટેટ એજન્ટના ઘરે આવ્યો હતો. એસ્ટેટ એજન્ટે પોતાની માંદગી અને પરિસ્થિતિ વિશે સ્પષ્ટતા કરી હોવા છતાં નેહાએ પોતે અનાથ હોવાનું કહીને તાત્કાલિક લગ્ન કરવા માટે આગ્રહ કર્યો હતો. છેવટે ૨૩ ડિસેમ્બરે તેમના ઘરે જ લગ્ન થયાં હતાં. જોકે આ લગ્ન માત્ર લૂંટના ઇરાદે રચાયેલું એક નાટક હતું જેની એસ્ટેટ એજન્ટને જરાય જાણ નહોતી.’



બે દિવસમાં જ હાથસફાઈ
સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લગ્નના બે દિવસ બાદ નેહાએ નાશિક પોતાના મામાના ઘરે જવાનું બહાનું કાઢ્યું હતું અને ઘરેથી નીકળી ગઈ હતી. ૩૦ ડિસેમ્બરે તેણે પાછા આવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવવા લાગ્યો ત્યારે એસ્ટેટ એજન્ટે ઘરમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે નેહા ઘરનાં સોનાનાં બે મંગળસૂત્ર, સોનાની ચેઇન, વીંટી, એક મોંઘું ઍપલ કંપનીનું લૅપટૉપ અને મોબાઇલ ફોન ચોરીને ગઈ હતી. એસ્ટેટ એજન્ટે એજન્ટ કેસરીમલ રાંકાની કડક પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ્યું કે આ યુવતીનું સાચું નામ જન્નત છે અને તે વિરારની રહેવાસી છે. એજન્ટે એવો પણ ખુલાસો કર્યો કે આ યુવતી અગાઉ પણ અનેક લોકો સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી ચૂકી છે. પોતાની સાથે થયેલી આ મોટી છેતરપિંડી બાદ એસ્ટેટ એજન્ટે કેસરીમલ રાંકા, મનીષા રાંકા, નેહા ઉર્ફે જન્નત અને રાજુ જૈન વિરુદ્ધ વિશ્વાસઘાત અને ચોરીની અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK